મોરબી શહેરના જુના વિસ્તારમાં વર્ષ 2001ના ભૂકંપ બાદના જર્જરિત બાંધકામો પ્રજાજનો ઉપર મોત બનીને પડવાના વાંકે લટકી રહ્યા હોય તેવુ જોવા મળી રહ્યુ છે. ત્યારે મોરબીમાં મચ્છુ માતાજીની શોભાયાત્રા પૂર્વે જિલ્લા પોલીસ વડા દ્વારા શોભાયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન જર્જરિત બાંધકામો મુદ્દે પાલિકા તંત્રને ગંભીર ટકોર કરી હતી. જોકે, પાલિકા તંત્રેએ આ ગંભીર ટકોરને હળવાશથી લેતા આજે રથયાત્રા દરમિયાન જ એક બંધ દુકાનની દીવાલ ધસી પડી હતી. જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જોકે, મોટી દુર્ઘટના સહેજમાં ટળી હતી.
મોરબીમાં પરંપરાગત રીતે યોજાતી મચ્છુ માતાજીની શોભાયાત્રા દરમિયાન આજે નહેરુ ગેઈટથી થોડે દૂર બંધ દુકાનની જર્જરિત દીવાલ તૂટી પડી હતી. જેથી શોભાયાત્રામાં જોડાયેલા એક ભાવિકને ઈજા પહોંચી હતી. ઉલ્લેખનીય છે કે, મચ્છુમાતાજીની શોભાયાત્રા પૂર્વે શોભાયાત્રા રૂટના નિરીક્ષણ દરમિયાન મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા મોરબી પાલિકા તંત્રને રથયાત્રા રૂટ ઉપરના જર્જરિત બાંધકામો મામલે ગંભીર ટકોર પણ કરી હતી. આમ છતાં નિંભર તંત્ર દ્વારા આગમચેતીના કોઈ જ પગલાં ન લેવાતા જર્જરિત દીવાલ, પિલર તૂટી પડી હતી. જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું છે.