કોરોના વિશ્વમાં : અમેરિકા ની હોસ્પિટલોમાં 1 લાખ કરતાં વધારે દર્દી, એક દિવસમાં 2600 લોકોનાં મોત : તુર્કીમાં એક દિવસમાં 190 નાં મોત.

0
5

દુનિયામાં કોરોના દર્દીઓનો આંકડો 6.41 કરોડને પાર થઈ ગયો છે. 4 કરોડ 44 લાખથી વધારે લોકો સાજા થઈ ગયા છે. અત્યારસુધીમાં 14 લાખ 85 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવી દીધો છે. આ આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે. અમેરિકામાં દાખલ દર્દીઓની સંખ્યા એક લાખ કરતાં વધારે થઈ ગઈ છે. આ દરમિયાન સરકારે કહ્યું હતું કે વેક્સિનને અપ્રૂવલ મળતાં જ સૌથી પહેલા હેલ્થ વર્કર્સને વેક્સિન આપવામાં આવશે.

અમેરિકન હોસ્પિટલ્સ પર પ્રેશર

અમેરિકાથી ત્રણ મહત્ત્વનાં અપડેટ્સ મળ્યાં છે.

પહેલું- ટેક્સાસ અને કેલિફોર્નિયા પછી ફ્લોરિડા એવું રાજ્ય છે, જ્યાં સંક્રમિતોની સંખ્યા 10 લાખ કરતાં વધારે થઈ ગઈ છે. જોકે અહીંના ગવર્નરે સ્પષ્ટ કહી દીધું છે કે અહીં કોઈ કડક પ્રતિબંધ લગાવવામાં નહીં આવે.

બીજું- દેશમાં હોસ્પિટલો પર પ્રેશર ખૂબ વધી ગયું છે. જોન બોપકિન્સ યુનિવર્સિટીના જણાવ્યા પ્રમાણે, આંકડો 96 હજાર દર્શાવાયો છે, પરંતુ દેશની હોસ્પિટલોમાં એક લાખથી વધારે દર્દીઓ છે. તેમાંથી અમુકની સ્થિતિ ગંભીર છે. દેશમાં આજે પ્રથમ વખત મૃતકોનો આંકડો રેકોર્ડ બ્રેક વધીને એક જ દિવસમાં 2600નો થઈ ગયો છે.

ત્રીજું- વેક્સિન અથવા દવાઓને અપ્રૂવલ આપતી ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેટિવ એજન્સી એટલે કે FDAના કમિશનરને મંગળવારે રાતે જ વ્હાઈટ હાઉસ ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. ઓફિસરોએ જ્યારે તેમને પૂછ્યું કે અપ્રૂવલમાં આટલી વાર કેમ લાગી રહી છે? ત્યારે તેમણે કહ્યું, અમે ખૂબ મહેનત અને ઝડપથી આ કામ કરી રહ્યા છીએ, પણ અમે ઉતાવળમાં કોઈ નિર્ણય ન લઈ શકીએ.

બેલ્જિયમમાં 25 લોકોની ધરપકડ

બેલ્જિયમમાં કર્ફ્યૂના ઉલ્લંઘન મામલે 25 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો પાર્ટી કરી રહ્યા હતા. પોલીસના જણાવ્યા પ્રમાણે, પાર્ટી કરનારામાં એક નેતા પણ હતો, જેને એક ગલીમાં થઈને ભાગવામાં સફળતા મળી છે. તેને શોધવામાં આવી રહ્યો છે. ઘટના બ્રસેલ્સના એક બારની હોવાનું જાણવા મળ્યું છે. આ પાર્ટીમાં યુરોપિયન યુનિયનના બે ડિપ્લોમેટ પણ સામેલ હતા.

તુર્કીમાં મોતનો આંકડો વધ્યો

તુર્કીમાં સતત નવમા દિવસે મૃતકોની સંખ્યામાં વધારો થયો છે. મંગળવારે અહીં 190 સંક્રમિતનાં મોત થયાં છે. સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે જે સંક્રમિતોનાં મોત થયાં છે તેમાંથી મોટા ભાગના લોકો મોટી ઉંમરના હતા. આ દરમિયાન હેલ્થ મિનિસ્ટ્રીએ ફરી એક વાર સ્પષ્ટ કહી દીધું છે કે જે પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે એનું કડક રીતે પાલન થવું જોઈએ. સરકારે આજે આ મુદ્દે મહત્ત્વની બેઠક કરવાની છે.

હેલ્થ વર્કર્સને પહેલી વેક્સિન મળશે

અમેરિકન હેલ્થ મિનિસ્ટ્રીનું કહેવું છે કે, વેક્સિનને અપ્રુવલ મળતાં જ તે સૌથી પહેલાં દેશના લાખો હેલ્થ વર્કર્સને આપવામાં આવશે. કારણકે તેઓ ખતરનાક સંજોગોમાં કામ કરી રહ્યા છે. આ વિશે સરકારે પોતાના સ્તર પર પૂરતી તૈયારીઓ કરી લીધી છે. સેન્ટર ફોર ડિસીજ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શને પણ આ વિશે સ્પષ્ટ ખુલાસો કરી દીધો છે. માનવામાં આવે છે કે, બે સપ્તાહમાં અમેરિકામાં પહેલી વેક્સિન આવી જશે.

સ્કોટ એટ્લસનું રાજીનામુ

ડોનાલ્ડ ટ્રમ્પના કોરોના વાઈરસ મામલે સ્પેશિયલ એડ્વાઈઝર સ્કોટ એટ્લસે રાજીનામુ આપી દીધું છે. તેમની ચાર મહિના પહેલાં આ પદ પર નિમણૂક કરવામાં આવી હતી. એટ્લસની શરૂઆતથી જ નિંદા કરવામાં આવતી હતી. તેમણે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ જેવા મહત્વના મુદ્દાઓ ઉપર પણ ભાર નહતો આપ્યો. એક વાર એટ્લસે અમેરિકામાં કોરોનામાં થયેલા મોત સામે પણ સવાલ ઉભા કરી દીધા હતા. એટ્લસ વ્યવસાયે ન્યૂરોલોજીસ્ટ છે અને ટ્રમ્પના ખાસ માનવામાં આવે છે.

કોરોનાથી પ્રભાવિત ટોપ-10 દેશોની સ્થિતિ

દેશ સંક્રમિત મોત સાજા થયા
અમેરિકા 14,108,490 276,976 8,333,018
ભારત 9,499,710 138,159 8,931,798
બ્રાઝિલ 6,388,526 173,862 5,656,498
રશિયા 2,322,056 40,464 1,803,467
ફ્રાન્સ 2,230,571 53,506 164,029
સ્પેન 1,673,202 45,511 આંકડા નથી
યુકે 1,643,086 59,051 આંકડા નથી
ઈટાલી 1,585,178 54,904 734,503
આર્જેન્ટિના 1,418,807 38,473 1,249,843
કોલંબિયા 1,308,376 36,584 1,204,452

(આંકડા www.worldometers.info/coronavirus પ્રમાણે છે)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here