માધવપુર (ઘેડ)માં રામનવમીથી તેરસ સુધી પાંચ દિવસ વર્ષોની પરંપરા મુજબ ભગવાન શ્રીકૃષ્ણ સાથે રૂક્ષ્મણીજીનો ભવ્ય વિવાહ ઉત્સવ ઉજવાય છે. ભગવાનના લગ્નપ્રસંગ અંતર્ગત તા. 14ને ધૂળેટીએ ભગવાનના લગ્નની કંકોતરી લખાશે તથા ફુલડોલ ઉત્સવ ઉજવાશે.
માધવપુર (ઘેડ)માં વર્ષોની પરંપરા પ્રમાણે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂક્ષ્મણીજીનો લગ્નોત્સવ ઉજવાશે. આ લગ્નોત્સવની કંકોતરી તા. 14મીને ધૂળેટીએ લખાશે. ધૂળેટીનાં દિવસે બપોરે 4 વાગ્યે માધવરાયજી મંદિરેથી ભવ્ય શોભાયાત્રા વાજતે ગાજતે યોજાશે. ઢોલ-શરણાઇનાં સૂરે કિર્તનકારો સાથે ભાવિકો જોડાશે. ભગવાન શ્રીકૃષ્ણની રવાડીમાં બિરાજમાન કરી આ શોભાયાત્રા ગામમાં ફરી મધુવન પહોંચશે. મધુવનમાં આવેલા રાણના વૃક્ષ પર બાંધેલા ઝુલામાં શ્રીકૃષ્ણ ભગવાનને બિરાજમાન કરાશે તથા સૌ ભાવિકો ભગવાન સંગે રંગે રમશે. ઝુલે ઝુલાવશે અને ભગવાન સંગ ભાવિકો ફુલડોલ ઉત્સવ ઉજવશે.
ત્યારબાદ શ્રીકૃષ્ણ ભગવાન રૂક્ષ્મણીજીના મઠ એટલે કે મહાપ્રભુજીની બેઠકજી પાસે રૂક્ષ્મણીજી પિયરે પધારશે. ત્યાં ભગવાનનું સ્વાગત કરાશે. કિર્તનકારો કિર્તનની રમઝટ બોલાવશે. શ્રીકૃષ્ણને શીતલજલ તથા મેવાનો પ્રસાદ ધરાવી આરતી ઉતારાશે. ત્યારબાદ વિધિવત ભગવાનના લગ્નની કંકોતરી લખવામાં આવશે. આ પ્રસંગે બહેનો લગ્નગીતોની રમઝટ બોલાવશે. ત્યારબાદ સાંજે 7 વાગ્યે પ્રભુજી નિજ મંદિર પરત પધારશે. લગ્નની કંકોતરી લખાયા બાદ માધવપુરનાં લોકો દ્વારા ભગવાનના લગ્નની તડામાર તૈયારીઓ આરંભાશે. તથા બહેનો રોજ માધવરાયજી મંદિરે લગ્નગીતો ગાશે. જ્યારે રામનવમીથી તેરસ સુધી ભગવાન શ્રીકૃષ્ણ સાથે રૂક્ષ્મણીનો લગ્નોત્સવ ભાવભેર ઉજવાશે.