શ્રદ્ધાંજલિ : પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાના નિધનથી સૌરાષ્ટ્રમાં શોક, વિસાવદર માર્કેટિંગ યાર્ડ બંધ.

0
5

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુબાપાનું ગઈકાલે નિધન થતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના લોકોમાં શોકની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આજે વિસાવદર માર્કેટિંગ યાર્ડ બંધ રહેશે. વિસાવદર અને ભેંસાણની બજારમાં કેટલાક વેપારીઓએ દુકાનો બંધ રાખી છે. સાથે જ ગામમાં શોકસભાનું આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી તેઓ કરોડો લોકોના આસ્થાનું કેન્દ્ર એવાં સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટમાં ટ્રસ્ટી અને પછી અધ્યક્ષ તરીકે કાર્યરત હતાં. ત્યારે ગઈકાલે સોમનાથમાં વેપારીઓએ સ્વૈચ્છિક બંધ પાળ્યો હતો.

16 વર્ષના અધ્યક્ષપદ દરમિયાન સોમનાથમાં અનેક વિકાસના કામો થયા છે

કેશુબાપાના નિધનના સમાચાર મળતાંજ સોમનાથ મંદિર પાસેની બજારો સ્વયંભૂ બંધ થઇ ગઇ હતી. કેશુબાપા તા. 1 માર્ચ 1999 માં સોમનાથના ટ્રસ્ટી બન્યા બાદ 2004 થી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષ બન્યા. તાજેતરમાં છેલ્લે સોમનાથ ટ્રસ્ટની વર્ચ્યુઅલ બેઠકમાં પણ તેમને ફરી અધ્યક્ષ બનાવાયા હતા. તેમના 16 વર્ષના અધ્યક્ષપદ દરમ્યાન સોમનાથમાં અનેક વિકાસના કામો થયા છે. જેમાં સોમનાથ મંદિર સુવર્ણજડિત બનાવવા સુવર્ણ કળશ યોજના હાલમાં કાર્યરત છે.

કેશુબાપા 1995માં વિસાવદરથી ચૂંટણી લડ્યા બાદ પ્રથમ વખત CM બન્યા હતા

વિસાવદર બેઠક સુરક્ષિત જણાતા કેશુબાપા આ બેઠક પર સૌથી વધુ વખત ચૂંટણી લડ્યા છે અને જીત્યા પણ છે. ત્યારે કેશુબાપાના નિધનથી આજે વિસાવદર અને ભેંસાણમાં કેટલાક વેપારીઓએ બંધ પાળ્યો છે. કેશુબાપા મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નામનું વિસાવદરમાં સૌપ્રથમ યાર્ડ બનાવવામાં આવ્યું હતું. વિસાદવદરમાં કેશુબાપાના કામને લોકો વાગોળી રહ્યાં છે. કેશુબાપા સાથે રહેલા વિસાવદર નગરપાલિકાના સદસ્ય વિશાલ માંગરોળિયાએ જણાવ્યું હતું કે, રોણકી ગામમાં કાળિયા નામના ગુંડાને પડકારી ખોખરા કરતા બાપાએ લોકોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. મહત્વનું છે કે કેશુભાઇ પટેલ 1995માં વિસાવદરથી ચૂંટણી લડ્યા બાદ પ્રથમ વખત CM બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here