ભાવનગર : પરપ્રાંતીયોના સ્થળાંતરથી રોલિંગ મિલ ઉદ્યોગ ભાંગી પડશે, 12 હજાર મજૂરો વતન પહોંચી ગયા, 5 હજાર મજૂરો વતન જવાની રાહમાં

0
3

ભાવનગર જિલ્લામાં રોલિંગ મિલ ઉદ્યોગ હાલ ભાંગી પડે તેવી સ્થિતિમાં છે. હાલ લોકડાઉન 4 ચાલી રહ્યું છે. ત્યારે પરપ્રાંતીય મજૂરો કે જે ભાવનગર જિલ્લામાં મોટી સંખ્યામાં વસવાટ કરી પોતાનું પેટીયું રળી રહ્યા છે. તે તમામ હવે પોતાના વતન જવાની જીદ કરી રહ્યાં છે. આ મજૂરો વગર રોલિંગ મિલનો ઉદ્યોગ શક્ય નથી. જેથી રોલિંગ મિલના માલિકો હવે સરકાર, ક્લેકટર સહિતના વહીવટીતંત્ર પાસે આ મજૂરોને સમજાવી તેમના વતનના જાય તેવી માંગ કરી રહ્યાં છે. 12 હજાર મજૂરો વતન પહોંચી ગયા છે જ્યારે 5 હજાર મદૂરો વતન જવાની રાહમાં છે. આથી રોલિંગ મિલ ઉદ્યોગ પડી ભાંગશે.

12000થી વધુ પરપ્રાંતીય પોતાના વતનમાં પહોચી ચુક્યા છે

લોકડાઉનના કારણે બિહાર, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન વગેરે રાજ્યોનાં 12000થી વધુ પરપ્રાંતીય પોતાના વતનમાં પહોચી ચુક્યા છે. જયારે હજુ 5 હજાર જેટલા મજૂરો તેમના વતન જવાની રાહમાં છે. જેમાં 3000 જેટલા મજુરોએ બુકિંગ પણ કરાવી લીધું છે અને મંજુરી બાદ ટ્રેનોમાં આ તમામ મજુરો પોતાના વતન જવા રવાના થશે. આ મજૂરોના માઈગ્રેશનથી હવે ખુબ ઓછી સંખ્યામાં મજુરો હાલ અહી હોય જેથી હાલ માત્ર 10 જેટલી રોલિંગ મિલ અને ફર્નેશના એકમો કાર્યરત છે. જેથી રોલિંગ મિલ માલિકો દ્વારા સરકાર અને કલેકટર સહિતના અધિકારીઓને આ મજુરોને સમજાવી પોતાના વતન ન જવા અનુરોધ કરે તેવી માંગ કરી રહ્યા છે.

મજૂરો રહેશે તો જ રોલિંગ મિલનો ઉદ્યોગ શરૂ રહી શકશે

જો મજૂરો અહીં રહેશે તો જ તેમના આ રોલિંગ મિલનો ઉદ્યોગ શરૂ રહી શકશે. અહીં તેમને પૂરતો પગાર અને તમામ જરૂરી સુવિધાઓ પ્રાપ્ત છે. જ્યારે વતનમાં જતા પરપ્રાંતીય મજૂરોને ત્યાં ક્વોરન્ટીન થવું પડશે અને ત્યાં રોજગારનો પ્રશ્ન તેમને નડશે. આ ઉપરાંત રોલિંગ મિલ માલિકો દ્વારા સરકારને પણ રજૂઆત કરવામાં આવી છે. જેમાં લોકડાઉનની આ સ્થિતિમાં સરકાર પાસે જી.ઇ.બી ના બીલને માફ કરવા અંગે અનુરોધ કર્યો છે. જો આ બીલો માફ નહીં થાય તો તેઓ લાખોના બીલો હાલના સંજોગોમાં ભરી શકે તેવી સ્થિતિમાં ના હોય રોલિંગ મિલોના વીજ કનેક્શન કપાઈ જશે તેમ જણાવી રહ્યા છે.

રોલિંગ મિલ અને ફર્નેશ ઇન્ડસ્ટ્રીઝના 100 જેટલા એકમો આવેલા છે

એશિયાના સૌથી મોટા શીપ રિસાયક્લિંગ ઉદ્યોગ એવા અલંગના કારણે ભાવનગર જિલ્લામાં રોલિંગ મિલ અને ફર્નેશ ઇન્ડસ્ટ્રીઝના 100 જેટલા એકમો આવેલા છે. અહીં લોખંડના સળિયા અને પતરા બનાવવાના એકમો આવેલા છે. જેમાં મોટી સંખ્યામાં પરપ્રાંતીય મજૂરો કામ કરે છે. આ એકમો લાંબા સમયથી વિવિધ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ત્યારે કોરોના મહામારીમાં દેશભરમાં લોકડાઉનને કારણે તમામ ઉદ્યોગની સાથે આ ઉદ્યોગ પણ પ્રભાવિત થયો છે.