બોયકોટ ચાઈના : અમદાવાદ : વેપારીઓ પાસે 4 મહિના ચાલે તેટલા ચીની મોબાઇલ, નુકસાન વેઠશે પણ વેચશે નહીં

0
4

અમદાવાદ. ભારતની ગલવાન ખીણમાં ચીને કરેલું દુઃસાહસ ભારે પડ્યું છે. દેશમાં ચીન વિરોધી માહોલ સર્જાઈ રહ્યો છે અને લોકો ઠેર ઠેર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. જેની સીઘી અસર ભારતમાં રહીને બિઝનેસ કરતી ચીનની કંપનીઓને થયો છે. ભારતમાં ખૂબ જ ટૂંકા સમયમાં લોકપ્રિય બનેલા ચાઈનીઝ મોબાઇલ અને એપ્સના ગ્રાહકોની સંખ્યામાં ભારે ઘટાડો નોંધાયો છે. શહેરના મોબાઇલ વિક્રેતાઓએ પણ ગ્રાહકોને ચાઇનીઝ ઉત્પાદન મોબાઇલ અને તેને લગતી એસેસરિઝ ન ખરીદવા માટે આગ્રહ કરી રહ્યા છે.

સીમા ઉપર ચીનની સેનાએ કરેલા હુમલામાં 20 જેટલા ભારતીય જવાનો શહીદ થતા દેશવાસીઓમાં રોષ ફેલાયો છે. ત્યારે અમદાવાદમાં ચાઈના માર્કેટ તરીકે જાણીતા કોમ્પલેક્સના વેપારીઓએ દેશના વેપારીઓને નવી રાહ દેખાડી છે. અમદાવાદના વેપારીઓએ ચાઈનાની કંપનીના મોબાઈલ ફોન અને સ્પેર પાર્ટસ નહીં ખરીદવાનો નિર્ણય લીધો છે.

આર્થિક રીતે નુકસાન સહન કરીને દેશને વધારે મહત્ત્વ આપતા આ વેપારીઓએ લોકો ચાઈનાના મોબાઇલ ન ખરીદે તે માટે તેના ભાવમાં પણ વધારો કરી દીધો છે. વેપારીઓ પાસે ચાર મહિના ચાલે એટલો ચાઈનીઝ કંપનીનો માલ પડ્યો છે. પરંતુ લોકોને ચાઈનીઝ મોબાઈલ ફોનની ખરીદી કરતા અટકાવવા માટે ચીનની કંપનીના મોબાઈલના ભાવમાં પણ વધારો કર્યો છે. તેમજ વેપારીઓ અલગ અલગ વેબસાઇટ પર સેલર બનીને સ્ટોક ખાલી કરી રહ્યા છે.

એટલું જ નહીં હવે ચાઈનીઝ વસ્તુઓની ખરીદી કરીને વેચાણ નહીં કરવાનો પણ વેપારીઓએ નિર્ણય લીધો છે.  બીજી તરફ ગુગલ પ્લે સ્ટોરમાં આ ચાઈનીઝ એપ્સની લોકપ્રિયતા સતત ઘટી રહી છે તેમ મોબાઈલ માર્કેટિંગ ઇન્ટેલિજન્સ કંપની સેન્સર ટાવરે જણાવ્યું છે. દેશમાં સૌથી લોકપ્રિય શોર્ટ વિડિઓ એપ ટિક્ટોકના 20 કરોડ યુઝર્સ છે.

જોકે એપ્સ લોકપ્રિયતા ગુમાવીને પ્લેસ્ટોરમાં 3 સ્થાન નીચે ગગડી ગઈ છે. જ્યારે અલીબાબાની માલિકીના યુસી બ્રાઉઝરના ભારતમાં 13 કરોડ યુઝર્સ છે. જોકે હવે તેનું રેન્કિંગ 39થી ગગડીને 79 પર પહોંચી ગયું છે. શેરઈટ એપનું રેન્કિંગ 15થી ઘટીને 49 પર પહોંચી ગયું છે. હેલો એપના ભારતમાં 5 કરોડ વપરાશકારો ધરાવે છે તેનું રેન્કિંગ 9થી ગગડીને 29 પર પહોંચી ગયું છે.

ભારતના સ્માર્ટ ફોનનું 70 ટકા માર્કેટ ચીન પાસે છે

દેશમાં સ્માર્ટફોન બજાર આશરે બે લાખ કરોડ રૂપિયાનું છે. જેમાં ચીનની ભાગીદારી 73% છે. એટલે કે 146 લાખ કરોડના બજાર પર ચીનનો કબજો છે. તેમાં ચીનની 4 મોબાઇલ બ્રાન્ડ શાઓમી(30%), વીવો (17%), ઓપ્પો(12%) અને રિયલમી(14%) છે. વીવો, ઓપ્પો, રિયલમી એક જ કંપની બીબીકે ઈલેક્ટ્રોનિક્સની બ્રાન્ડ છે. તેની ચોથી બ્રાન્ડ વનપ્લસ પણ છે જે ઝડપથી આગળ વધી રહી છે.

ભારતીયોને રોજગારી મળે એ પહેલી પ્રાથમિકતા રહેશે

અમદાવાદ મોબાઈલ ડીલર્સ એસોસિયેશનના પ્રમુખ નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, ભારતની મોબાઈલ કંપનીઓ ભારતમાં જ મોબાઇલ બનાવીને લાખો ભારતીયોને રોજીરોટી પૂરી પાડે છે. ભારતીયોને રોજગારી મળે એ એસોસિએશનની પહેલી પ્રાથમિકતા રહેશે.ચાઇનાનો સખત વિરોધ કરીશું.