Friday, September 17, 2021
Homeમહેસાણા : ખેતી બેંકના ડિરેક્ટરની ચૂંટણી માટે ભાજપના બે જૂથ સામ-સામે
Array

મહેસાણા : ખેતી બેંકના ડિરેક્ટરની ચૂંટણી માટે ભાજપના બે જૂથ સામ-સામે

ખેતી બેંકના મહેસાણા જિલ્લાના ડિરેક્ટર માટેની ચૂંટણીમાં ભાજપના જ બે જૂથ આમને-સામને આવી ગયા છે. ભાજપે ખેતી બેંકના પૂર્વ ચેરમેન ધીરેન ચૌધરીને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા હોવા છતાં ભાજપના જ રામજી ચૌધરીએ ફોર્મ પરત નહીં ખેંચતાં હવે 7 ઓગસ્ટે ચૂંટણી યોજાશે. ભાજપના જ ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચતા આ મામલો છેક કમલમમાં પહોંચ્યો છે.

ખેતી બેંકની વ્યવસ્થાપક સમિતિમાં 17 જિલ્લાના ડિરેક્ટરોની ચૂંટણી જાહેર થતાં મહેસાણા જિલ્લાના ડિરેક્ટર માટે ભાજપના જ બે આગેવાનો ખેતી બેંકના પૂર્વ ચેરમેન ધીરેનભાઈ બાબુભાઈ ચૌધરી અને પામોલના વતની તેમજ ખેતી બેંકના પૂર્વ કર્મચારી રામજીભાઈ હાથીભાઈ ચૌધરીએ ઉમેદવારી કરી હતી. આથી ભાજપે ધીરેન ચૌધરીને સત્તાવાર ઉમેદવાર જાહેર કરી રામજીભાઈ ચૌધરીને ફોર્મ પરત ખેંચવા સૂચના આપી હતી. જોકે, ફોર્મ પરત ખેંચવાના સોમવારે અંતિમ દિવસે રામજીભાઈ ચૌધરીએ ફોર્મ પરત નહીં ખેંચતાં હવે ભાજપના બે જૂથો આમને-સામને આવી ગયા છે. જેને લઇ 7 ઓગસ્ટે યોજાનાર ચૂંટણી માટે બંને જૂથના નેતાઓ એકબીજાના ઉમેદવારને જીતાડવા પ્રયાસ કરે તો સંઘર્ષના એંધાણ વર્તાઈ રહ્યા છે.

17 પૈકી 10 જિલ્લાના ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા

મહેસાણા સહિત 17 જિલ્લાના ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં અગાઉ 8 ડિરેક્ટરો બિનહરીફ જાહેર થયા હતા. જ્યારે સોમવારે સાબરકાંઠા અને ભરૂચમાં ભાજપે સત્તાવાર ઉમેદવાર જાહેર કરતાં હરીફ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચતાં કુલ 10 ડિરેક્ટરો બિનહરીફ થયા છે.

ધીરેન ચૌધરી ભાજપના સત્તાવાર ઉમેદવાર :BJP પ્રમુખ

જિલ્લા ભાજપ પ્રમુખ જશુભાઈ પટેલે જણાવ્યું કે,ધીરેનભાઈ ચૌધરીને મહેસાણાના ડિરેક્ટરની ચૂંટણીમાં પક્ષે સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા છે.

મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના જૂથ વચ્ચે લડાઈ

ભાજપે સત્તાવાર ઉમેદવાર તરીકે જાહેર કરેલા ધીરેનભાઈ ચૌધરી નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલના સમર્થક ગણાય છે. જ્યારે સામાપક્ષે રામજી ચૌધરીના સમર્થનમાં વિજાપુર ધારાસભ્ય રમણભાઈ પટેલ, ડેરીના ચેરમેન અશોક ચૌધરી, વિસનગર ધારાસભ્ય ઋષિકેશ પટેલ, ડેરીના ડિરેક્ટર કનુ ચૌધરી અને જિલ્લા સદસ્ય મુકેશ ચૌધરી હોવાનું મનાય છે. ડેરીની ચૂંટણી બાદ ખેતી બેંકની ચૂંટણીમાં પણ ભાજપ સામ-સામે છે.

ડેરીમાં બદલીની ધમકી,મતદારોને લાલચ આપવાનો આક્ષેપ

ધીરેન ચૌધરીએ કહ્યું કે, ભાજપે મને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યો છે. તેમ છતાં સામા જૂથમાં ડેરીના ચેરમેન અને ડિરેક્ટરો હોવાથી મતદારોના સગાઓની ડેરીમાં બદલી કરવાની ધમકી આપી તેમજ ડેરીના કોન્ટ્રાક્ટરોને મતદારો પાસે મોકલી લાલચ આપીને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

અશોક ચૌધરી, રમણ પટેલે ફોન રિસીવ કરવાનું ટાળ્યું

ખેતી બેંકની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારે ફોર્મ પરત નહીં ખેંચવા મામલે દૂધસાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચૌધરી અને ધારાસભ્ય રમણલાલ પટેલને ફોન કરતાં બંનેએ ફોન રિસીવ કરવાનું ટાળ્યું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments