જાતિ અસમાનતા:પેરિસ નગર નિગમમાં 60%થી વધુ પદ મહિલાઓને અપાયા, જે પુરુષો સાથે ભેદભાવ; સરકારે 81 લાખ રૂપિયા દંડ ફટકાર્યો

0
9

મેયર એની હિડાલ્ગો સામે એવો આક્ષેપ થઇ રહ્યો છે કે તેઓ દરેક ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીમાં પોતાની ઉમેદવારી મજબૂત કરવા માગે છે.
  • ‘પેરિસ સિટી હૉલ’ સામે જાતિ અસમાનતાનો આક્ષેપ મુકાયો, ટોચનાં 16માંથી 11 પદ પર મહિલાઓ આરૂઢ

દુનિયાભરમાં સ્ત્રીશક્તિને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે પણ ફ્રાન્સની રાજધાની પેરિસમાં આમ કરનારા નગર નિગમ (પેરિસ સિટી હૉલ)ને 90 હજાર યુરો (અંદાજે 81 લાખ રૂપિયા)નો દંડ ફટકારી દેવાયો છે. તેનું કારણ એ છે કે ત્યાં ઉચ્ચ હોદ્દાઓ પર પુરુષોની સરખામણીમાં સ્ત્રીઓને વધુ નોકરી અપાઇ. પેરિસ સિટી હૉલમાં વર્ષ 2018માં 11 મહિલા અને 5 પુરુષની ઉચ્ચ હોદ્દા પર નિમણૂક કરાઇ હતી, મતલબ કે 69% નિમણૂક મહિલાઓની થઇ. આ નિમણૂકોમાં 2013માં ઘડાયેલા એ નિયમની અવગણના થઇ કે જેમાં મહિલાઓને સિવિલ સર્વિસમાં ઉચ્ચ હોદ્દા સુધી બહેતર પહોંચ સુનિશ્ચિત કરવા કાયદો પસાર કરાયો હતો. તે કાયદા મુજબ સ્ત્રી અને પુરુષ બંનેની 40% નિમણૂક જરૂરી છે. ફ્રાન્સમાં આ નિયમ એટલા માટે ઘડાયો કે જેથી કોઇ વિભાગમાં એક જ જાતિના 60%થી વધુ અધિકારી ન હોય. એવો પણ નિયમ છે કે જો કોઇ વિભાગમાં 60%થી વધુ પદ એક જ જાતિ પાસે હશે તો તે વિભાગે દંડ ભરવો પડશે. આ કારણથી જાતિ સંતુલન જાળવી રાખવા દંડ ફટકારાયો છે. જોકે, પેરિસનાં મેયર એની હિડાલ્ગોએ આ દંડ અયોગ્ય ગણાવતાં કહ્યું કે, ‘હું એકાએક નારીવાદી નથી થઇ. હું ડેપ્યુટી મેયર તથા તમામ મહિલા કર્મચારીઓ સાથે મળીને દંડ ભરવા જઇશ. યુરોપના દેશોમાં સૌથી ઉદારવાદી અને બિનસાંપ્રદાયિક હોવા છતાં ફ્રાન્સમાં ઉચ્ચ હોદ્દા પર પુરુષોનો કબજો છે અને મહિલાઓની સહભાગિતા મર્યાદિત છે. વહવટી હોદ્દા પર તો સ્થિતિ વધારે બદતર છે. વર્ષ 2018માં સિવિલ સર્વિસમાં માત્ર 31% મહિલાઓ હતી.’

મેયર સામે આક્ષેપ- મહિલાઓને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રપતિ બનવા માગે છે
મેયર એની હિડાલ્ગો સામે એવો આક્ષેપ થઇ રહ્યો છે કે તેઓ દરેક ક્ષેત્રમાં મહિલાઓને પ્રોત્સાહન આપીને રાષ્ટ્રપતિની આગામી ચૂંટણીમાં પોતાની ઉમેદવારી મજબૂત કરવા માગે છે. તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં ઝંપલાવવાની વાત કરી ચૂક્યા છે. મૂળે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુએલ મૈક્રોં વર્ષ 2017માં સત્તા પર આવ્યા ત્યારે તેમણે વચન આપ્યું હતું કે મહિલા અધિકાર તેમની સરકારના સૌથી મહત્ત્વના મુદ્દા પૈકી એક હશે. જોકે, તે છતાં ફ્રાન્સમાં વર્કપ્લેસ પર મહિલાઓનું પ્રમાણ વધ્યું નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here