મહિલા ક્રિકેટની સચિન તેંડુલકર ગણાતી મિતાલી રાજની ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિ

0
17

ટીમ ઇન્ડિયાની દિગ્ગજ મહિલા ક્રિકેટર મિતાલી રાજે (Mithali Raj) ટી-20 ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. જોકે તે વન-ડે ક્રિકેટ રમતી રહેશે. બીસીસીઆઈ (BCCI)એ મિતાલી રાજની આ જાહેરાતની પૃષ્ટી કરી છે. મિતાલીએ કહ્યું હતું કે 2006થી ટી-20 મેચમાં ભારતનું પ્રતિનિધિત્વ કરવા પછી હવે ટી-20 ક્રિકેટને અલવિદા કહી રહી છું. મારી નજર 2021માં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ ઉપર છે.

મિતાલી રાજે 32 ટી-20 મુકાબલામાં ભારતની કેપ્ટનશિપ કરી છે. જેમાં ત્રણ વર્લ્ડ કપ 2012, 2014 અને 2016માં સામેલ છે. 2006માં જ્યારે ભારતીય મહિલા ટીમ ડર્બીમાં પોતાની પ્રથમ ટી-20 મેચ રમી હતી ત્યારે મિતાલી જ ટીમની કેપ્ટન હતી. મિતાલી પોતાની કારકિર્દીમાં 89 ટી-20 મુકાબલા રમી છે. જેમાં તેણે 2364 રન બનાવ્યા છે.

મિતાલીએ 17 અડધી સદી ફટકારી છે અને તેનો બેસ્ટ સ્કોર અણનમ 97 રન છે. મહિલા ક્રિકેટની સચિન તેંડુલકર મિતાલી રાજ પોતાની અંતિમ ટી-20 મેચ 9 માર્ચ 2019માં ઇંગ્લેન્ડ સામે રમી હતી. તે મેચમાં તેણે 32 બોલમાં 30 રન બનાવ્યા હતા.

નિવૃત્તિની જાહેરાત કરતા મિતાલી રાજે કહ્યું હતું કે હું 2021માં યોજાનાર વન-ડે વર્લ્ડ કપ માટે તૈયારી કરવા માંગું છું. દેશ માટે વર્લ્ડ કપ જીતવો મારું સપનું છે અને આ માટે હું પોતાની તરફથી સર્વશ્રેષ્ઠ યોગદાન આપવા માગું છું. સતત મને સમર્થન આપવા માટે બીસીસીઆઈનો આભાર માનું છું અને ભારતીય ટી-20 ટીમને શુભકામના આપું છું.

જોકે મિતાલીએ હાલમાં જ દક્ષિણ આફ્રિકા સામે 24 સપ્ટેમ્બરથી શરુ થઈ રહેલી ટી-20 શ્રેણી માટે પોતાને ઉપલબ્ધ બતાવી હતી. આ શ્રેણી માટે પસંદગીકારો 5 સપ્ટેમ્બરે ટીમની પસંદગી કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here