ચોમાસુ : મેઘરાજાની તોફાની એન્ટ્રી દક્ષિણ ગુજરાત જળબંબાકાર, વઘઈ 12 ઈંચ, ઉત્તર ગુજરાત પણ ભીંજાયું

0
21

વલસાડ/મહેસાણા: મોડે મોડે પણ ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. છેલ્લા 24 કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ઓળઘોળ થઈ ગયા છે. ડાંગ નજીકના વઘઈમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ સાથે જ ધરમપુર, કપરાડા, વલસાડ પણ જળબંબાકાર થઈ ગયા છે. નવસારી, વલસાડ જિલ્લાના અનેક ડેમમાં નવું પાણી આવતા પાણીની સપાટી વધી છે. તાપી અને સુરત જિલ્લાના ઉચ્છલ, નિઝર તથા નવસારીના ખેરગામ, ચીખલી, ગણદેવીમાં 5 ઈંચ સુધીનો વરસાદ ખાબક્યો છે.

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્રમાં ભરૂચમાં પણ સાર્વત્રિક વરસાદ

બીજીબાજુ ઉત્તર ગુજરાતના હારીજ, મહેસાણા, પ્રાંતિજ, માલપુરા, ધનસુરામાં પણ બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ભરૂચ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાવનગર, પાલીતાણા, ગારિયાધર, તળાજા, જામનગર, સિહોરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતો રહ્યો હતો. લગભગ 1 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે ખેતીને નવજીવન મળ્યું છે. મોટાભાગના વિસ્તારોમાં વાવણી થઈ ગઈ હોવાથી વરસાદની તાતી જરૂર હતી તે પૂરી થઈ છે. ધરમપુરમાં ચક્રાવાતી વાવાઝોડાને કારણે કેટલાક ઘરના પતરાં ઊડી ગયા હોવાની ઘટના પણ નોંધાઈ છે. આગામી 3 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. ચીખલીમાંથી પસાર થતી કાવેરી અને ખરેરા નદીમાં પૂર આવ્યું હતું. એક સમયે સૂકાઈ ગયેલી કાવેરી નદીમાં નવા નીર આવતાં તે બંને કાંઠે વહેતી થઈ હતી. મંદિર પણ ડૂબી ગયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here