કોરોના દુનિયામાં : અમેરિકામાં 10 દિવસમાં રેકોર્ડ 10 લાખથી વધારે નવા કેસ, ન્યૂયોર્કમાં ફરી લોકડાઉન લાગુ.

0
10

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો મંગળવારે 5.24 કરોડને પાર થઈ ગયો છે. 3 કરોડ 66 લાખ લોકો સાજા થઈ ગયા છે. અત્યારસુધીમાં 12 લાખ 88 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણેના છે.

અમેરિકામાં સંક્રમણ ખૂબ ઝડપથી વધી રહ્યું છે. બુધવારે અહીં નવો વર્લ્ડ રેકોર્ડ બન્યો છે. એક દિવસમાં 1 લાખ 36 હજાર કેસ સામે આવ્યા છે. છેલ્લા 10 દિવસમાં અમેરિકામાં 10 લાખથી વધારે (11,29,463) કેસ નવા નોંધાયા છે. ચીનમાં થોડા દિવસની રાહત પછી ગુરુવારે ફરી 15 નવા કેસ નોંધાયા છે.

ન્યૂયોર્કમાં લોકડાઉન
અમેરિકામાં 1 દિવસમાં 1 લાખ 36 હજાર નવા કેસ નોંધાયા છે. કુલ દર્દીઓની સંખ્યા થોડા દિવસ પહેલાં જ એક કરોડને પાર થઈ છે. મહત્ત્વની વાત એ છે કે અહીં છેલ્લા 10 દિવસથી રોજ એક લાખથી વધારે કેસ નોંધાઈ રહ્યા છે. આ દરમિયાન ન્યૂયોર્કમાં ગવર્નર એન્ડ્રૂ કુમોએ રાજ્યામાં નવા પ્રતિબંધો જાહેર કરી દીધા છે. કુમોએ કહ્યું છે કે આ પ્રતિબંધ વગર અમે સંક્રમણને ઓછું નહીં કરી શકીએ. હવે અહીં પ્રાઈવેટ પાર્ટી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. બિઝનેસ વિશે પણ ન્યૂયોર્કમાં આજે નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવશે. માત્ર ન્યૂયોર્કમાં જ ગુરુવારે 1628 કેસ નોંધાયા છે અને 21 લોકોનાં મોત થયાં છે.

ઈટાલીમાં પણ રાહત નથી

ઈટાલી દુનિયાનો 10મો દેશ બની ગયો છે, જ્યાં 10 લાખથી વધારે લોકો સંક્રમણના સકંજામાં આવી ગયા છે. અહીં અત્યારસુધીમાં 42,953 લોકોનાં મોત થયાં છે. અહીં સરકારની સૌથી મોટી મુશ્કેલી એ છે કે હોસ્પિટલો ફુલ થઈ રહી છે અને નવા દર્દીઓને ટૂંક સમયમાં બાજુના દેશની હોસ્પિટલમાં શિફ્ટ કરવા પડે એવી સ્થિતિ છે. આ મામલે યુરોપીય દેશો ગયા મહિને સમજૂતી કરી ચૂક્યા છે. યુરોપીય દેશોમાં ઈટાલી પહેલો એવો દેશ છે, જ્યાં સંક્રમણ સૌથી પહેલા પહોંચ્યું હતું. ડોક્ટર્સે કહ્યું છે કે જો કડક પગલાં લેવામાં નહીં આવે તો મૃતકોની સંખ્યા એક મહિનામાં 10 હજાર સુધી વધી શકે છે.

ચીનમાં નવા કેસ

ચીનમાં થોડા દિવસની રાહત પછી એકવાર ફરી નવા કેસ આવવા લાગ્યા છે. બુધવારે અહીં 15 નવા કેસ સામે આવ્યા છે. તેના એક દિવસ પહેલાં એટલે કે મંગળવારે 17 કેસ નોંધાયા હતા. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે અમુક વિસ્તારોની ઓળખ કરી લેવામાં આવી છે, જ્યાંથી સંક્રમણના વધારે કેસ નોંધાઈ રહ્યા છે. અહીં આગામી સમયમાં પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે. ચીનમાં અત્યારસુધીમાં 86,299 કેસ સામે આવી ચૂક્યા છે.

રશિયાએ કહ્યું- અમારી દવા 92 ટકા કરતાં વધારે અસરકારક

કોરોના વેક્સિન વિશે અમેરિકા પછી રશિયાએ ગુડ ન્યૂઝ આપ્યા છે. વેક્સિન ‘સ્પુતનિક વી’ તૈયાર કરનાર નેશનલ રિસર્ચ સેન્ટર RDIFએ દાવો કર્યો છે કે તેમની વેક્સિન દર્દીઓ પર 92 ટકા કરતાં વધારે અસરકારક છે. સેન્ટરે ફેઝ-3ની ટ્રાયલ પણ પૂરી કરી લીધી છે. એ પહેલાં અમેરિકન કંપની ફાઈઝરે પણ દાવો કર્યો છે કે તેમની વેક્સિન 90 ટકા કરતાં વધારે અસરકારક છે. રશિયા વેક્સિન ટ્રાયલમાં 40 હજાર વોલન્ટિયરને સામેલ કરવામાં આવ્યા હતા. એમાંથી 16 હજાર લોકોને વેક્સિન આપવામાં આવી છે. ત્યાર પછી તેની 21 દિવસ સુધી અસર જોવા મળી હતી. 20 કન્ફર્મ કેસમાં વેક્સિનના બીજા ડોઝની 92 ટકા અસર દેખાઈ હતી. આ ટ્રાયલ બેલારુસ, યુએઈ, વેનેઝુએલા સિવાય ભારતમાં બીજા અને ત્રીજા ફેઝમાં ચાલી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here