મહેસાણા : બે બંધ મકાનોનાં તાળાં તોડી તસ્કરોએ એક મકાનમાંથી ચાંદીના દાગીનાની ચોરી

0
4

મહેસાણામાં રાધનપુર રોડ પર આવેલી પ્રથમ રેસીડેન્સી અને સપન એક્ઝોટીકામાં બે બંધ મકાનોનાં તાળાં તોડનારા તસ્કરોએ એક મકાનમાંથી ચાંદીના દાગીનાની ચોરી કરી હતી, જ્યારે બીજા મકાનમાં ફેરો પડ્યો હતો. ઘટના સ્થળે પહોંચેલી તાલુકા પોલીસે તપાસ હાથ ધરી હતી.રાધનપુર રોડ પર પાંચોટ જવાના માર્ગે આવેલી પ્રથમ રેસીડેન્સીમાં રહેતા રમેશભાઇ ઇશ્વરભાઇ પટેલ અને તેમનાં પત્ની મુંબઇ ખાતે રહેતી દીકરીને મળવા ગયાં હતાં. તે દરમિયાન ત્રાટકેલા તસ્કરો બંધ મકાનના દરવાજાનો નકૂચો તોડી અંદર ઘૂસ્યા હતા અને બેડરૂમની તિજોરીનો કાચ તેમજ બંને પડખાં તોડી સામાન વેરવિખેર કરી મૂક્યો હતો.

જોકે, કિંમતી સામાન ઘરમાંથી નહીં મળતાં તસ્કરોને ધક્કો પડ્યો હતો. જ્યારે બાજુમાં આવેલી સપન એક્ઝોટીકામાં રહેતા જસવંતભાઇ ઠાકોરના બંધ મકાનના દરવાજાનું તાળું તોડી તસ્કરોએ કબાટો અને તિજોરીનો તમામ સામાન અસ્ત વ્યસ્ત કરી મૂક્યો હતો. અહીંથી બાળકોની ચાંદીની લકી સહિતના ચાંદીના દાગીના તસ્કરો ચોરી ગયા હતા. ચોરીની જાણ થતાં મહેસાણા તાલુકા પોલીસે પ્રથમ રેસીડેન્સીમાં વૃદ્ધ દંપતીના ઘરે જઇને તપાસ હાથ ધરી હતી. નોંધનીય છે કે, આ વિસ્તારમાં ચોરીઓનું પ્રમાણ વધુ હોઇ પોલીસ પેટ્રોલિંગ વધારવા રહીશોએ માંગણી કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here