મોરબી : કતલખાને લઇ જવાતી 36 ભેંસ, 2 ગૌવંશથી ખીચોખીચ ભેરલા ટ્રકે પલ્ટી મારી, 26 ભેંસના મોત

0
28

મોરબી: મોરબીના જામનગર માળિયા હાઇવે પર આવેલા આમરણ ગામ નજીક કચ્છ તરફથી આવતા એક ટ્રકમાં ગેરકાયદેસર 36 જેટલી ભેંસ, પાડા તેમજ 2 ગૌ વંશભરીને જામનગર તરફ કતલખાને લઈ જતા હોવાની બાતમીના આધારે ગૌરક્ષકની ટીમ આમરણ રોડ પર અગાઉથી તૈયારીમાં બેઠા હતા. દરમિયાન આમરણ પાસેથી ટ્રક નીકળતા તેને રોકવા પ્રયાસ કર્યો હતો. જો કે ટ્રક ચાલકે પકડાય જવાની બીકે પૂરઝડપે ટ્રક ભગાવી હતી. દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટ્રક રોડ પરથી ઉતરી ગયો અને પાણી ભરેલા ખાડામાં ફસાઈ ગયો હતો. અચાનક થયેલી આ અફરાતફરીને કારણે ટ્રક ખીચોખીચ ભરેલ ભેંસનાં દબાઈ જવાને કારણે મોત નિપજ્યા હતા. બનાવની જાણ થતાં નજીકના ગામના લોકો આવી પહોંચ્યા હતા અને ભેંસોને બહાર કાઢવા મથામણ કરી હતી. જો કે ગામલોકો ભેંસ સુધી પહોંચે તે પહેલાં 26થી વધુ ભેંસ મરી ચૂકી હતી.

ટ્રક ચાલક મોકો જોઇ ફરાર થઇ ગયો

આ અંગે તાલુકા પોલીસને જાણ કરતા આમરણ પોલીસ ચોકીના જમાદાર જુવાનસિંહ અને સ્ટાફ દોડી ગયા હતા અને બચેલી ભેંસને સુરક્ષિત બહાર કાઢી હતી. બીજી તરફ ટ્રક ડ્રાઇવર પણ મોકો જોઈ ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે ગૌરક્ષકોએ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી. ટ્રક ક્યાંથી આવ્યો, કોની માલિકીનો છે અને ક્યાં જતો હતો, આ ભેંસો કતલખાને લઈ જવામાં આવી રહી હતી કે કેમ વગેરે બાબતે તપાસ હાથ ધરી હતી.

ટ્રક ચાલકે નંબર પ્લેટ છૂપાવી દીધી

ટ્રકમાં ભેંસ ભરેલી હોય અને તેની ઓળખ છતી ન થાય તે માટે ટ્રકના નંબર પ્લેટ દૂર કરી દેવાયા હતા. એક સાથે 36થી વધુ ભેંસ અને પાડા ખીચોખીચ ભરી કચ્છ જિલ્લામાંથી જામનગર તરફ જઇ રહેલો આ ટ્રક માળિયા તાલુકામાંથી નીકળી ગયો અને પોલીસને જાણ સુધા પણ ન થઈ. નાઈટ પેટ્રોલીંગ તેમજ ચેક પોસ્ટ પર કેવી રીતે ચેકિંગ થાય છે. તેનો આ વધુ એક પૂરાવો સામે આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here