વડોદરા : વધુ 94 પોઝિટિવ, અત્યાર સુધીના સૌથી વધુ 192 દર્દી ડિસ્ચાર્જ, આજે 5 મોત, ભરૂચ-પંચમહાલમાં નવા 21-21 કેસ

0
5
  • છેલ્લા 24 કલાકમાં લેવાયેલા 818 સેમ્પલમાંથી 94 પોઝિટિવ અને 724 નેગેટિવ આવ્યા
  • વાઘોડિયા તાલુકાના રૂસ્તમપુરામા એક સાથે 12 કેસ પોઝિટિવ આવ્યા, આરોગ્ય વિભાગમાં દોડધામ
  • મહીસાગરમાં 13 અને નર્મદામાં વધુ 10 પોઝિટિવ કેસ નોંધાયા

વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર અને જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 94 પોઝિટિવ કેસ નોંધાયા છે. પોઝિટિવ કેસનો કુલ આંક 4666 પર પહોંચી ગયો છે. વડોદરામાં આજે અત્યાર સુધીના સૌથી વધુ 192 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ 3648 દર્દી રિકવર થયા છે અને આજે વધુ 3 દર્દીના મૃત્યુ જાહેર કરતા સત્તાવાર મૃત્યુઆંક 89 થયો છે. વડોદરામાં અત્યારે કુલ 929 એક્ટિવ કેસ છે, જે પૈકી 146 ઓક્સિજન ઉપર અને 34 વેન્ટીલેટર-બી પેપ ઉપર છે અને 749 દર્દીની હાલત સ્થિર છે.

વડોદરાના આ વિસ્તારોમાં આજે કેસ નોંધાયા

શહેરઃ માંજલપુર, મકરપુરા, છાણી, આજવા રોડ, વાઘોડિયા રોડ, ગોત્રી, પાણીગેટ, કારેલીબાગ, નવાયાર્ડ, તાંદલજા, હરણી, ફતેપુરા, નવાપુરા, સોમા તળાવ, ન્યાયમંદિર, આર.સી.દત્ત રોડ, સુભાનપુરા, VIP રોડ, તરસાલી, સનફાર્મા રોડ, સમા, ઇલોરાપાર્ક, ગોરવા, ઓલ્ડ પાદરા રોડ

ગ્રામ્યઃ ડભોઇ, કાયાવરોહણ, પાદરા, સાવલી, શિનોર, ખટંબા, ભાયલી, સયાજીપુરા, કોયલી, અંકોડીયા, પોર, કરજણ

વડોદરામાં વધુ 5 દર્દીના મોત

વડોદરા શહેરમાં કોરોના વાઈરસનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા એક અઠવાડિયાથી રોજ 91થી 96 જેટલા કેસ સામે આવી રહ્યા છે. વડોદરા શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન આજે વધુ 5 દર્દીના મોત થયા છે. તમામ દર્દીઓની અંતિમ વિધિ સરકારની ગાઇડલાઇન પ્રમાણે કરવામાં આવશે. વડોદરા શહેરની એમ.એસ. યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીના વધુ એક પ્રોફેસર કોરોના સંક્રમિત થયા છે.

મૃતકની ઉંમર અને વિસ્તારના નામ

કારેલીબાગ વિસ્તારની 34 વર્ષીય મહિલાનું મોત
પોર ગામ વિસ્તારની 64 વર્ષીય મહિલાનું મોત
વાસદના 70 વર્ષીય વૃદ્ધનું મોત
વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના 86 વર્ષીય વૃદ્ધનું મોત
ભરૂચન 46 વર્ષીય વ્યક્તિનું મોત

વાઘોડિયાના રૂસ્તમપુરામા એક સાથે 12 કેસ પોઝિટિવ આવ્યા

વાઘોડિયાના રૂસ્તમપુરામા એક સાથે 12 કેસ પોઝિટિવ આવ્યા છે. જેમા 11 કેસ એકલા ખત્રી સમાજના છે. રૂસ્તમપુરા કોરોનાનો અંક કુલ 14 ઉપર પહોંચ્યો છે. જેમાં એક વૃદ્ધા મોતને ભેટી હતી. રૂસ્તમપુરા ખાતે કોરોના પોઝિટિવ દર્દીનું મોત નિપજતા આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને 56 લોકોના સેમ્પલ લેવાયા હતા 12 જેટલા લોકો કોરોના પોઝિટિવ આવતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. રૂસ્તમપુરા ગ્રામ પંચાયતે તકેદારીના ભાગરૂપે સેનેટાઈઝની કામગીરી શરૂ કરી છે. રૂસ્તમપુરા પ્રાથમિક આરોગ્ય વિભાગે ઊકાળા વિતરણની કામગીરી હાથ ધરી છે. આખા વિસ્તારને બફર ઝોન જાહેર કરીને પ્રવેશ બંધ કરવામા આવ્યો છે. જેથી અન્ય કોઈ વ્યક્તિ અવર જવર કરી શકે નહીં.

ભરૂચમાં આજે વધુ 21 પોઝિટિવ કેસ

ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના આજે વધુ 21 પોઝિટિવ કેસ નોંધાયા છે. આમ ભરૂચ જિલ્લામાં કોરોના વાઈરસના પોઝિટિવ કેસનો કુલ આંક 945 ઉપર પહોંચી ગયો છે. આ ઉપરાંત દાહોદમાં 33, પંચમહાલમાં 21, મહીસાગરમાં 13 અને નર્મદામાં વધુ 10 કેસ નોંધાયા છે.

ભરૂચમાં 4 ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવારની મંજૂરી અપાઇ

ભરૂચમાં કોરોનાના વધતા જતા કેસને ધ્યાને રાખીને 4 ખાનગી હોસ્પિટલને કોરોનાની સારવારની મંજૂરી આપવામાં આવી છે. ભરૂચની ઓર્ચિડ હોસ્પિટલ, આર.કે.હોસ્પિટલ અને પામલેન્ડ હોસ્પિટલ અને અંકલેશ્વરની ઓરેન્જ હોસ્પિટલને મંજૂરી આપવામાં આવી છે.