ગાંધીધામ આદિપુર સંકુલમાં સીસીટીવીનું નેટ બીછાવ્યા બાદ હવે પોલીસ દ્વારા ઈ મેમોની શરુઆત પણ આજથી કરવાની જાહેરાત કરાઈ છે. જેમના દ્વારા પણ ટ્રાફીકના નિયમોનું ભંગ કરાશે તેમને કેમેરાઓ થકી મેમો સ્વયંમ જનરેટ થશે અને તેના એડ્રેસ પર પહોંચી જશે. જેમને તે મેમોમાં દર્શાવ્યા મુજબ ભરણુ કરવાનું રહેશે.
ગાંધીધામ આદિપુર સંકુલમાં અસામાજીક તત્વોના કારસ્તાનોને અંકુશમાં રાખવા અને કાયદો વ્યવસ્થાની સ્થીતી જળવાય તે ઉદેશ્યથી રાજ્યસ્તરના પ્રોજેક્ટ અન્વયે સમગ્ર શહેરને આવરી શકાય તે રીતના સીસીટીવી કેમેરાઓની જાળ બીછાવવામાં આવી હતી. પુર્વ કચ્છ પોલીસ અધિક્ષક પરીક્ષીતા રાઠોડે જણાવ્યુ હતુ કે 43 સ્થળો પર કુલ 268 કેમેરાઓ લગાવાયા છે, જેમના થકી શહેરમાં પ્રવેશતા દરેક વાહનને એક વાર તો પકડમાં આવે તે પ્રમાણે તેની ગોઠવણ કરાઈ છે. આ કેમેરાઓ લાગ્યા બાદ રાજ્યના અન્ય શહેરોમાં છે તેવી ટ્રાફીક ભંગ થાય તો ઓટૉમેટીક જનરેટ થતા ચલણની વ્યવસ્થા ક્યારે લાગુ થશે? તે પ્રશ્ન સતત ઉથી રહ્યો છે. આ અંગે સતાવાર જાહેરાત કરતા પોલીસ વિભાગે જણાવ્યુ હતુ કે 1લી જુલાઈથી ગાંધીધામ આદિપુરમાં તેની શરુઆત કરી દેવામાં આવશે. જે પણ વાહન ચાલકો દ્વારા ઝીબ્રા ક્રોસીંગ, રોંગ સાઈડમાં વાહન ચલાવવુ, હેલ્મેટ, સીટબેલ્ટ, ત્રીપલ સવારી, ઓવર સ્પીડ અને ટ્રાફીકના અન્ય જરુરી નિયમોનું પાલન ન કરતા કેમેરાની નજરે ચડશે, તેમના ઈ મેમો જનરેટ થશે અને તે જેમના નામનું હશે, તેના ઘરે પહોંચશે. નાગરીકો સુરક્ષીત અનુભવે અને ટ્રાફીકના નિયમોને તોડતા તત્વો પર અંકુશ લાદી શકાય તે માટે આ શરુઆતને મહત્વપુર્ણ ગણાવીને તમામને ટ્રાફીકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અપીલ કરાઈ હતી. આ કેમેરાઓ સીધા કંટ્રોલ રુમ સાથે જોડાયેલા છે અને તેમા ટેકનીકલ ટ્રેનીંગ મેળવેલા કર્મચારીઓની દેખરેખ રહેલી છે તેમ એસપીએ ઉમેર્યુ હતુ.