ધોરાજી : MLA લલિત વસોયા ખેડૂતોના પ્રશ્ને ધરણાં પર ઉતરતા પોલીસે PPE કિટ પહેરી અટકાયત કરી

0
6

ધોરાજી-ઉપલેટા પંથકમાં ભારે વરસાદના પગલે ખેડૂતોને નુકસાન થતા સહાય કરવા મામલે ધારાસભ્ય લલિત વસોયાએ પ્રતિક ઉપવાસ આંદોલન શરૂ કર્યુ હતું. નાયબ કલેક્ટર કચેરી પર ઉપવાસ આંદોલન શરૂ કરતાં પોલીસે PPE કિટ પહેરીને ધારાસભ્ય લલિત વસોયાની અટકાયત કરી હતી અને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. તો કોંગી કાર્યકરોએ ધારાસભ્યના કાર્યાલયથી રેલી કાઢી ભાજપ વિરૂદ્ધ સુત્રોચ્ચાર કરી રોષ વ્યક્ત કર્યો હતો. જો કે રેલી દરમિયાન કોંગી કાર્યકરોએ સોશિયલ ડિસ્ટન્સ સહિતના નિયમોનો ભંગ કર્યો હતો.

નાયબ કલેક્ટરે આંદોલનની અરજી નામંજૂર કરી હતી

ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં અતિવૃષ્ટિ અને ભાદર, વેણુ, અને મોજ નદીમાં પાણી છોડાતા નદી કાંઠા વિસ્તારની અંદાજે 3000 વિઘા જમીનનું ધોવાણ થઈ ગયું છે. જેથી તેના સર્વે મામલે ધોરાજીના ધારાસભ્ય લલિત વસોયાએ પ્રાંત કચેરી ખાતે પ્રતિક ઉપવાસ આંદોલન કરવાની જાહેરાત કરી હતી. જો કે આ મામલે પ્રતિક ઉપવાસની મંજૂરી માંગતા નાયબ કલેક્ટરે વર્તમાન કોરોના સ્થિતિમાં આંદોલનની અરજી નામંજૂર કરી હતી.

મને ચેપ લાગશે તો જવાબદારી તંત્રની રહેશેઃ MLA

ગઈકાલે ધારાસભ્ય લલિત વસોયાએ જણાવ્યુ હતું કે લગ્ન, ધાર્મિક કાર્યક્રમોને મંજૂરી આપવામાં આવે છે. પ્રાંત કચેરીમાં પણ ઘણા લોકો આવે છે. જ્યારે હું ફક્ત એક વ્યક્તિ ઉપવાસ પર ઉતારવાનો છું. ઉપવાસ દરમિયાન જો મારી અટકાયત થશે અને મને કોઈ ચેપ લાગશે તો જવાબદારી તંત્રની રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here