‘મા યોજના’, ‘મા વાત્સલ્ય’નું આયુષમાન ભારતમાં મર્જર : દર્દીઓને રુપિયા પાંચ લાખ સુધીની સારવાર વિના મૂલ્યે મળશે

0
7

રાજ્ય સરકારે રાજ્યના ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને ગંભીર બીમારીમાં વિનામૂલ્યે સારવાર આપવા માટે અમલી બનાવેલી મા યોજના અને મા વાત્સલ્ય યોજનાનું ભારત સરકારની આયુષમાન ભારત યોજના સાથે મર્જર કરવામાં આવ્યું છે. જેથી હવે આ ત્રણ પૈકી કોઇપણ યોજનાનું કાર્ડ હશે તે લાભાર્થીને એકસરખો 5 લાખ સુધીની વિનામૂલ્યે સારવાનો લાભ મળશે.

એક જ કાર્ડના આધારે હવે ત્રણ યોજનાનો લાભ મળશે

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે મા યોજનામાં 3 લાખ સુધીની અને મા વાત્સલ્ય યોજનામાં 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાતી હતી અને આ કાર્ડ અલગ ચાલતા હતા. હવે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરીને આ બંને યોજનાનું મર્જર આયુષમાન ભારત યોજનામાં કરવાનો નિર્ણય કરાયો છે. તેના કોમ્પ્યુટરાઇઝેશનનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. હવે ગુજરાતના 4 કરોડ જેટલા નાગરિકો આ યોજના હેઠળ આવી ચૂક્યા છે. આ ત્રણ પૈકી કોઇપણ યોજનાના લાભાર્થી હશે તેમને માત્ર એક જ કાર્ડના આધારે 5 લાખ સુધીની સારવાર વિનામૂલ્યે આપવાની શરૂઆત કરી દેવામાં આવી છે. નાગરિકે તેમને અપાયેલ યોજનાના કાર્ડ અને આધારકાર્ડ સાથે રાખવાના રહેશે. આ ત્રણેય કાર્ડ હવે એક થઇ ચૂક્યાં છે. તમામ યોજનામાં સારવારના પેકેજ પણ એકસમાન કરી દેવામાં આવ્યા છે.

લોકોને આ યોજના હેઠળ તમામ લાભો એકસરખા મળશે

તેમણે ઉમેર્યું કે, રાજય સરકાર દ્વારા ગરીબ મધ્યમ વર્ગના પરિવાર જનોને ગંભીર બિમારી સામે વિનામૂલ્યે સારવાર પૂરી પાડતી મા અને મા વાત્સલ્ય યોજના હેઠળ રૂપિયા પાંચ લાખ સુધીની સારવાર વિનામૂલ્યે અપાતી હતી તે લાભો પણ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ મળશે .બંને યોજનામાં સારવાર માટેના તમામ પેકેજ એકસરખા કરવામાં આવ્યા છે.તેથી તમામ લોકોને આ યોજના હેઠળ તમામ લાભો એકસરખા મળશે.

હદયરોગના દર્દીઓ માટે I.C.C.U.ઓન વ્હીલ અને ટેલી કાર્ડીયોલોજી સેવાનો કાર્યારંભ

અમદાવાદની યુ.એન.મહેતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરમાં નૂતન સુવિધાઓના લોકાર્પણ પ્રસંગે પત્રકારોને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે આ અદ્યતન સુવિધાઓનો લાભ માત્ર ગુજરાતના જ નહીં પણ સમગ્ર ભારતના દર્દીઓને થશે. તેમણે કહ્યું કે, યુ.એન. મહેતા કાર્ડિયાક હોસ્પિટલમાં બાળકો માટે અલાયદી સારવાર ઉપલબ્ધ બનતા જન્મથી જ હ્રદયની ખામી ધરાવતા બાળકોનું નિદાન અને સારવાર સરળ બનશે, જેના પગલે બાળમૃત્યુ દરમાં ઘટાડો થશે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં 450 પથારીની ક્ષમતા હતી તે વધારીને 1251 પથારી થતા હવે હ્રદયરોગની સારવાર મેળવવા માગતા દર્દીઓએ રાહ નહીં જોવી પડે.

તેમણે ઉમેર્યુ કે,આ હોસ્પિટલને રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટ પૂરી પાડવામાં આવતી હોઈ દર્દીઓની સારવારનો 80 ટકા ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. સિવિલ સંકુલમાં આવેલ યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલ ખાતે બાળકો માટે 470 કરોડના ખર્ચે અલગથી બનાવવામાં આવેલ 850 પથારી ધરાવતી બાળ હ્યદયરોગ હોસ્પિટલ દેશની સૌ પ્રથમ સુપર સ્પેશિયાલીટી કાર્ડિયાક હોસ્પિટલ છે. યુ.એન. મહેતા હોસ્પિટલમાં ગુજરાત રાજ્ય અને રાજ્ય બહારથી હદયરોગની સારવાર અર્થે દર્દીઓનો ધસારો રહેતો હોય છે. નાના બાળકોને વિશેષ કાળજીથી સારવાર આપી શકાય તેને લક્ષ્યમાં લઇને તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન મોદી દ્વારા અલાયદી બાળ હ્યદયરોગની હોસ્પિટલ નિર્માણનું સ્વપ્ન સેવ્યુ હતુ જે આ હોસ્પિટલ તૈયાર થઇ જતા ખરા અર્થમાં સાકાર થયું છે.

કઈ કઈ તબીબી સેવાઓને આવરી લેવાઈ છે

યુ.એન. મહેતા ઇન્સ્ટીટ્યુટમાં બનેલ બાળ હ્યદયરોગની હોસ્પિટલ સમગ્ર ભારતભરમાં અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી આ પ્રકારની પ્રથમ હોસ્પિટલ છે. જેમાં દર્દીઓને હદય અને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટની સુવિધા સરળતાથી મળી રહેશે. ટેલીકાર્ડિયોલોજી પ્રોગ્રામને કારણે અંતરિયાળ વિસ્તારથી આવતા બાળકોનું ચોક્કસ નિદાન અને સારવાર મળી રહેશે. તેમણે ઉમેર્યુ કે, યુ.એન.મહેતા ઇન્સ્ટીટ્યુટમાં બાળ હ્યદયરોગ હોસ્પિટલમાં 15 કાર્ડિયાક ઓપરેશન થીયેટર, 5 કાર્ડીયાક કેથલેબ, એક હાઇબ્રીડ કાર્ડીયાક ઓપરેશન થીયેટર સાથેની કેથલેબ,176બાળકો અને સર્જીકલ / મેડીકલ આઇ.સી.સી.યુ. બેડ, 355 એડલ્ટ માટેના સર્જીકલ મેડીકલ આઇ.સી.સી.યુ.,114 હ્યદયરોગની તકલીફ ધરાવતા બાળકો માટેના જનરલ વોર્ડ, 505 એડલ્ટ માટેના કાર્ડિયોલોજી અને કાર્ડિયાક સર્જરી દર્દીઓ માટે જનરલ વોર્ડ, 67 સ્પેશીયલ રૂમ અને 34 આકસ્મિક કાર્ડિયાક કેર ડિપાર્ટમેન્ટથી સજ્જ છે.

12 જેટલા હ્યદય અને ફેફસાના મશીન હિટર અને કુલર યુનિટ સાથે કાર્યરત

આ હોસ્પિટલમાં ફાયબર ટેકનોલોજી આધારીત 35 જેટલા ઇન્ટ્રા એરોટીક બલુન પમ્પ કાર્યરત કરાવવામા આવ્યા છે. જે દર્દીઓમાં પૂરતી ઓક્સિજન જરૂરિયાત અને કાર્ડિયાક આઉટપુટમાં સુધારો લાવવામાં મદદરૂપ બનશે. 12 જેટલા હ્યદય અને ફેફસાના મશીન હિટર અને કુલર યુનિટ સાથે કાર્યરત કરાવવામાં આવ્યા છે, જે સર્જરી વખતે અત્યંત મદદરૂપ બની રહેશે. હોસ્પિટલમાં અલ્ટ્રાસોનીક કટીંગ અને કોગ્યુલેશન સીસ્ટમ કાર્યરત કરાવવામાં આવી છે, જે આર.એફ. એનર્જીની મદદથી સોફ્ટ ટીસ્યુ અને વેસલ સીલીંગમાં મદદરૂપ બની રહેશે. અન્ય સાધનોમાં 4 એક્મો સીસ્ટમ, એક VATS સીસ્ટમ, 2 એન્ડોસ્કોપીક વેઇન હાર્વેસ્ટિંગ સીસ્ટમ, એક 3-ડી મેપીંગ સીસ્ટમ, ન્યુમેટીંગ ટ્યુબ ટ્રાન્સપોર્ટ સીસ્ટમ, પોર્ટેબલ ૨-ડી ઇકો અને કલર ડોપ્લર જેવા વિવિધ અત્યાધુનિક સાધનોથી આ હોસ્પિટલ સજ્જ કરવામાં આવી છે. જેનો લાભ દર્દીઓને વધુ ઝડપી અને જીવન રક્ષક બનશે