આંકલાવ: તાલુકામાં આજે સવારથી જ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં આંકલાવ શહેર અને તાલુકાના અનેક ગામોમાં નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા. સવારથી સતત ચાર કલાક સુધી વીજળીના કડાકા સાથે પડી રહેલા વરસાદના કારણે આંકલાવમાં બેટ જેવી સ્થિતિ જોવા મળી હતી. તે ઉપરાંત આંકલાવ તાલુકાના ગામોને જોડતા માર્ગો પર વૃક્ષો ધરાશાયી હતા. જેમાં ભેટાસી ભાણપુરા માર્ગ પર વિશાળ વૃક્ષ ધરાસયું હતું અને આંકલાવ ઉમેટા માર્ગ પર વૃક્ષ પડવાથી વીજ પોલ તૂટી પડ્યો હતો. જેથી માર્ગો અવર જવરમાં પણ લોકોને મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો. અનેક ગામમાં કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાયો હતો. જેથી લોકોને અનેક મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
આંકલાવમાં જોવા જઈએ તો માર્ગો પર તેમજ નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરવાના દ્રશ્યો જોવા મળ્યા હતા. જેમાં આંકલાવમાં બલમશા દરગાહ પાસે ,પોલીસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં તેમજ જાહેર સ્થળોએ પાણી પાણી જોવા મળ્યું હતું. આંકલાવ તાલુકાના અનેક ગામોમાં તંત્રની બેદરકારી જોવા મળી હતી. જેમાં નવા બનાવેલા માર્ગો ધોવાયા હતા. જેમાં માનપુરા અને હઠીપુરા પાસે માર્ગો ધોવાયા હતા. અનેક વાર આ બનાવોમાં લોકોને આ મુસીબતોનો સામનો કરવાનો વારો આવ્યો છે.
પાકને નુકશાનની ભીંતિ
તાલુકાના અનેક ગામોમાં ખેતરોમાં વરસાદના પાણી ભરાયા હતા. જેમાં અનેક પાકોમાં લાખો રૂપિયાનું નુકશાન થવાની ભીંતિ સેવાય રહી છે. સતત ચાર કલાક સુધી પડી રહેલા વરસાદમાં ખેડૂતોને લાખો રૂપિયાનું નુકશાન પણ ભોગવાનો વારો આવ્યો છે. બીજી બાજુ ખેતરોમાં ભરાય રહેલા પાણીના નિકાલ માટે ખેડૂતો ચાલુ વરસાદમાં પાકને બચાવવા મહેનત કરી રહ્યાં હતાં. જોકે તંત્ર દ્વારા કોઇપણ પ્રકારે મદદ માટે ન આવ્યા હોય તેવી પણ વાર્તાઓએ જોર પકડ્યું છે.
વીજ પુરવઠો પૂર્વવત
એમજીવીસીએલ આંકલાવ નાયબ ઈજનેરે જણાવ્યું હતું કે, આંકલાવ તાલુકા સવારથી ૪૦ થી વધુ વીજપુરવઠો ખોરવાયાની ફરિયાદો આવી હતી. પરંતુ મોટા ભાગની બધી ફરિયાદ સંપૂર્ણપણે સોલ કરી દેવમાં આવી છે માત્ર જ્યાં જગ્યાએ ઝાડ પડ્યા છે ત્યાં ટીમ દ્વારા કામગીરી પૂર્ણ કરી વહેલી તકે બાકી રહેલી ફરિયાદ સોલ કરી દેવામાં આવશે.
પાણી ભરાવવાની ફરિયાદ
આંકલાવ નગરપાલિકા પ્રમુખ નિરલબેન પટેલે જણાવ્યું હતું કે, આંકલાવ નગરપાલિકાની ટીમ અવિરત રીત કાર્યરત હતી પાલિકામાં પાણી ભરાવાની ચારથી પાંચ ફરિયાદ આવી હતી. જેમાં નંદેવાર રોડ સરકારી દવાખાના તેમજ શહેરના નિચાણવાળા વિસ્તારમાં પાણીનો નિકાલ કરવામાં આવ્યો હતો અને જેસીબી સાથે ટીમ કાર્યરત છે. જ્યાં ફરિયાદ આવે છે ત્યાં ટીમ પહોંચી જાય છે હાલ મોટા ભાગના વિસ્તારમાં પાણીનો નિકાલ કરી દેવામાં આવ્યો છે.
રેલવેલાઈનની માટીના ધોવાણથી ખેતરોમાં પાણી ફરી વળ્યા
આંકલાવના ભેટાસીમાં પસાર થતી રેલ્વેલાઈનમાં તંત્રની બેદરકારી જોવા મળી વરસાદના પાણીમાં રેલ્વે લાઈનની માટી ધોવાઈ ખેતરોમાં પાણી ફરી વળ્યાં છે. જેના પગલે લાખોના પાકને નુકશાનથી ખેડૂતોને ચિંતામાં જોવા મળ્યા હતા. આખા વિસ્તારમાં પાણી પાણી જ જોવા મળ્યું હતું. વહેલી તકે યોગ્ય નિકાલ કરવામાં ન આવે તો વધુ નુકશાન ભોગવાનો વારો આવે તેમ છે. ગામના મોટા ભાગના ખેડૂતો પાણીના નિકાલ માટે કામે લાગ્યા હતા. પરંતુ પાણીની આવક વધારે હોવાથી મુસીબતનો સામનો કરવાનો વારો આવ્યો હતો. જોકે બપોર બાદ રેલવેના અધિકારીઓ દ્વારા પાણીના નિકાલ માટે કામગીરી શરૂ કરવામાં આવી હતી.
Array
ચોમાસું : આંકલાવ જળબંબાકાર થતાં ચારે તરફ પાણી પાણી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી
- Advertisement -
- Advertisment -