MOTHER DAYS : પાટડીના નગવાડાની અશિક્ષિત માતાએ એક દીકરીને પોલીસ તો બીજીને નર્સ બનાવી

0
70

પાટડી: માં માટે એવુ કહેવાય છે કે એને જોઇને મુશ્કુરાવો, શી ખબર કિસ્મતમાં ચાર ધામ યાત્રા છે કે કેમ ? આ વાત પાટડી તાલુકાના નગવાડા ગામેં રહેતી અભણ રબારી માતાની છે કે જેણે પેટે પાટા બાંધી પોતાની બન્ને દિકરીઓને ભણાવી-ગણાવીને એક દિકરીને પોલીસ અને બીજી દિકરીને નર્સ બનાવી આખા સમાજને મધર્સ-ડેના દિવસે સરસ સંદેશો પાઠવ્યો છે.

આ વાત પાટડી તાલુકાના નગવાડા ગામની અભણ રબારી માતા રૂખી બહેનની છે. જેણે પોતે અશિક્ષિત હોવા છતાં જીવનમાં ડગલેને પગલે કષ્ટો સહન કરીને પોતાની બન્ને દીકરીઓને ભણાવી-ગણાવી પગભેર બનાવી છે. આજે એ અભણ માતાને એમના સંઘર્ષના મીઠા ફળ ચાખવા મળ્યાં છે. નગવાડાના રૂખી બહેન રબારીની બન્ને દીકરીઓમાંની એક દીકરી કંકુની રાજ્ય પોલીસ કોન્સ્ટેબલ તરીકે પસંદગી પામી ફરજ બજાવી રહી છે. અને બીજી દીકરી મનીષાને નર્સ તરીકેની સરકારી નોકરી મળી છે.

પોતાની બન્ને વ્હાલ સોયી દીકરીઓને ભણાવી ગણાવીને પગભેર કરનાર માતા રૂખી બહેન જણાવે છે કે, મેં મારી બન્ને દીકરીઓને પ્રાથમિક શાળાથી આગળ ભણાવવા ગાંધીનગર અને પાટણ હોસ્ટેલમાં મોકલવાની વાત કરી ત્યારે શરૂમાં પરિવારજનો મારા વિચાર સાથે સહમત ન હતા. આમ છતાં મેં ધીરજથી વિચારી દીકરીઓને ભણાવી-ગણાવીને પગભેર બનાવવાની જીદ ન છોડી. આજે રૂખીબેન રબારીની બન્ને હોનહાર દીકરીઓમાંથી 20 વર્ષની દીકરી કંકુ પોલીસ કોન્સ્ટેબલ અને મોટી દીકરી 21 વર્ષની મનીષા સરકારી નોકરીમાં નર્સ તરીકે પસંદગી પામી છે.

આ અંગે નગવાડાના રૂખીબેન રબારીની નાની દીકરી કંકુ જણાવે છે કે, અમારી માતાએ પેટે પાટા બાંધીને અમારા ભણતર માટે રૂ. 5 લાખનો ખર્ચો કર્યો છે. નગવાડામાં અમારા આજુબાજુમાં રહેતા પાડોશીઓએ તો પાકા મકાન પણ બનાવી લીધા છે, જ્યારે અમેં હજી પણ લિંપણવાળા ઘરમાં રહીએ છીએ. અને એનાથી અમને કાંઇ જ ફરક નથી પડતો. કારણ કે અમારા જીવનનો પાયો શિક્ષણ થકી ખુબ મજબુત બન્યો છે. આ બન્ને રબારી દીકરીના પિતાનું નામ રઘુભાઇ વણાભાઇ છે એમને બન્ને પગે ચાલવામાં તકલીફ હોવાથી માતાએ પોતાની બન્ને દિકરીઓને ભણાવી ગણાવીને પગભેર બનાવી સમાજમાં એક દાખલો બેસાડ્યો છે. આજે ‘મધર્સ ડે’ દિને બન્ને દીકરીઓને શિક્ષણ થકી પગભેર બનાવનાર અશિક્ષિત રબારી માતાને દિલથી સલામ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here