મિસબાહની થઈ શકે છે છુટ્ટી, શોએબ અખ્તર બની શકે છે પાકિસ્તાન ટીમનાં મુખ્ય સિલેક્ટર

0
5

પાકિસ્તાની ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ક્રિકેટર અને હવે કોમેન્ટેટર બનેલા ઝડપી બોલર શોએબ અખ્તર અવારનવાર વિવિદ મામલે પોતાના અભિપ્રાય રજૂ કરે છે. તે વિવાદ સર્જવા માટે પણ ખ્યાતનામ છે. જોકે આ વખતે મોટા સમાચાર આવ્યા છે અને શોએબે એ વાતને સમર્થન આપ્યું છે કે પાકિસ્તાન ક્રિકેટના શાનદાર સેટ અપ માટે અને તેના વિકાસ માટે કાંઇક મહત્વની કામગીરી કરવા માટે તે પીસીબી સાથે વાતચીત કરી રહ્યો છે.

પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ હવે શોએબ અખ્તરને તેમનો મુખ્ય પસંદગીકાર બનાવવા માગે છે. અત્યારે આ હોદ્દો મિસબાહ ઉલ હક સંભાળી રહ્યો છે. તે બેવડી જવાબદારી અદા કરી રહ્યો છે કેમ કે તે પાકિસ્તાની ટીમનો ચીફ કોચ પણ છે. શોએબ અખ્તરે ગુરુવારે એક યૂટ્યૂબ ચેનલ પર કહ્યું હતું કે હું આ બાબતને નકારતો નથી. બોર્ડ સાથે મારે કેટલીક ચર્ચા થઈ હતી. અને હું પીસીબી માટે કોઈ મોટી જવાબદારી નિભાવવામાં રસ દાખવું છું. જોકે હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.

શોએબે જણાવ્યું હતું કે તે આરામદાયક જીવન જીવી રહ્યો છે. હું મારી શરતોથી ક્રિકેટ રમ્યો હતો. પરંતુ જીવનમાં એક પડાવ આવી ગયો. હવે જીવન સ્થિર થઈ ગયું છે. પીસીબી સાથે કામ કરવા માટે હું તત્પર છું. તક મળશે તો હું સમય આપીશ.પીસીબી હાલના તબક્કે મિસબાહ ઉલ હકની બેવડી જવાબદારી ઘટાડવા અને તેની ઉપરનો બોજો હળવો કરવા માગે છે એવામાં શોએબ મુખ્ય પસંદગીકારની ભૂમિકામાં ફિટ બેસે છે.