ચોમાસું : મહેસાણામાં અનુમાન કરતાં 154% વધુ વરસાદ મળ્યો

0
0

મહેસાણા જિલ્લામાં 6 દિવસ બાદ મંગળવારે વરસાદે વિરામ લીધો હતો. 22 જૂનની સ્થિતિએ જિલ્લામાં સરેરાશ 41 મીમી વરસાદની જરૂર સામે 104 મીમી એટલે કે 4 ઇંચ 4 મીમી વરસાદ વરસી ચૂક્યો છે. એટલે કે, અનુમાન કરતાં 154% વધુ વરસાદ મળ્યો છે. બીજી બાજુ 6 દિવસ બાદ ઉઘાડ નિકળતાં ખેડૂતોએ ફરી વાવણી કરવાની તૈયારી શરૂ કરી છે.

જિલ્લામાં અત્યાર સુધીની સિઝનનો સાૈથી વધુ સાડા આઠ ઇંચ વરસાદ કડીમાં નોંધાયો છે. જ્યારે સાૈથી ઓછો 47 મીમી (2 ઇંચથી ઓછો) વરસાદ સતલાસણામાં વરસ્યો છે. જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરના કારણે 10 પૈકી 5 તાલુકામાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. તેમજ 8 તાલુકામાં સિઝનનો 10% થી વધુ વરસાદ નોંધાઇ ચૂક્યો છે. પ્રિ-મોનસૂનની જેમ ચોમાસાના પ્રથમ રાઉન્ડમાં ધમાકેદાર વરસાદના કરાણે કડી, ઊંઝા અને મહેસાણા તાલુકામાં 5 ઇંચથી વધુ વરસાદના કારણે 3 તાલુકામાં અછતના કુંડાળામાંથી બહાર નીકળી ગયા છે.

આગામી 48 કલાકમાં ગરમી વધશે
હવામાન વિભાગની આગાહી મુજબ, મહેસાણા સહિત ઉત્તર ગુજરાતને વરસાદ આપતી એક પણ સિસ્ટમ નબળી પડતાં વરસાદે વિરામ લીધો છે. આગામી 48 કલાક એટલે કે, બુધવાર અને ગુરૂવારના રોજ આકાશ સામાન્ય વાદળછાયું રહી શકે છે. જોકે, વરસાદની શક્યતા નહીં રહે. જેના કારણે ગરમીનું પ્રમાણ વધવાની સાથે ઉકળાટનો અનુભવ પણ થશે.

મોડાસામાં પોણા બે અને હિંમતનગરમાં પોણો ઇંચ વરસાદ
હિંમતનગર શહેરમાં બે દિવસના વિરામ બાદ મંગળવારે સાંજે દોઢ કલાકમાં પોણો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે અરવલ્લી જિલ્લાના મોડાસામાં દિવસ 4 કલાકમાં 42 મીમી એટલે કે પોણા બે ઇંચ તેમજ બાયડમાં 13 મીમી અને ધનસુરામાં 4 મીમી વરસાદ પડ્યો હતો.

વરસાદને પગલે હિંમતનગરના ટાવર ચોકમાં ઓવરબ્રિજની શરૂઆતમાં જ ઢીંચણ સમા પાણી ભરાતાં દ્વિચક્રી વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મોડાસા શહેરમાં પોણા બે ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોના રસ્તાઓ ઉપર વરસાદી પાણી ભરાતાં લોકોને અવરજવરમાં હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

જિલ્લાનો સિઝનનો 14.37% વરસાદ

તાલુકો જરૂરિયાત (મીમીમાં) વરસ્યો (મીમીમાં) ટકાવારી
બહુચરાજી 663 106 15.98%
જોટાણા 746 119 15.95%
કડી 814 214 26.30%
ખેરાલુ 678 59 8.70%
મહેસાણા 774 134 17.31%
સતલાસણા 752 47 6.25%
ઊંઝા 741 138 18.62%
વડનગર 645 65 10.08%
વિજાપુર 808 83 10.27%
વિસનગર 662 75 11.32%
સરેરાશ 724 104 14.37%

કોરોનામાં અમેરિકા નોકરી પરત ન જઇ શકતાં ભાકડિયાના યુવાને ઘરની ખેતી સંભાળી

ચોમાસામાં વરસાદે શ્રી ગણેશ કર્યા છે, ત્યારે હવે ખેડૂતો ખેતરમાં વાવણી માટે ટ્રેક્ટરથી પલાવ કરવા લાગ્યા છે. મહેસાણા તાલુકાના ભાકડિયા ગામે જયસિંહ સોલંકી ખેતરમાં રવિવારે એરંડા વાવણી માટે પલાવ કરતા જોવા મળ્યા હતા. યુવાન જયસિંહે કહ્યું કે, અમેરિકાના ચાર વર્ષના વિઝિટર વિઝા છે. અમેરિકાના શિકાગો શહેરમાં નોકરી કરતો હતો. 2 વર્ષ પહેલાં વતનમાં આવ્યો અને કોરોના સંક્રમણમાં બધું આવન-જાવન બંધ થયું, ત્યારથી હાલ વતનમાં જ રહું છું. અમેરિકા જવા હાલ પરમિટ મળતી નથી. ઘરની ખેતી છે, ખેતરમાં ટ્રેક્ટરથી પલાવ કરીને ખેતીકામ સંભાળી રહ્યો છું. અમેરિકામાં ફ્લાઇટની છૂટછાટ મળશે એટલે ફરી પાછા ત્યાં નોકરીએ લાગી જઈશું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here