જેતપુર : સોની બજારમાં વેપારીની આંખમાં મરચુ છાંટી સોનાના દાગીના અને રોકડ સહિત 40 લાખથી વધુની લૂંટ.

0
0

રાજકોટ જિલ્લાના જેતપુરની સોની બજારમાં આજે ધોરાજીના એક યુવકની આંખમાં મરચું છાંટી સોનાના દાગીના અને રોકડ સહિત 40 લાખથી વધુની લૂંટ ચલાવી 2 શખ્સો ફરાર થઈ ગયા હતા. બંને શખ્સો બાઈક પર આવ્યા હતા અને લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. જો કે સમગ્ર ઘટનાને પગલે પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. પોલીસે શહેરમાં ઠેર ઠેર નાકાબંધી કરી આરોપીને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક પર આવેલા 2 શખ્સોએ લૂંટ ચલાવી

ઘટનાની વિગત અનુસાર સોનાના દાગીના વેચવા આવેલા ચીમન વેકરીયા પર બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી સોનાના દાગીના અને રોકડ સહિત 40 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. જેતપુરના નાના ચોક વિસ્તારમાં રમાકાંત રોડ સોની બજારમાં 2 શખ્સો બાઈક પર આવ્યાં હતા અને સોની યુવકને આંતરી આંખમાં મરચું છાંટી લૂંટ ચલાવી હતી. સમગ્ર ઘટનામાં વેપારી ચીમન વેકરીયાને પગમાં ઈજા થતાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યાં છે.

પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી

બન્ને શખ્સોએ સોની વેપારી પાસેથી અંદાજે 800 ગ્રામ સોનુ અને 2 લાખ રૂપિયા રોકડ સહિત 40 લાખથી વધુની લૂંટ ચલાવી હતી. લૂંટની ઘટનાને કારણે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ ઘટનાની ગંભીરતા લઈને પોલીસ પણ લૂંટનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. નોંધનીય છે કે આ ઘટના અંગેની જાણ થતાં સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને લૂંટારૂઓની ભાળ મેળવવા તજવીજ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here