હવે ડ્રાઇવિંગ કરતી વખતે મેપ જોવા માટે મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાશે, 1 ઓક્ટોબરથી નવા નિયમો લાગુ થશે

0
16

માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલયે કહ્યું કે, વાહન ચલાવતી વખતે મોબાઇલ અથવા અન્ય હેન્ડ હેલ્ડ ડિવાઇસનો ઉપયોગ કરી શકાય છે. પરંતુ તેનો ઉપયોગ ફક્ત રસ્તો જોવા માટે જ થવો જોઈએ. આ ઉપરાંત, મોબાઇલની મદદથી ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરનું ધ્યાન ન ભટકે તેની પણ કાળજી લેવી જોઈએ. જો કે, વાહન ચલાવતી વખતે મોબાઈલ પર વાત કરવા બદલ 1 હજારથી 5 હજાર રૂપિયા દંડ લાદવામાં આવી શકે છે.

ડોક્યૂમેન્ટ્સની જાળવણી માટે એક નવું વેબ પોર્ટલ બનાવવામાં આવશે
મંત્રાલયે કહ્યું કે મોટર વ્હીકલ રૂલ્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નવા નિયમો અંતર્ગત લાઇસન્સ, રજિસ્ટ્રેશન સર્ટિફિકેટ, ફિટનેસ સર્ટિફિકેટ, પરમિટ વગેરે જેવા વાહન સંબંધિત ડોક્યૂમેન્ટ્સની જાળવણી માટે એક વેબ પોર્ટલ બનાવવામાં આવશે. આ પોર્ટલનું સંચાલન સરકાર કરશે. સસ્પેન્શન, કમ્પાઉન્ડિંગ અને રિવોકેશન સહિત નોંધાયેલા ગુનાના રેકોર્ડ્સ અને રજિસ્ટ્રેશન પણ આ વેબ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે.

નવા નિયમો 1 ઓક્ટોબરથી લાગુ થશે

મંત્રાલયે જારી કરેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, નવા નિયમો 1 ઓક્ટોબર 2020થી અમલમાં આવશે. આ નિયમો મોટર વ્હીકલ એક્ટમાં ગયા વર્ષે કરવામાં આવેલા ફેરફારોને લગતા છે. આ કાયદાના કેટલાક નિયમો ગયા વર્ષે અમલમાં આવ્યા હતા. નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, IT સર્વિસ અને ઇલેક્ટ્રોનિક મોનિટરિંગથી દેશમાં ટ્રાફિકને લગતા નિયમોનો વધુ સારી રીતે અમલ થશે. તેમજ, ડ્રાઇવરોની હેરાનગતિ પણ અટકશે.

પોલીસ અધિકારીઓ ડોક્યૂમેન્ટ્સ માગી શકશે નહીં

નિવેદનમાં જણાવ્યાનુસાર, વેબ પોર્ટલ પર રદ કરાયેલા અને અયોગ્ય ડ્રાઇવિંગ લાઇસન્સની માહિતીને ઘટનાક્રમ અનુસાર અપડેટ કરવામાં આવશે. આ અધિકારીઓને ડ્રાઇવરોના વર્તનનું નિરીક્ષણ કરવામાં મદદ કરશે. નિયમો અનુસાર, જો વાહનને લગતા ડોક્યૂમેન્ટ્સ ઇલેક્ટ્રોનિકલી માન્ય કરવામાં આવે તો પોલીસ અધિકારીઓ ડોક્યૂમેન્ટ્સની ફિઝીકલી માગ નહીં કરી શકે.

જપ્ત કરેલા કાગળો અંગેની માહિતી પોર્ટલ પર મળશે

પોલીસ અધિકારીઓ ડ્રાઇવર વતી ગુનો કર્યો હોય તો તેને કબજે કરવા માટે કાગળો માગી શકે છે. સીઝ કરવાની આ કાર્યવાહી વેબ પોર્ટલ પર ઇલેક્ટ્રોનિક રૂપે કરવામાં આવશે. જપ્ત કરેલા કાગળોની માહિતી ક્રોનોલોજિકલી વેબ પોર્ટલ પર અપડેટ કરવામાં આવશે. આ રેકોર્ડ વેબ પોર્ટલ પર નિયમિત ઉપલબ્ધ રહેશે. ડોક્યૂમેન્ટ્સની ચકાસણી કરનાર પોલીસ અધિકારી અને તારીખની માહિતી પણ આ વેબ પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. તેનાથી બિનજરૂરી પરીક્ષણ અને ડ્રાઇવરોની પજવણી અટકશે.