લાલ કિલ્લાથી PM મોદી : મોદીએ 30 વખત આત્મનિર્ભર શબ્દનો ઉલ્લેખ કર્યો, કહ્યું- કોરોના એટલી મોટી આપદા નથી કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને રોકી શકે

0
8

નવી દિલ્હી. કોરોના કાળમાં દેશ આજે 74માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7મી વખત લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવ્યો છે. વડાપ્રધાને તેમના 86 મિનીટના ભાષણાં આત્મનિર્ભર, આત્મનિર્ભર ભારત, કોરોના સંકટ, આતંકવાદ, રિફોર્મ,મધ્યમવર્ગ અને કાશ્મીરનો વિશેષ ઉલ્લેખ કર્યો. તેમણે આત્મનિર્ભર ભારત પર વધારે ભાર આપ્યો. આ શબ્દનો 30 વખત ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના એટલી મોટી આપદા નથી કે આત્મનિર્ભર ભારતના સંકલ્પને રોકી શકે.

ભારત વિસ્તારવાદ માટે પડકાર બન્યો છે. હવે કોરોના વચ્ચે 130 કરોડ લોકોને આત્મનિર્ભર બનાવવાનો સંકલ્પ કર્યો છે. અને તે આપણે કરીને જ રહીશું. દુનિયાના વિવિધ બિઝનેસ ભારતને દુનિયાના સપ્લાઈ ચેઈન તરીકે જુએ છે. આપણે મેક ઈન ઈન્ડિયા સાથે સાથે મેક ફોર વર્લ્ડ મંત્ર સાથે પણ આગળ વધવાનું છે.

વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આઝાદીના આ પાવન પર્વની તમામ દેશવાસીઓને શુભેચ્છાઓ. આજે જે આપણે સ્વતંત્ર ભારતમાં શ્વાસ લઈ રહ્યા છીએ, તેની પાછળ માતા ભારતીના લાખા દીકરી-દીકરાઓનું ત્યાગ, બલિદાન અને સમર્પણ છે. આજે આઝાદીના વીરોને નમન કરવાનો પર્વ છે.આપણી સેના- અર્ધસૈન્ય દળોના જવાન, પોલીસના જવાન, સુરક્ષાદળો સાથે જોડાયેલી દરેક વ્યક્તિ ભારત માતાની રક્ષામાં લાગેલા રહે છે. આજે તેમની સેવાને પણ નમન કરવાનો પર્વ છે. અરવિંદ ઘોષની આજે જયંતી છે. ક્રાંતિકારીથી આધ્યાત્મિક ઋષિ બન્યા. આજે તેમને પણ યાદ કરવાનો દિવસ છે.

આત્મનિર્ભર શબ્દ દરેક ભારતવાસીના મન અને મગજમાં છે

 • કોરોના વચ્ચે 130 કરોડ ભારતીયોએ સંકલ્પ કર્યો આત્મનિર્ભર બનવાનો. આત્મનિર્ભર ભારત આજે 130 કરોડ દેશવાસીઓ માટે મંત્ર બની ગયો છે.આ સપનાને સંકલ્પના બદલાતા જોઈ રહ્યા છીએ, જ્યારે હું આત્મનિર્ભરની વાત કરું છું, તો ઘણા લોકોએ સાંભળ્યુ હશે કે હવે 21 વર્ષના થઈ ગયા છે, હવે આત્મનિર્ભર બની જાવ. 20-21 વર્ષમાં પરિવાર તેમના બાળકોને આત્મનિર્ભર બનાવવાની અપેક્ષા કરે છે. આજે આઝાદીના આટલા વર્ષ પછી ભારત માટે પણ આત્મનિર્ભર બનવું જરૂરી છે.જે પરિવાર માટે જરૂરી છે,તે દેશ માટે પણ જરૂરી છે. ભારત આ સપનાને પુરુ પણ કરશે. મને આ દેશના સામર્થ્ય, પ્રતિભા પર ગર્વ છે.
 • કોરોના સંકટમાં આપણે જોયું કે, દુનિયામાં કેટલી મુશ્કેલીઓ આવી રહી છે. આ દેશમાં N-95 માસ્ક નહોતા બનતા, PPE કીટ નહોતી બનતી, વેન્ટીલેટર નહોતા બનતા, હવે બનવા લાગ્યા છે. આત્મનિર્ભર ભારત દુનિયાની કેવી રીતે મદદ કરી શકે છે, એ આજે આપણે જોઈ શકીએ છીએ. ઘણું બધુ થયું છે. આઝાદ ભારતની માનસિકતા શું હોવી જોઈએ. વોકલ ફોર લોકલ. સ્થાનિક ઉત્પાદનોનું ગૌરવ કરવું જોઈએ.આવું નહીં કરીએ તો તેમની હિંમત કેવી રીતે વધશે. આપણે મળીને સંકલ્પ લેવો જોઈએ કે 75 વર્ષની તરફ આગળ વધી રહ્યા છીએ તો વોકલ ફોર લોકલનો મંત્ર અપનાવીશું.

 

મોદીએ કહ્યું- જેણે આંખ ઊઠાવીને જોયુ, આપણી સેનાએ અને વીર જવાનોએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો

મોદીએ કહ્યું,જ્યારે આપણે એક અસાધારણ લક્ષ્યને લઈને અસાધારણ યાત્રા માટે નીકળીએ છીએ તો રસ્તામાં પડકારો ઘણા આવે છે અને તે પણ અસામાન્ય હોય છે. સરહદ પર દેશના સામર્થ્યને પડકાર આપવાના પ્રયાસ કરાયા. પરંતુ LOC થી માંડી LAC સુધી દેશની સંપ્રભુતા પર જેણે પણ આંખ ઊઠાવીને જોયું, દેશની સેનાએ અને આપણા વીર જવાનોએ તેમને તેમની જ ભાષામાં જવાબ આપ્યો છે. ભારતની સંપ્રભુતાની રક્ષા માટે આખો દેશ એક જુસ્સાથી ભરેલો છે. સંકલ્પથી પ્રેરિત છે અને સામર્થ્ય પર આગળ વધી રહ્યો છે. આપણા વીર જવાન શું કરી શકે છે, દેશ શું કરી શકે છે, તે લદ્દાખમાં દુનિયાએ જોઈ લીધું છે. હું આજે માતૃભૂમિ પર ન્યોછાવર તમામ વીર જવાનોને આદરપૂર્વક નમન કરું છું.
તેમણે કહ્યું કે, ‘આતંકવાદ હોય કે વિસ્તારવાદ, આજે ભારત મજબૂતાઈથી સામનો કરી રહ્યો છે. દુનિયાનો ભારત પર વિશ્વાસ મજબૂત છે. ગત દિવસોમાં ભારત સંયુક્ત રાષ્ટ્રમાં 192માંથી 184 વોટ મેળવીને અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયો હતો.વિશ્વમાં આપણે કેવી રીતે આ પહોંચ બનાવી છે, આ તેનું ઉદાહરણ છે. જ્યારે ભારત મજબૂત હોય, ભારત સુરક્ષિત હોય, ત્યારે જ આ શક્ય બને છે. ભારતનો સતત પ્રયાસ છે કે પાડોશી દેશો સાથે સદીઓ જુના સાંસ્કૃતિક અને સામાજિક સંબંધો ગાઢ બને. દક્ષિણ એશિયામાં દુનિયાની ચોથા ભાગની વસ્તી રહે છે.’

વડાપ્રધાન મોદીએ કહ્યું કે,મારા પ્યારા દેશવાસીઓ, આઝાદીના વીરોને યાદ કરીને નવી ઉર્જાનો આ સંકલ્પ છે. એક રીતે આપણા માટે આ નવી પ્રેરણા લઈને આવે છે. નવો ઉમંગ, નવો ઉત્સાહ લઈને આવે છે. આપણા માટે નવો સંકલ્પ કરવો જરૂરી પણ છે. આગામી વર્ષે આપણે 75માં વર્ષમાં પ્રવેશ કરીશું. આ પોતાનામાં જ એક મોટો અવસર છે. એટલા માટે આજે આવનારા બે વર્ષ માટે મોટા સંકલ્પ સાથે આપણે ચાલવાનું છે. આઝાદીના 75 વર્ષમાં જ્યારે આપણે પ્રવેશ કરીશું અને 75 વર્ષ જ્યારે પુરા થશે, ત્યારે સંકલ્પોને પુરા કરીને તેની મહાપર્વ તરીકે ઉજવણી કરીશું.

 • આપણા પૂર્વજોએ અખંડ એકનિષ્ઠ તપસ્યા કરીને આપણને જે રીતે આઝાદી અપાવી, તેમણે પોતાની જાતને ન્યોછાવર કરી દીધી. આપણે એ ન ભૂલવું જોઈએ કે ગુલામીના કાલખંડમાં કોઈ પણ ક્ષણ અથવા વિસ્તાર એવો નહોતો જ્યારે આઝાદીની માંગ ન ઉઠી હોય. આઝાદીની ઈચ્છા અંગે કોઈએ પ્રયાસ ન કર્યો હોય અથવા તો ત્યાગ ન કર્યો હોય. જવાની જેલમાં વિતાવી દીધી. ફાંસીના ફંદાને ચુમીને પ્રાણની આહુતી આપી દીધી. એકબાજુ સશસ્ત્ર ક્રાંતિનો સમય, એકબાજુ જનઆંદોલનનો સમય. બાપુએ આઝાદીના આંદોલનને એક નવી ઉર્જા આપી. આ આઝાદીની જંગમાં ભારતની આત્માને કચેડવાના પણ ઘણા પ્રયાસ થયા હતા.
 • ‘ભારતને પોતાની સંસ્કૃતિ, પરંપરા, રીત-રિવાજને ઉખાડી ફેંકવામાં ઘણા પ્રયાસો કરાયા છે. સામ-દામ-દંડ-ભેદ બધુ ચરમ સીમાએ હતું. ઘણા લોકોએ માનીને ચાલતા હતા કે અહીંયા રાજ કરવા માટે આવ્યા છે. પરંતુ આઝાદીની ચાહે તેમના તમામ ઈરદાઓને નિષ્ફળ કરી દીધા. તેમનો વિચાર હતો કે આવડો મોટો વિશાળ દેશ, અનેક રાજા-રજવાડા, જાત-જાતના લોકો અને ભાષા, ખાણીપીણી, આટલી વિવિધતાઓને કારણે આ દેશ ક્યારે એક થઈને આઝાદી માટે લડાઈ નહીં લડી શકે. પરંતુ એ લોકો અહીંયાની પ્રાણશક્તિને ઓળખી ન શક્યા’
 • એવા સમયે પણ દેશે આઝાદીની માંગ કરવાનું છોડ્યું ન હતું. કષ્ટ સહન કર્યા. ભારતની આ લડાઈએ દુનિયામાં આઝાદીનો એક માહોલ ઊભો કર્યો. ભારતની એક શક્તિએ દુનિયામાં પરિવર્તન લાવી દીધું. વિસ્તારવાદ માટે પડકાર બની ગયો ભારત. ઈતિહાસ આ વાતને નકારી ન શકે. આઝાદીની લડાઈમાં સમગ્ર વિશ્વમાં ભારતે પોતાની એકજૂથતાની શક્તિ, સામૂહિકતાની શક્તિ, ઉજ્જવળ ભવિષ્ય પ્રત્યેની ઉર્જા, સંકલ્પ અને પ્રેરણા લઈને આગળ વધવાની છાપ ઊભી કરી હતી.
 • આપણો દેશ કેવી કેવી કમાલ કરે છે અને આગળ વધે છે. આ વાતને આપણે સમજી શકીએ છીએ. કોઈ વિચારી પણ શકતું હતું કે એક સમયે ગરીબોના જનધન ખાતામાં લાખો-કરોડો રૂપિયા સીધા ટ્રાન્સફર થઈ જશે. કોઈ વિચારી શકતું હતું કે, ખેડૂતોના ભલા માટે કાયદામાં ફેરફાર થઈ શકે છે. કોઈ વિચારી શકતું હતું કે, આપણું સ્પેસ સેક્ટર આપણા દેશના યુવાનો માટે ખોલી દેવાશે. આજે આપણે જોઈ રહ્યા છીએ કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ હોય, વન નેશન વન કાર્ડની વાત હોય, વન નેશન વન ગ્રિડની વાત હોય, વન નેશન વન ટેક્સની વાત હોય, બેન્કરપ્સી કોડની વાત હોય અથવા બેન્કોને મર્જ કરવાનો પ્રયાસ હોય, ભારતના પરિવર્તના આ સમયમાં રિફોર્મને દુનિયા જોઈ રહી છે.
 • ગત વર્ષે ભારતમાં FDIએ અત્યાર સુધીના તમામ રેકોર્ડ તોડી દીધા છે. ગત વર્ષે ભારતમાં FDI 18% વધ્યું. એટલા માટે કોરોના કાળમાં પણ દુનિયાની મોટી મોટી કંપનીઓ ભારત તરફ વળી રહી છે. આ વિશ્વાસ એમ જ ઊભો નથી થયો. આમ જ દુનિયા ભારત તરફ નથી વળી.આના માટે ભારતે તેની નીતિ અને લોકતંત્રની મજબૂતાઈ પર કામ કર્યું છે, ભારતે આ વિશ્વાસ ઊભો કર્યો છે.
 • આત્મનિર્ભરની પહેલી પ્રાથમિકતા આત્મનિર્ભર કૃષિ અને ખેડૂત છે. એક પછી એક રિફોર્મ ખેડૂતો માટે કરાયા છે. ખેડૂતોને તમામ બંધનોમાંથી મુક્ત કરવાનું કામ અમે કર્યું છે. તમે કપડા કે સાબુ બનાવો તો તેને તમારી મરજીથી વેચી શકો છો, દેશનો ખેડૂત પોતાની મરજી નહોતો વેચી શકતો. તેના તમામ બંધનો અમે ખતમ કરી દીધા છે. હવે દેશનો ખેડૂત દુનિયાના કોઈ પણ ખૂણામાં તેની શરતો સાથે પાકને વેચી શકે છે.
 • ખેતીમાં ઈનપુટ કોસ્ટ કેવી રીતે ઘટાડી શકાય, સોલર પમ્પ કેવી રીતે મળે. મત્સ્યઉદ્યોગ જેવા ઉદ્યોગો સાથે કેવી રીતે જોડાઈ શકાય, એ દિશામાં અમે કામ કરી રહ્યા છીએ. ગત દિવસોમાં એક લાખ કરોડ રૂપિયા એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ભારત સરકારે ફાળવ્યા છે. આનાથી વિશ્વ બજારમાં ભારતના ખેડૂતના પહોંચ વધશે.
 • ગ્રામીણ વિસ્તારમાં વિશેષ રીતે આર્થિક ક્લસ્ટર બનાવાશે. ખેડૂતો માટે ખેડૂત ઉત્પાદક સંઘ બનાવવાના પ્રયાસ કર્યા છે. મેં ગત વખતે અહીંયા જળ જીવન મિશનની જાહેરાત કરી હતી. અમે સંકલ્પ કર્યો છે કે પીવાનું શુદ્ધ પાણી દરેકને મળવું જોઈએ. અર્થવ્યવસ્થામાં તેનું યોગદાન હોય છે. મને સંતોષ છે કે દરરોજ અમે 1 લાખથી વધુ ઘરોમાં પાઈપથી પામી પહોંચાડી રહ્યા છીએ. છેલ્લા એક વર્ષમાં બે કરોડ પરિવાર સુધી પાણી પહોંચાડવામાં સફળ રહ્યા છીએ. આદિવાસીઓના ઘર સુધી તેને પહોંચાડવાનું કામ ચાલી રહ્યું છે. જળ જીવન મિશને દેશમાં તંદુરસ્ત સ્પર્ધાનો માહોલ બનાવ્યો છે.
 • ભારતનો મધ્યમવર્ગ દુનિયામાં પોતાનો ડંકો વગાડી રહ્યો છે. મધ્યમવર્ગને જેટલા અવસર મળે છે, તે એટલી જ મોટી શક્તિ સાથે ઊભરીને આવે છે. તેના માટે ખુલ્લુ મેદાન જોઈએ. આપણી સરકાર આના માટે કામ કરી રહી છે. ઈઝ ઓફ લિવિંગનો સૌથી મોટો ફાયદો જો કોઈને થશે તો મધ્યમવર્ગ પરિવારોને થશે. ફ્લાઈટ્સની ટિકિટ સસ્તી થવી, ઈન્ટરનેટ મળવું આ તમામ વસ્તુઓથી મધ્યમવર્ગની શક્તિ વધશે. મધ્યમવર્ગના સપના પોતાનું ઘર બનાવવાના હોય છે. હોમ લોન પણ હવે સસ્તી થઈ છે. તેને 6 લાખ રૂપિયા સુધીની છૂટ મળી જાય છે. ગરીબ પરિવારોએ પૈસા આપ્યા પણ યોજનાઓ પુરી ન થવાના કારણે તેમને ઘર નહોતા મળી રહ્યા. અમે 25 હજાર કરોડ રૂપિયાનું ફંડ આના માટે બનાવ્યું છે.
 • આત્મનિર્ભર ભારત અને આધુનિક ભારતના નિર્માણમાં દેશના શિક્ષણનું પણ મહત્વ છે. આવા વિચાર સાથે દેશને ત્રણ દાયકા પછી નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આપવામાં અમે સફળ રહ્યા છીએ.આ શિક્ષણ નીતિ આપણા બાળકોને મૂળ સાથે જોડશે, પરંતુ સાથે સાથે એક ગ્લોબલ સિટીઝન બનાવવાનું પણ સામર્થ્ય આપશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં નેશનલ રિસર્ચ ફાઉન્ડેશન પર ભાર આપવામાં આવ્યો છે. આનાથી દેશને આગળ લઈ જવામાં શક્તિ મળશે.
 • તમે વિચાર્યું હતું કે આટલી ઝડપથી ગામો સુધી ઓનલાઈન ક્લાસિસનો માહોલ બની જશે? કોરોનામાં આ કલ્ચર બની ગયું છે. ઓનલાઈન ડિઝીટલ ટ્રાન્જેક્શન પણ વધી રહ્યા છે. છેલ્લા એક મહિનામાં ભારત જેવા દેશમાં 3 લાખ કરોડ રૂપિયાનું ટ્રાન્જેક્શન થયું છે. 2014 પહેલા આપણા દેશમાં 5 ડઝન પંચાયતોમાં ઓપ્ટિકલ ફાયબર હતું. ગામોની પણ ડિઝીટલ ઈન્ડિયામાં ભાગીદારી જરૂરી થઈ ગઈ છે. જેને ધ્યાનમાં રાખી અમે દરેક પંચાયત સુધી પહોંચવાનો કાર્યક્રમ બનાવ્યો હતો. અમે નક્કી કર્યું છે કે 6 લાખથી વધુ ગામોમાં ઓપ્ટિકલ ફાઈબર પહોંચાડીશુ લાખો કિલોમીટર સુધી ઓપ્ટિકલ ફાઈબર પથરાશે. એક હજાર દિવસમાં દેશના 6 લાખથી વધુ ગામમાં ઓપ્ટિકલ ફાઈબરનું કામ પુરુ કરી દેવાશે.
 • સાઈબર સ્પેસમાં આપણે આત્મનિર્ભર બનતા જઈ રહ્યા છીએ. આનાથી દેશના વિકાસ પર જોખમ ઊભું થઈ ગયું છે. ભારત બહુ સચેત અને સતર્ક છે. આનો સામનો કરવા માટે નિર્ણય લઈ રહ્યો છે. નવી યોજના પણ વિકસીત થઈ રહી છે. આવનારા સમયમાં દરેક એકમે એકજૂથ થઈને આગળ વધવું પડશે. ભારતમાં મહિલા શક્તિને જ્યારે જ્યારે તક મળી ત્યારે ત્યારે તેમણે દેશને નવી મજબૂતી આપી છે. આજે દેશ પ્રતિબદ્ધ છે. આજે ભારતમાં મહિલાઓ કોલસાની ખાણમાં કામ કરી રહી છે તો દેશની દીકરીઓ ફાઈટર પ્લેન ઉડાવીને ગગન ચુમી રહી છે. આજે દેશની સેનાઓમાં મહિલાઓને પણ સામેલ કરાઈ રહી છે. ત્રણ તલાકના કારણે પીડિત મુસ્લિમ બહેનોને અમે આઝાદી અપાવી છે.

અહીંયા મહામારીથી બચવા માટે ઘણી ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ વખતે લાલ કિલ્લા પર કાર્યક્રમમાં શાળાના બાળકોની જગ્યાએ 1500 એવા લોકો ભાગ લેશે, જેમણે કોરોનાને હરાવ્યો છે.

બેઠક વ્યવસ્થામાં સોશિયલ ડિસટન્સીંગનું ખાસ પ્રકારે ધ્યાન રાખવામાં આવ્યું છે. મોદી‘બે ગજના અંતર’ની વાત કહેતા રહે છે, જેથી બે સીટ વચ્ચે ઓછામાં ઓછા 6 ફુટનું અંતર રાખવામાં આવ્યું છે. સુરક્ષાકર્મી PPE કીટ પહેરીને તહેનાત રહેશે. લાઈન ન લાગે, એટલા માટે મેટલ ડિટેક્ટર ડોર લગાડવામાં આવ્યા છે.