હવામાન : કેરળ પહોંચ્યું ચોમાસું, 9 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ; 3 જૂને ચક્રવાતી વાવાઝોડું ગુજરાત-મહારાષ્ટ્ર સાથે અથડાશે

0
0

નવી દિલ્હી. ભારતીય હવામાન વિભાગે સોમવારે જણાવ્યું છે કે ચોમાસાએ કેરળમાં દસ્તક આપી દીધી છે. તેને ધ્યાનમાં રાખીને કેરળના 9 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેમાં અલપુઝા, કોલ્લમ, પથનમથિટ્ટા, તિરુવનંતપુરમ, કોટ્ટયમ, એર્નાકુલમ, ઝડુક્કી, મલપ્પુરમ અને કન્નૂર સામેલ છે. પ્રાઈવેટ વેધર એજન્સી સ્કાઈમેટે 30 મેના રોજ ચોમાસુ કેરળ સુધી પહોંચવાનો દાવો કર્યો હતો.

તે ઉપરાંત એક ચક્રવાતી વાવાઝોડું 3 જૂન સુધીમાં ગુજરાત અને મહારાષ્ટ્ર તટને અથડાઈ શકે છે. IMDએ સોમવારે કહ્યું હતું કે, હવે અરબ સાગરમાં ઓછા દબાણનો વિસ્તાર બની શકે છે. આગામી બે દિવસમાં તે ચક્રવાતમાં ફેરવાઈ શકે છે. તે કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના તટ વિસ્તારમાં સોમવારે અથવા મંગળવારે 100 કિમી પ્રતિ કલાકની ઝડપથી અથડાઈ શકે છે.

હરિહેશ્વર અને દમણ વચ્ચેના તટને અથડાશે ચક્રવાત
આઈએમડીના જણાવ્યા પ્રમાણે આ ઓછા દબાણવાળો વિસ્તાર અરબ સાગર અને લક્ષદીપના દક્ષિણ પૂર્વ અને પૂર્વ મધ્ય વિસ્તારમાં બનેલો છે. હાલ તે ગોવાથી 4 કિમી દક્ષિણ પશ્ચિમ, મુંબઈથી 700 કિમી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ અને ગુજરાતના સુરતથી 930 કિમી દક્ષિણ પશ્ચિમના અંતરે છે. ચક્રવાતી વાવાઝોડુંમાં ફેરવાયા પછી 2 જૂનની સવારે તે ઉત્તર બાજુ વધવાની શક્યતા છે. વાવાઝોડું હરિહરેશ્વરઅને દમણની વચ્ચે ઉત્તર મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તટથી 3 જૂનની સાંજે અથવા રાત્રે અથડાઈ શકે છે.

મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ભારે વરસાદ થઈ શકે છે
પ્રાઈવેટ હવામાન એજન્સી સ્કાઈમેટના જણાવ્યા પ્રમાણે, ઓછો દબાણવાળો વિસ્તાર બનવાના કારણે 3 અને 4 જૂને મધ્ય મહારાષ્ટ્ર અને ઉત્તર કોંકણ વિસ્તારમાં ભારે વરસાદ થઈ શકે છે. 2 જૂન અને 5 જૂન વચ્ચે મહારાષ્ટ્ર અને ગુજરાતના તટ પર ઉંચા મોજા ઉછળે તેવી શક્યતા છે. તેની ઉંચાઈ 12થી 16 ફૂટ સુધીની હોઈ શકે છે. જ્યારે તેની સ્પીડ 60થી 90 કિમી પ્રતિ કલાકની રહેવાની શક્યતા છે. ત્યારપછી આ ઓછા દબાણવાળો વિસ્તાર નિસર્ગ ચક્રવાતમાં ફેરવાઈ જશે.

આ વખતે સામાન્ય રહેશે ચોમાસું
હવામાન વિભાગે કહ્યું છે કે, આ વખતે ચોમાસું સામાન્ય જ રહેવાનુ છે. વિભાગના જણાવ્યા પ્રમાણે 96થી 100 ટકા વરસાદને સામાન્ય ચોમાસું કહેવામાં આવે છે. ગયા વર્ષે તે થોડું મોડું 8 જૂને કેરળના દરિયાકાંઠા વિસ્તારોમાં પહોંચ્યું હતું. ભારતમાં જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ-પશ્ચિમ ચોમાસામાં વરસાદ થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here