મોરબી સિરામીક ફેક્ટરીના કર્મચારીને કોઈ અજાણ્યો તસ્કર ગઠિયો ભેટી જતાં આંગડિયા પેઢીમાંથી રોકડ લઈ એક્સેસ મોટર સાયકલની ડેકીમાં રૂપિયા રાખવા ભારે પડ્યા હતા. જેને પગલે રોકડ ભરેલી મોટર સાયકલ જામ્બુ અને કેક લેવા રેઢી મુકતાં રૂપિયા 10 લાખ 58 હજાર 900ની રોકડ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીની આજીવીટો સિરામીક ફેક્ટરીમાં માર્કેટિંગ મેનેજર તરીકે નોકરી કરતા હેમાંગભાઇ ભરતભાઇ સંઘવીએ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેમને ધરતી ટાવરમાં આવેલા એચએમ આંગડિયા પેઢીમાંથી મુંબઈની પેઢીએ મોકલાવેલા રોકડા રૂપિયા 10 લાખ 58 હજાર 900નું પેમેન્ટ આવ્યું હોવાનો ફોન આવ્યો હતો. તેમણે એક્સેસ મોટર સાયકલ લઈ રોકડ મેળવી પોતાના એક્સેસની ડેકીમાં રાખ્યા હતા.
બાદમાં આ રોકડ લઈ તેઓ પોતાની દીકરીનો જન્મ દિવસ હોવાથી શનાળા રોડ ઉપર આવેલી મહાવીર ફરસાણ નામની દુકાને જામ્બુ લેવા ગયા હતા. ત્યાંથી રવાપર રોડ ઉપર ડાયમંડ બેકરીએ કેકના ઓર્ડરનું શુ થયું? તેની તપાસ કરવા માટે મોટર સાયકલ રેઢું મૂકીને ગયા હતા. બાદમાં જ્યારે તેઓ ઘરે પહોંચી રોકડ રકમ કાઢવા જતાં એક્સેસની ડેકી ખુલ્લી હોવાનું અને ડેકીમાં રાખેલા રોકડા રૂપિયા ગાયબ હોવાનું જણાયું હતું. જેથી ફરી મહાવીર ફરસાણ અને ડાયમંડ બેકરીએ પહોંચી તપાસ કરી સીસીટીવી ચેક કરતાં કશું જોવા ન મળતા અંતે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ આઈપીસી કલમ 379 મુજબ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.