મોરબીના ઉદ્યોગકારો રિલાયન્સની રમકડા કંપની હેમ્લીઝ માટે ટોય્સ બનાવી આપવા માટે તૈયાર

0
5

કોરોના અને ચીન સાથે બોર્ડર વિવાદ પ્રધાનમંત્રી નરેદ્ર મોદીએ ભારતના ઉદ્યોગોને આત્મનિર્ભર બનવા માટે કહ્યું છે. આ કોલ અને વર્તમાન મંદીને ધ્યાનમાં રાખીને મોરબીના કલોક અને ઇલેક્ટ્રોનિક આઈટમના ઉત્પાદકોએ રિલાયન્સની રમકડા બ્રાંડ હેમ્લીઝને તેમની જરૂરિયાત મુજબના રમકડા બનાવી આપશે. મોરબીના આ ઉદ્યોગ્કારોના સંગઠનની આગેવાની કરનારા અજંતા ઓરેવા ગ્રુપના મેનેજીંગ ડિરેક્ટર જયસુખ પટેલે દિવ્ય ભાસ્કરને જણાવ્યું કે, અમે થોડા સમય પૂર્વે રિલાયન્સ હસ્તકની હેમ્લીઝને પત્ર લખીને જણાવ્યું છે કે, મોરબીમાં ઇલેક્ટ્રોનિક ટોય્સનું ઉત્પાદન શક્ય છે અને હેમ્લીઝને ચીન કરતા ઓછા ભાવે અને સારી ક્વોલિટીના રમકડા બનાવી આપવાની ઓફર કરી છે. હવે અમે તેમના જવાબની રાહ જોઈ રહ્યા છીએ.

શું ઓફર કરી છે મોરબીના ઉદ્યોગકારોએ?
જયસુખ પટેલે જણાવ્યું કે, અમે રિલાયન્સને પત્ર લખીને કહ્યું હતું કે જો કંપની ઈચ્છે તો અમે તેમને જોઈતી ડીઝાઇન મુજબ પ્લાસ્ટિક અને ઇલેક્ટ્રોનિક્સ રમકડા બનાવી શકીએ છીએ. તેઓ ઈચ્છે તો મોરબીની મુલાકાત પણ લઇ શકે છે. મોરબી વર્ષોથી ઘડિયાળ અને ઇલેક્ટ્રોનિક્સ પાર્ટ્સ બનાવે છે અને તેનો ઉપયોગ રમકડા માટે પણ થઇ શકે છે. અમારી પાસે જે મશિનરી છે તેને મોડિફાઈ કરાવી સરળ છે. જરૂર પડે તો રોકાણ કરવા પણ અમે તૈયાર છીએ.

રિલાયન્સ સિવાય અન્ય ટોય્સ કંપનીઓને પણ પત્ર લખ્યો
પટેલે કહ્યું કે, હાલના સમયમાં બિઝનેસ ડાઇવર્સીફિકેશન જરૂરી છે. આ વાતને ધ્યાનમાં રાખીને અમે અલગ અલગ ક્ષેત્રની અનેક કંપનીઓને લેટર લખેલા છે. ટોય્સ માટે અમે રિલાયન્સ હેમ્લીઝ સિવાય લેગો, ફન સ્કુલ સહિત 20-25 કંપનીઓને પત્ર લખી અને તેમને રમકડા અથવા તો તેના માટેના પાર્ટ્સ બનાવી આપવાની ઓફર કરી છે.

રિલાયન્સની ટોય્સ બિઝનેસ વિસ્તારવાની યોજના
ગયા વર્ષે અંબાણીની કંપની રિલાયન્સે લગભગ રૂ. 620 કરોડમાં બ્રિટનની રમકડાની બ્રાન્ડ હેમ્લીઝ ગ્લોબલ હોલ્ડિંગ્સ લિમિટેડને હસ્તગત કરી હતી. હવે કંપની મહામારી દરમિયાન આ વ્યવસાયને વિસ્તૃત કરવાની યોજના બનાવી રહી છે. અંબાણીની વિસ્તરણ યોજનામાં નવા સ્ટોર્સ ખોલવાનો સમાવેશ થઈ શકે છે. હેમ્લીઝ ગ્લોબલને પણ કોરોનાને કારણે નુકસાન થયું છે.

હેમ્લીઝના 18 દેશોમાં 167 સ્ટોર્સ છે
હેમ્લીઝ કંપનીની સ્થાપના 259 વર્ષ પહેલા વર્ષ 1760માં થઇ હતી, જે વિશ્વની સૌથી જૂની અને સૌથી મોટી રમકડાની દુકાન છે. થિયેટર અને મનોરંજન સાથે કંપનીએ તેના રિટેલ નેટવર્કને વિસ્તૃત કર્યું છે. વૈશ્વિક સ્તરે હેમ્લીઝના 18 દેશોમાં 167 સ્ટોર્સ છે. રિલાયન્સ ભારતમાં હેમ્લીઝની માસ્ટર ફ્રેન્ચાઇઝી છે અને દેશના 29 શહેરોમાં 88 સ્ટોર્સ ચલાવે છે.

ભારતમાં ટોય્સ માર્કેટ આજે પણ અનઓર્ગેનાઈઝ્ડ
જાણકારોના મતે ગ્લોબલી રમકડાનું માર્કેટ આશરે રૂ. 7 લાખ કરોડનું છે અને ભારતમાં અંદાજે રૂ. 5000 કરોડનું માર્કેટ છે. જોકે, ભારતના ટોય્સ માર્કેટમાં 90%થી વધુ ચીનનું પ્રભુત્વ છે. આજે પણ ભારતમાં રમકડાનું બહુ મોટા પાયે ઉત્પાદન થતું નથી અને જે થાય છે તેમાં પણ કોઈ બ્રાંડ નથી, મોટા ભાગે સપ્લાયર તરીકે કામ કરે છે. નરેન્દ્ર મોદીએ મન કી બાતમાં રમકડા વિષે વાત કરી ત્યારથી ઘણા લોકો આ ઇન્ડસ્ટ્રીઝને ડેવલપ કરવા સક્રિય થયા છે અને મોરબી તેમનું એક છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here