દ્વીપક્ષીય સંબંધ : મોદી બે દિવસના પ્રવાસે ભૂટાન રવાના, બંને દેશો વચ્ચે 10 કરાર થવાની શક્યતા

0
20

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભૂટાનના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. બંને દેશો વચ્ચે 10 કરાર પર સમજૂતી થવાની શક્યતા છે. આ પ્રવાસ પહેલાં મોદીએ કહ્યું હતું કે, ભૂટાનના નેતૃત્વ સાથે વાતચીત સાર્થક રહેશે અને તેનાથી બંને દેશોની મિત્રતા વધારે મજબૂત થશે. બીજા કાર્યકાળની શરૂઆતમાં આ યાત્રાથી ખ્યાલ આવ્યો છે કે ભારત તેમના પડોશી દેશ ભૂટાન સાથેના સંબંધોને કેટલું મહત્વ આપે છે. આ મોદીની બીજી વખત ભૂટાન યાત્રા છે. પહેલાં કાર્યકાળમાં પણ તેમણે એક વખત ભૂટાનની યાત્રા કરી હતી.

વડાપ્રધાને કહ્યું કે, મને દ્વીપક્ષીય સંબંધોના દરેક મુદ્દાઓ પર ભૂટાન નરેશ, પૂર્વ નરેશ અને ત્યાંના વડાપ્રધાન સાથે સાર્થક વાતચીત થવાની આશા છે. તે સાથે જ ભૂટાનના રોયલ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓનો સંબોધિત કરવા માટે પણ ઉત્સુક છું. મને વિશ્વાસ છે કે, આ યાત્રાથી ભૂટાન સાથે અમારી મિત્રતા વધારે મજબૂત થશે. જેનાથી બંને દેશો વચ્ચે સમૃદ્ધી અને પ્રગતિનો માર્ગ તૈયાર થશે. ભારતની ‘પડોશી પહેલા’ની નીતિ રહી છે.

5 યોજનાઓનું ઉદ્ધાટન કરશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે, મોદીની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે 10 કરાર પર સમજૂતી થવાની શક્યતા છે. 5 પરિયોજનાનું ઉદ્ધાટન કરવામાં આવશે. મેંગદેછૂ પનવિજળી પરિયોજનાનું પણ આ દરમિયાન ઉદ્ધાટન કરવામાં આવે તેવી શક્યતા છે. મોદી એક કાર્યક્રમમાં ભારતીય રુપે કાર્ડને પણ ત્યાં લોન્ચ કરશે. આ પહેલાં રુપે કાર્ડ સિંગાપોરમાં પણ લોન્ચ કરવામાં આવ્યું છે. વડાપ્રધાન ઈસરોના એક ગ્રાઉન્ડ સ્ટેશનનું પણ ઉદ્ધાટન કરશે.

મોદી ભૂટાન નરેશ જિગ્મે ખેસર નામગ્યાલ વાંગચૂક, પૂર્વ નરેશ જિગ્મે સિગ્મે વાંગચૂક અને વડાપ્રધાન લોતેય શેરિંગ સાથે મુલાકાત કરશે. તેઓ ભૂટાનના રાષ્ટ્રીય સ્મારકની પણ મુલાકાત લેશે.