નવસારીમાં લાખોની સંખ્યામાં ચામાચીડિયાંથી લોકો ત્રાહિમામ

0
29

નવસારી શહેરમાં દિવસરાત જાહેર સ્થળો અને માર્ગો પર ઊડતાં ચામાચીડિયાંને કારણે લોકો ખૂબ જ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. આ નભચર-નિશાચર પ્રાણીની સંખ્યા છેલ્લાં ૧૦ વર્ષમાં ધીમે-ધીમે લાખોની થઈ જતાં હવે એને શહેરની બહાર કાઢવા પણ મુશ્કેલ છે. આ ચામાચીડિયાંને કારણે જો કોઈ રોગ ફેલાઈ જાય તો આખું શહેર મુશ્કેલીમાં મુકાઈ શકે છે.

કોરોના વાઇરસને લઈને વિશ્વ આખું ચિંતામાં મુકાઈ ગયું છે. ૨૦૧૮માં નિપાહ અને અને હવે કોરોના આ બન્ને જીવલેણ રોગના વાઇરસ ઉત્પન્ન થવા કે ફેલાવા માટે અન્ય પશુપક્ષીઓ સાથે ચામાચીડિયાંને પણ જવાબદાર ગણવામાં આવે છે ત્યારે નવસારી એક એવું શહેર છે જે શહેર ઉપર દિવસરાત ચામાચીડિયાંઓ ઊડતાં નજરે ચડે છે અને એ પણ એક નહીં, બે નહીં, લાખોની સંખ્યામાં; જેને કારણે જાહેર સ્થળો નવસારી કોર્ટ, સરકારી કચેરીઓ, પોલીસ મુખ્યાલય, સબજેલ, સર્કિટ હાઉસ, સિવિલ હૉસ્પિટલ, ખાનગી હૉસ્પિટલો, રેલવે-સ્ટેશન, બસ-સ્ટેશન, સ્કૂલો, જાહેર બગીચા, રમતનું મેદાન, ખાણીપીણીનાં સ્થળોએ જ્યાં જુઓ ત્યાં ચામાચીડિયાં કર્કશ અવાજ સાથે ઊડતાં જોઈ શકાય છે, જેના કર્કશ અવાજ અને આસમાનથી પડતી એની અઘારથી લોકો ખૂબ જ પરેશાન છે; પરંતુ કોઈને કહી શકતા નથી.

જીવદયાને ધ્યાનમાં રાખી એમને ખસેડવા માટે રોજ ધુમાડો કરવામાં આવે છે. ધ્વનિ પ્રતિબંધક વિસ્તાર એવા કોર્ટ સંકુલમાં પણ નિયમો વિરુદ્ધ દિવાળીના ફટકડા ફોડી વકીલો દ્વારા એને હટાવવાનો પણ પ્રયત્ન કરવામાં આવે છે. જોકે ઉપાય માત્ર ક્ષણવાર માટે લોકોને રાહત આપે છે. થોડીક વાર પછી ફરી એ જ પરિસ્થતિ થઈ જાય છે. પાલિકા દ્વારા વૃક્ષોની ડાળીઓ કાપીને એને દૂર કરવાના પણ અનેક વાર પ્રયત્નો કરવામાં આવ્યા છે, પણ નવી ડાળીઓ ફૂટતાં વધારે સંખ્યામાં આ ચામાચીડિયાં ફરી એ જ સ્થાને આવી જાય છે.

આ સમસ્યાને લઈને નવસારીવાસીઓ ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે ત્યાં જીવલેણ કોરોના વાઇરસ ઉત્પન્ન થવામાં અને ફેલાવવામાં ચામાચીડિયાં જવાબદાર હોઈ શકે એવા સમાચારને લઈને શહેરના લોકોમાં ચિંતા વધી છે.

કોરોના અને નિપાહ જેવા વાઇરસ ફેલાવવા માટે ચામાચીડિયાં જવાબદાર હોઈ શકે, નવસારીમાં ચામાચીડિયાંની સંખ્યા વધારે છે. જોકે આ રોગના વાઇરસ ફેલાવવા એની લાળમાં વાઇરસ હોવા જરૂરી છે. અહીં દેખાતાં ચામાચીડિયાંમાં આવા પ્રકારના વાઇરસ નથી એટલે કોઈ ચિંતાનો વિષય નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here