ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજે રચ્યો ઈતિહાસ, રનચેજ કરતાં બનાવ્યા સૌથી વધુ રન

0
10

ભારતીય વિમેન્સ ક્રિકેટ ટીમની સુકાની મિતાલી રાજના શાનદાર પ્રદર્શનની મદદથી ભારતે અહીં રમાયેલી બીજી વન-ડે મેચમાં સાઉથ આફ્રિકાને પાંચ વિકેટે હરાવીને ત્રણ મેચની શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી હતી. આ મેચમાં મિતાલી રાજે વિમેન્સ ક્રિકેટમાં એક નવો રેકોર્ડ નોંધાવ્યો હતો. તેણે રનચેઝ કરતી વખતે વન-ડે ક્રિકેટમાં વ્યક્તિગત ૩૦૦૦ રન પૂરા કરનાર પ્રથમ મહિલા ક્રિકેટ બનવાની સિદ્ધિ મેળવી હતી. મિતાલી પહેલા વિશ્વની કોઇ પણ મહિલા ક્રિકેટર આ સિદ્ધિ મેળવી શકી નથી.

સાઉથ આફ્રિકન ટીમે બીજી વન-ડેમાં પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં છ વિકેટે 247 રનનો સન્માનજનક સ્કોર નોંધાવ્યો હતો. પ્રવાસી ટીમ માટે વોલવાર્ટે સર્વાધિક 69 રનનું યોગદાન આપ્યું હતું. ભારતને વિજય માટે 248 રનનો લક્ષ્‍યાંક મળ્યો હતો જેને યજમાન ટીમે 48 ઓવરમાં પાંચ વિકેટના ભોગે હાંસલ કરી લીધો હતો. ભારત માટે પૂનમ રાઉતે 65 તથા મિતાલીએ આઠ બાઉન્ડ્રી વડે 66 રન બનાવ્યા હતા.

મિતાલીની વન-ડે કારકિર્દી શાનદાર રહી છે. તેણે ભારત માટે અત્યાર સુધીમાં કુલ 205 મેચ રમી છે. જેમાં તેણે 51.49ની એવરેજથી કુલ 6979 રન બનાવ્યા છે. વન-ડે ક્રિકેટમાં તેના નામે સાત સદી નોંધાયેલી છે. તેણે વન-ડેમાં કુલ 53 અડધી સદી પણ નોંધાવી છે. મિતાલીનો વન-ડેમાં હાઇએસ્ટ સ્કોર અણનમ 125 રનનો રહ્યો છે. જે તેણે શ્રીલંકા સામે 2018ની 16મી સપ્ટેમ્બરે નોંધાવ્યો હતો. મિતાલીએ 1999ની 26મી જૂને વન-ડે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને આયરલેન્ડ સામેની પ્રથમ મેચમાં જ તેણે અણનમ 114 રન બનાવ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here