પોલીસ બંદોબસ્ત : બંધમાં મહેસાણાના બે ચહેરા: એક સંપૂર્ણ બંધ અને બીજું ધમધમતું રહ્યું

0
0

મહેસાણા: શહેરમાં મોઢેરા ચોકડી પાસેના હબટાઉનમાં ગત બુધવારે રાત્રે બર્થ ડે ઉજવવા બેઠેલી યુવતીઓને ઘરે જવાનું કહેનાર યુવક ઉપર હિંસક હુમલો અને વાહનોની તોડફોડ મામલે કોઇપણ સમાજ કે સંગઠન દ્વારા બંધનું એલાન અપાયું ન હોવા છતાં માત્ર સોશિયલ મીડિયામાં મહેસાણા બંધના વાયરલ થયેલા મેસેજને પગલે શનિવારે શહેરના હ્રદયસમાન તોરણવાળી ચોકથી લઇને આઝાદચોક, રાજમહેલ રોડ સહિતના વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા, તો હાઇવે પરના બજારો રાબેતા મુજબ ધબકતા રહ્યા હતા. આમ, બંધ દરમિયાન શહેરના બે ચહેરા સામે આવ્યા હતા.

મહેસાણા-1માં આવતા ગોપી નાળાથી અંદરના વિસ્તારના તમામ બજારો સ્વયંભૂ બંધ રહ્યા હતા, તો મહેસાણા-2 એટલે કે ગોપીનાળાથી બહાર હાઇવે વિસ્તાર ધમધમતો જોવા મળ્યો હતો. બંધ સંબંધે કોઇ સમાજ કે સંગઠન આગળ આવેલા ન હોઇ માત્ર વાયરલ થયેલા મેસેજના આધારે દુકાનો બંધ રાખી ધંધો બગાડવો કેટલે અંશે હિતાવહ છે તેવું વેપારીઓને સમજાવવા પોલીસે પ્રયાસ કર્યો હતો. જોકે, સ્થાનિક વેપારીઓના કહેવા મુજબ, મુસ્લિમ વિસ્તાર નજીક હોઇ કોઇ અટકચારો કરે અને તોફાન થાય તો ભાગવું મુશ્કેલ બને સાથે દુકાનમાં ભરેલા માલને પણ નુકસાન થવાની શક્યતા નકારી શકાય નહીં. બીજીબાજુ, તોફાનની આશંકાને પગલે શહેરમાં એસઆરપી સહિતનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવાયો હતો. તંગદિલીને જોતાં રેન્જ આઇજી મયંકસિંહ ચાવડાએ આખો દિવસ રોકાઇ તમામ ગતિવિધિઓ પર નજર રાખી હતી. જોકે, દિવસ દરમિયાન સંપૂર્ણ શાંતિ જળવાઇ રહેતાં પોલીસ તંત્રએ રાહતનો દમ લીધો હતો.

લઘુમતી વિસ્તારોમાં વેપારીઓએ દુકાનો ખોલી જ નહીં
હબટાઉનમાં બર્થ ડે ઉજવવા મિત્રો સાથે બેઠેલી બે યુવતીઓને ઘરે મોકલવાના મુદ્દે સમયાંતરે થયેલા ત્રણ હુમલાની ઘટનાના વિરોધમાં સમસ્ત હિન્દુ સમાજ દ્વારા શહેર બંધના એલાનના વાયરલ થયેલા મેસેજ બાદ શનિવારે કસ્બા, આઝાદચોક સહિત લઘુમતી વસતી ધરાવતા બજાર વિસ્તારોમાં તોફાનના ભય વચ્ચે વેપારીઓએ દુકાનો ખોલી જ નહતી.

મહેસાણા-1 કરફ્યુ જેવો માહોલ
રાજમહેલ રોડ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન રોડ, તોરણવાળી માતા ચોક, પિલાજીગંજ, ફુવારા રોડ, કૃષ્ણનો ઢાળ, સિદ્ધપુરી બજાર, કસ્બા, આઝાદચોક, માનવ આશ્રમ વિસ્તાર.

મહેસાણા-2 કોઇ જ અસર નહીં
ગોપીનાળા અને ભમ્મરિયા નાળાની બહાર, બીકે સિનેમા રોડ, રાધનપુર ચોકડી, મોઢેરા ચોકડી, શિલ્પા ગેરેજ વિસ્તાર, મોઢેરા રોડ, રાધનપુર રોડ, નાગલપુર રોડ, દેદિયાસણ જીઆઇડીસી વિસ્તાર, એસટી રોડ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here