રાજ્યસભા રમખાણ : કૉંગ્રેસના ધારાસભ્યોને અમદાવાદ કે ગાંધીનગર ફાર્મ હાઉસ કે હોટેલમાં ખસેડવાની હિલચાલ શરૂ

0
20

અમદાવાદ. ગુજરાતમાં 19 જૂને યોજાનારી 4 બેઠકની રાજ્યસભાની ચૂંટણીનો જંગ નજીક આવી રહ્યો છે ત્યારે કૉંગ્રેસ પોતાના ધારાસભ્યોને હવે ગાંધીનગર નજીક ખસેડવાની હિલચાલ કરી રહી છે, જેમાં કૉંગ્રેસના તમામ બાકી બચેલા ધારાસભ્યોને અમદાવાદ કે ગાંધીનગર નજીક ફાર્મ હાઉસ અથવા હોટેલમાં રાખવાની તૈયારી શરૂ કરી દીધી છે. તેમજ ત્યાંથી સીધા જ મતદાન માટે મોકલવાની વ્યૂહરચના ગોઠવી છે.

કોંગ્રેસના વધુ ધારાસભ્યોને રાજીનામા અપાવવા ભાજપનો વ્યૂહ
કોંગ્રેસના ધારાસભ્યોને છેલ્લા દસ દિવસથી અલગ અલગ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે, ત્યારે હવે ચૂંટણી નજીક આવતા જ ધારાસભ્યોને સાંજ સુધીમાં અમદાવાદ કે ગાંધીનગર નજીક ફાર્મ હોઉસ કે હોટલમાં લઈ જવામાં આવશે, તો ભાજપ પણ કોંગ્રેસના વધુ ધારાસભ્યો અધ્યક્ષ પાસે પહોંચી જાય અને વિધાનસભામાંથી રાજીનામા આપી તેવી વ્યૂહરચના ગોઠવી રહ્યો છે.

રાત સુધીમાં અમદાવાદ કે ગાંધીનગર પહોંચશે, મતદાનની તાલીમ પણ અપાશે
આજ રાત સુધીમાં આ ધારાસભ્યો અમદાવાદ કે ગાંધીનગર પહોંચી જાય તેવી શક્યતા છે. જ્યાં આ ધારાસભ્યોને રાજ્યસભાના ચૂંટણીના મતદાન અંગેની તાલીમ અપાશે. કોંગ્રેસ પાસે 65 ધારાસભ્ય છે અને અપક્ષ જીજ્ઞેશ મેવાણીના મતથી કુલ 66 મત છે. જ્યારે બે બેઠક જીતવા માટે કોંગ્રેસને 70 મતોની જરૂ૨ છે તેમ છતાં જે રીતે પક્ષ દ્વારા વધુ ધારાસભ્યો તૂટે નહી તેની સાવચેતી રાખી રહી છે.