મહેસાણા : શાળાએ જતી વિદ્યાર્થિનીને ઝાડીમાં ખેંચી જઇ હવસખોરે દુષ્કર્મ આચર્યુ

0
23

મહેસાણાઃ મહેસાણા તાલુકાના ખેરવા ગામમાં હાઇસ્કૂલે જવા નીકળેલી એક વિદ્યાર્થિનીને ગામના જ એક હવસખોર યુવકે છરી બતાવી અપહરણ કરી બાવળની ઝાડીમાં લઇ જઇ દુષ્કર્મ આચરતાં ચકચાર મચી ગઇ હતી. જે અંગે વિદ્યાર્થિનીએ મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ખેરવા ગામે ધારૂસણા જવાના રોડ પર સીમમાં રહેતા એક પરિવારની 12મા ધોરણમાં ભણતી 17 વર્ષની દીકરી ગુરુવારે સવારે ઘરેથી હાઇસ્કૂલે જવા નીકળી હતી. તે ધારૂસણા રોડ પર વરલીવાળા આંટા નામથી ઓળખાતી સીમમાંથી પસાર થતી હતી, ત્યારે રસ્તામાં બાવળની ઝાડીમાં છુપાઇને બેઠેલો અક્ષયજી ભૂપતજી ઠાકોર નામના યુવકે અચાનક ઝાડીમાંથી બહાર નીકળી તેણીને છરી બતાવી અવાજ કરીશ તો મારી નાખીશ તેવી ધમકી આપી ઝાડીમાં ખેંચી ગયો હતો અને દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં આ વાતની કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી નાસી ગયો હતો.

આ ઘટનાથી ગભરાઇ ગયેલી આ કિશોરી તે દિવસે સ્કૂલે તો ગઇ, પરંતુ પરત ઘરે આવી ડરના માર્યા કોઇને વાત કરી નહોતી. શુક્રવારે તે સ્કૂલે ગઇ નહોતી. આથી લોકાચારે ગયેલા તેના માતા-પિતા સાંજના પરત ઘરે આવ્યા ત્યારે કેમ સ્કૂલે ગઇ નથી તેમ પૂછતાં તેણીએ માતાને વાત કરી હતી.

આ ઘટનાથી હચમચી ગયેલા કિશોરીના ભાઇએ 181 અભયમને ફોન કરી જાણ કરી હતી. અભયમની ટીમ કિશોરીને મહેસાણા તાલુકા પોલીસ સ્ટેશનમાં લાવી હતી. જ્યાં અક્ષયજી ભૂપતજી ઠાકોર વિરુદ્ધ અપહરણ અને દુષ્કર્મ કલમ તેમજ પોક્સો એક્ટ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જેની તપાસ પીઆઇ ઓ.એમ. દેસાઇ ચલાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here