લોકસભાની ચૂંટણીમાં થયેલા કારમા પરાજય બાદ કોંગ્રેસમાં રાજીનામાનો દોર ચાલી રહ્યો છે ત્યારે વધુ એક રાજીનામું પડ્યું છે. હવે મુંબઈ કોંગ્રેસ અધ્યક્ષ મિલિંદ દેવડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. સાથે જ તેમણે આગામી વિધાનસભાની ચૂંટણી સુધી શહેરની દેખરેખ માટે ત્રણ વરિષ્ઠ નેતાઓને સામુહિક જવાબદારી આપવાની ભલામણ કરી છે.
આ સાથે જ દેવડા રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય થવા દિલ્હી આવી શકે છે. 26 જૂને નવી દિલ્હીમાં રાહુલ ગાંધી સાથે મુલાકાત બાદ દેવડાએ રાજીનામું આપી દેવાની ઈચ્છા જાહેર કરી હતી. દેવડાની ઓફિસ તરફથી જાહેર કરવામાં આવ્યું છે કે, આ મામલે મલ્લિકાર્જુન ખડગે અને અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના મહાસચિવ કેસી વેણુગોપલને જાણ કરવામાં આવી છે. આ પગલાને રાહુલ ગાંધીના AICCના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યા બાદ એકજુથ અને સામુહિક જવાબદારી સ્વિકારવા તરીકે જોવામાં આવી છે.