મહેસાણા : પશુ ખરીદવા મંડળીના માધ્યમથી ઓછા વ્યાજે લોન માટે રૂ.100 કરોડ ફાળવવા

0
5

મહેસાણા દૂધસાગર ડેરીની ગત જુલાઇમાં કોરોના મહામારીના કારણે બંધ રહેલી સાધારણ સભા સોમવારે ઓનલાઇન યોજાઇ હતી. જેમાં નવા નિયામક મંડળે કરકસરભર્યા વહીવટી નિર્ણયો સાથે પશુપાલકોને ગાય, ભેંસ ખરીદવા મંડળીના માધ્યમથી ઓછા વ્યાજે લોન મળી રહે તે માટે રૂ.100 કરોડ ફાળવવા આયોજન કરાયું હોવાનું ચેરમેન અશોક ચૌધરીએ જણાવ્યું હતું. આગામી 5 વર્ષમાં ડેરીને દેવામુક્ત કરવાના સંકલ્પ સાથે છેલ્લા 10 વર્ષથી ઘટી રહેલા દૂધનો જથ્થો વધારીને દૈનિક 50 લાખ કરવાનો લક્ષાંક પણ નક્કી કરાયો હતો.

દૂધસાગર ડેરી સાથે 1156 મંડળીઓના પાંચ લાખ જેટલા દૂધ ઉત્પાદક પશુપાલકો જોડાયેલા છે. વર્ચ્યુઅલ સભામાં એક હજાર જેટલી મંડળીના પ્રતિનિધિઓ તેમના વિસ્તારના દૂધ શીતકેન્દ્રો ખેરાલુ, કડી, હારિજ, પાટણ અને વિહારમાં ઉપસ્થિત રહી સાધારણ સભામાં જોડાયા હતા. જેમાં વર્ષ 2019-20ના એજન્ડામાં પેટાકાયદો સુધારવાની દરખાસ્ત નામંજૂર કરાઇ હતી.

આ પેટાકાયદા મુજબ દૂધસંઘના નિયામક મંડળમાં દૂરડાનો પ્રતિનિધિ મૂકવો તેવી જોગવાઇ કાયદા સુધારાથી અમલમાં આવે તેવી જોગવાઇ કરી હતી. જોકે, દૂરડા સંસ્થાએ દૂધસંઘથી ચાલતી સંસ્થા છે, એટલે દૂરડામાં દૂધસંઘના પ્રતિનિધિ આવે, દૂરડાના પ્રતિનિધિ દૂધસંઘમાં ન મૂકવાના હોય એવા સૌના પરામર્શના અંતે અગાઉ વિપુલ ચૌધરી જૂથના શાસકો વખતે પેટાકાયદામાં સુધારો સુચવતી દરખાસ્ત નામંજૂર કરાઇ હતી.

સભામાં પશુપાલકો માટે નવા નિર્ણયો અને ડેરી માટે વિકાસલક્ષી પગલાં લેવાયાં

  • ​​​​​દૂધસાગર ડેરીમાં છેલ્લા 10 વર્ષથી ઘટી રહેલા દૂધની આવક વધારી દૈનિક 50 લાખ લિટર કરવી.
  • દૂધ ઉત્પાદન વધારવા ફેડરેશનની 50 ટકા સબસિડીથી બીજદાન ડોઝના ભાવમાં ઘટાડો કરી રૂ. 50 કરાયો.
  • ગાય, ભેંસ ખરીદવા ઓછા વ્યાજની લોન માટે 100 કરોડ ફાળવાશે, મંડળીના માધ્યમથી પશુપાલકોને લાભ અપાશે.
  • દિલ્હીના બજારમાં ડેરીનું 9 લાખ લિટર વેચાણ થતું દૂધ ફેડરેશન, સરકારના સહયોગથી વધીને બે મહિનામાં 10.5 લાખથી 11 લાખ લિટરે પહોંચ્યું છે.
  • સહયોગની મિઠાઇ, રબડી અમૂલના નામે દિલ્હીના બજારમાં મૂકવા ફેડરેશનમાં પ્રસ્તાવ.
  • રૂ.40 કરોડના ઘીનો સ્ટોક પડ્યો છે. કોર્ટની મંજૂરી મળ્યા પછી કેટલફીડ માટે મંડળીઓને આપવાનું આયોજન.
  • ગત વર્ષે દૂધ ભાવ વધારાનો રૂ.106 કરોડનો હવાલો આ વર્ષે સરભર કરાશે.
  • ભાવવધારાની રકમ સરભર કર્યા પછી પણ સારો ભાવવધારો પશુપાલકોને મળશે.
  • ધારૂહેડા પ્લાન્ટમાં ૩ લાખ લિટર દૂધ પ્રોસેસિંગને વધારી ફેડરેશને 4 લાખ લિટર કર્યું.
  • બેંકો પાસેથી લીધેલી લોનના વ્યાજ પેટે ડેરી 7 થી 7.5 ટકા ચૂકવતી હતી, જે પરામર્શ કરતાં 5.5 ટકા વ્યાજ માટે બેંકો તૈયાર થઈ છે, જેનો 6 વર્ષે 20 કરોડનો ફાયદો ડેરીને થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here