કોરોના સામે જંગ : ગુજરાતમાં 9 હજારથી વધુ લોકોને વેન્ટિલેટરની ટ્રેનિંગ અપાશે, રાજ્યના 28 સેન્ટરોમાં તાલીમ અપાશે

0
5
  • કુલ 87 પોઝિટિવ કેસમાંથી 33 વિદેશી તો 46 લોકલ ટ્રાન્સમિશન
  • કુલ 1789 ટેસ્ટ કરાયા જેમાંથી 1698 નેગેટિવ, 87 પોઝિટિવ અને 9 ટેસ્ટ પેન્ડિંગ

ગાંધીનગર : કોરોનાની અપડેટ વિગતો આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, ગુજરાત માટે રાહતના સમાચાર છેકે ગઇકાલ પછી એકપણ નવો પોઝિટિવ કેસ નોંધાયો નથી. જોકે આગામી 4થી પાંચ દિવસ ગુજરાત માટે મહત્વના છે. ગુજરાતમાં અત્યારસુધીમાં 1789 ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી 1693 નેગેટિવ આવ્યા છે. જ્યારે 87 ટેસ્ટ પોઝિટિવ આવ્યા છે અને 9 ટેસ્ટ પેન્ડિંગ છે. 87 પોઝિટિવ કેસમાં 2 દર્દી વેન્ટિલેટર પર છે, 71 દર્દી સ્ટેબલ છે. 7 દર્દી સાજા થયા છે અને 7 દર્દીના મૃત્યુ થયા છે. 9 હજારથી વધુ લોકોને વેન્ટિલેટરની ટ્રેનિંગ આપવામાં આવશે, મેડીકલ કોલેજ ઉપરાંત રાજ્યના 28 સેન્ટરોમાં ટ્રેનિંગ અપાશે.

9 હજારથી વધુ લોકોને વેન્ટિલેટરની ટ્રેનિંગ અપાશે

તેમણે વધુમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ગંભીર દર્દીઓની સારવાર માટે તમામ વિભાગો થઇને સરકારી હોસ્પિટલોમાં 1061 વેન્ટિલેટર છે જ્યારે ખાનગી હોસ્પિટલોમાં 1700 જેટલા વેન્ટિલેટર છે. રાજ્યમાં 9 હજારથી વધુ લોકોને વેન્ટિલેટરની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. રાજ્યની મેડીકલ કોલેજોમાં ડોક્ટરો અને પેરામેડીકલ સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. પહેલી બેન્ચમાં 738 આરોગ્યકર્મીઓને તાલીમ આપવામાં આવી છે. રાજ્યના બીજા 28 સેન્ટરોમાં પણ તાલીમ શરૂ કરવામાં આવી છે. જ્યાં 1400 જેટલા આરોગ્યકર્મીઓને વેન્ટિલેટર કેરની તાલીમ આપવામાં આવી છે.

રાજ્યમાં 46 લોકલ ટ્રાન્સમિશન કેસ નોંધાયા, સાતમાંથી 3 લોકલ સંક્રમિત દર્દીના મોત

રાજ્યમાં 87 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 33 જેટલા વિદેશી, 46 લોકલ અને 8 આંતરરાજ્ય સંક્રમણના કેસ નોંધાયા છે. જ્યારે 7 મૃતકોમાં 3 લોકલ, 2 વિદેશી અને 2 આંતરરાજ્ય સંક્રમિત દર્દીઓ છે. અમદાવાદમાં 31માંથી 15 વિદેશી, 10 લોકલ અને 6 આંતરરાજ્ય, સુરતમાં 12માંથી  6 લોકલ, 5 વિદેશી અને 1 આંતરરાજ્ય, રાજકોટમાં 10માંથી 7 લોકલ અને 3 વિદેશી, વડોદરા 9માંથી 6 વિદેશી અને 3 લોકલ, ગાંધીનગરમાં 11માંથી 9 લોકલ અને 2 વિદેશી, ભાવનગરમાં 6માંથી 5 લોકલ અને 1 આંતરરાજ્ય, કચ્છમાં 1 કેસ જે વિદેશી સંક્રમણનો છે. મહેસાણામાં 1 લોકલ, ગીરસોમનાથમાં 2માંથી 1 લોકલ અને 1 વિદેશી, પોરબંદરમાં ત્રણેય લોકલ સંક્રમણના કેસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here