અમદાવાદ માં વધુ 250 પોઝિટિવ કેસ સાથે રાજ્યમાં સૌથી વધુ 3543 કેસ, મૃત્યુઆંક 185 પર પહોંચ્યો

0
7
  • એક જ દિવસમાં 20 મૃત્યુ થયાની શનિવારે પહેલી ઘટના
  • ચાર દર્દીના મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના એક દિવસમાં થયા
  • 20માંથી 14 મૃત્યુ રેડ ઝોન જાહેર કરેલા જમાલપુર, દાણીલીમડા, ખાડિયા, ગોમતીપુર વિસ્તારમાં થયા

અમદાવાદ. શહેરમાં શનિવારે વધુ 250 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 20 લોકોના મોત થયા છે. અમદાવાદ શહેરમાં જ કુલ 3,543 કેસ નોંધાયા છે. જ્યારે 20 લોકોના મોત થતાં અમદાવાદમાં મૃત્યુઆંક 185 પર પહોંચ્યો છે.

કોરોનાથી શહેરમાં એક જ દિવસમાં સૌથી વધુ 20 મોત

અમદાવાદમાં શનિવારે કોરોનાથી વધુ 20 લોકોના મૃત્યુ થયા હતા. એક જ દિવસમાં 20 મૃત્યુ થયા હોવાની આ પહેલી ઘટના છે. 20માંથી 14 મૃત્યુ રેડ ઝોન જાહેર કરેલા જમાલપુર, દાણીલીમડા, ખાડિયા, ગોમતીપુર વિસ્તારના છે. 20માંથી 8 દર્દીને કોઈ પણ પ્રકારની ગંભીર બીમારી ન હતી. માત્ર કોરોનાના કારણે જ તેમના મૃત્યુ થયા હતા. શહેરમાં કોરોનાના કારણે મોત થતા હોવાનો આંકડો પણ દિન-પ્રતિદિન વધતો જાય છે. ત્રણ દિવસથી મૃત્યુનો આંકડો 15થી ઉપર આવતા આરોગ્યતંત્રમાં ચિંતા વધી છે.

દાખલ થયાના એક જ દિવસમાં 4 દર્દીના મોત

કુલ 20 મૃત્યુમાંથી ચાર દર્દીના મૃત્યુ હોસ્પિટલમાં દાખલ થયાના એક દિવસમાં થયા છે. 7 દર્દી એવા છે જેમને પાંચ કે તેથી વધુ દિવસ સુધી હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી તેમના મૃત્યુ થયા છે. અન્ય કિસ્સામાં બે કે ત્રણ દિવસની ટૂંકી સારવારમાં દર્દીના મોત થયા છે. એક દિવસમાં મૃત્યુ થયા છે તેમાં ત્રણ દર્દીના મોત માત્ર કોરોનાના કારણે થયા છે જયારે એક દર્દીને અન્ય બિમારી ઉપરાંત કોરોનાને કારણે તેનું મૃત્યુ થયું હતું. 20 મોતમાંથી જમાલપુર વોર્ડમાં 7 લોકોના મૃત્યુ થયા. જેમાં 16 વર્ષીય કિશોરીનો સમાવેશ થાય છે જેને કોરોના ઉપરાંત અન્ય ગંભીર બીમારી હતી. ખાડિયામાં બે લોકોના મોત જયારે નારણપુરામાં પણ એકનું મોત થયું હતું.

વધુ ત્રણ કોવિડ હેલ્થ સેન્ટર શરૂ કરાયા, 300 બેડ વધશે

અમદાવાદમાં ચિંતાજનક રીતે વધી રહેલા કોરોનાના કેસ સામે હોસ્પિટલોની ક્ષમતા ધીમે ધીમે વધારાઈ રહી છે. રેડ ઝોનમાં આવતા ગોમતીપુર, જમાલપુર અને બહેરામપુરામાં નવા કોવિડ હેલ્થ સેન્ટર વિનામૂલ્યે શરૂ કરાયા છે. ગોમતીપુરમાં ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલ, જમાલપુરમાં છીપા કોમ્યુનિટી સેન્ટરમાં, બહેરામપુરામાં મ્યુનિ. સંચાલિત ચેપી હોસ્પિટલમાં 100 બેડ તૈયાર કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here