મહેસાણામાં રખડતી ગાયે કોર્પોરેટરની બે પુત્રીઓને અડફેટે લીધી, બન્નેને ઈજા

0
44

મહેસાણા શહેરમાં રખડતી ગાયોની રંજાડથી રોડ પરથી પસાર થવું રાહદારીઓ અને વાહન ચાલકો માટે જોખમી બન્યું છે. મોઢેરા રોડ પર શનિવારે કોંગ્રેસનાં મહિલા કોર્પોરેટર સોનલબેન પટેલની બે દીકરીઓને ગાયે અડફેટે લીધી હતી. જેમાં એકને કાનના ભાગે બે ટાંકા અને હાથે ફ્રેક્ચર થયું હતું તો બીજીને હળવી ઇજા થઇ હતી. બીજી બાજુ, રખડતાં ઢોર નિયંત્રણ કરવામાં નિષ્ફળ પાલિકા દ્વારા આજુબાજુના વિસ્તારમાંથી અજાણ્યા શખ્સો શહેરમાં ઢોર છોડી જતા હોઇ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવા માટે જિલ્લા પોલીસવડાને અરજ કરવામાં આવી છે.

નગરપાલિકા પ્રમુખ ઘનશ્યામ સોલંકીએ ગત 16મીએ એસપીને લેખિત પત્ર કર્યો છે. જેમાં પાલિકા દ્વારા હાલમાં 200 ઢોર પકડી નિકાલ કરાયો છે. જોકે ઘણા સમયથી મોઢેરા રોડ, રાધનપુર રોડ, વાઇડ એન્ગલ સિનેમા, લાખવડ રોડ, માનવ આશ્રમ રોડ, તાવડિયા રોડ વિસ્તારમાં રાત્રીના સમયે શહેરના આજુબાજુના વિસ્તારોમાંથી અજાણ્યા શખ્સો રખડતાં ઢોર છોડી જતા હોવાનું ધ્યાને આવ્યું છે. જેથી રોડ ઉપર ટ્રાફિકની સમસ્યા તથા રસ્તે ચાલતા રાહદારીઓને અકસ્માતનો ભય રહે છે. અવ્યવસ્થા અને પાલિકા ઉપર આર્થિક ભારણ ઉભુ થવાની શક્યતા હોઇ યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવા રજૂઆત કરી હતી.કોર્પોરેટર સોનલબેન પટેલે કહ્યું કે, રખડતી ગાયોની વકરતી સમસ્યાને નિયંત્રિત કરવા પાલિકા અને કલેકટર કચેરીમાં અમે રજૂઆત કરીશું.

અત્રે ઉલ્લેખનીય છેકે મહેસાણા શહેરમાં રાધનપુર રોડ પર નાળા પછીનો રોડ પાંચોટ ગામહદમાં આવે છે. પાંચોટ ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચ અને વર્તમાન મહિલા સરપંચના પતિ દશરથભાઇ પટેલે કહ્યું કે, રખડતી ગાયો પકડવા વાર્ષિક રૂ. 2.40 લાખમાં ચાર ચોકિયાત મારફતે 15 દિવસમાં રાધનપુર રોડને આવરી લઇ 70 ગાયો પકડી નિકાલ કર્યો છે. પણ વધુ ગાયો આવી જાય છે. રખડતાં ઢોર પકડવામાં આખલાએ એક ચોકિયાતને અડફેટે લેતાં તેની ઇજામાં સારવાર પાછળ રૂ.35 હજાર ખર્ચ થયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here