ફિલ્મ રિવ્યૂ : ‘ગુલાબો સિતાબો’માં મિર્ઝાના રોલમાં અમિતાભ બચચ્ચન અને બાંકેના પાત્રમાં આયુષ્માન છવાયો

0
14
ફિલ્મ રિવ્યૂ ગુલાબો સિતાબો
રેટિંગ 3.5
સ્ટાર કાસ્ટ અમિતાભ બચ્ચન, આયુષ્માન ખુરાના
ડિરેક્ટર શૂજીત સરકાર
પ્રોડ્યૂસર રોની લહિરી, શીલ કુમાર
સંગીત અભિષેક અરોરા, અનુજ ગર્ગ
જોનર કોમેડી ડ્રામા

 

કુંદન શાહની ફિલ્મ ‘જાને ભી દો યારો’ હોય કે પછી સાંઈ પરાંજપેની કથા તથા ઋશિકેશ મુખર્જી તથા બાસુ ચેટર્જીની શૈલી પર આધારિત ફિલ્મમાં પાત્રોના નસીબ ખરાબ જ હોય છે. તેઓ ગમે તે કરે તેમને નસીબનો માર પડતો રહેતો હોય છે. ડિરેક્ટર શૂજિત સરકારે આ પહેલાં કોમેડી ફિલ્મ ‘વિકી ડોનર’ બનાવી હતી. આ વખતે તેમણે સટાયર પર હાથ અજમાવ્યો છે. લખનઉના બેકડ્રોપ પર આધારિત આ ફિલ્મમાં તેમણે કેટલાંક પાત્રોના જીવનમાં ડોકિયું કરવાનો પ્રયાસ કર્યો છે. આ પાત્રોની મુશ્કેલીઓ આપણને એક સમયે હસાવે છે તો બીજી જ ક્ષણે આપણને રડાવી પણ દે છે.

ફિલ્મની વાર્તા લખનઉમાં સેટ છે. એક સમયે આ નવાબી નગરી હતી અને તેનો આગવો જ ઠાઠ હતો. હવે તો અહીંયા માત્ર ખંડેર છે. આના પર સરકાર, તેમાં રહેતા ભાડુઆત તથા સિસ્ટમ બધાની મેલી નજર છે. આવો જ એક ખંડેર ફાતિમા મહેલ છે. આની માલકિન બેગમ છે. તેણે પોતાનાથી 17 વર્ષ નાના મિર્ઝા સાથે લગ્ન કર્યાં છે. બાંકે ભાડુઆત છે. તે પોતાની બહેન ગુડ્ડુ તથા માતા સાથે રહે છે. 30 રૂપિયા મહિનાનું ભાડું છે પરંતુ તે એ પણ આપી શકતો નથી. આ જ કારણે મિર્ઝાને બાંકે સાથે બનતું નથી.

આગળ જઈને પરિસ્થિતિ એવી બને છે કે તે મહેલને લેવા માટે પુરાતત્વ વિભાગનો અધિકારી શુક્લા આવે છે. મિર્ઝા પોતાની પત્ની ક્યારે મરે તેની રાહ જોતો હોય છે. તે વિચારતો હોય છે કે પત્ની મરે તો ફાતિમા મહેલ તેના નામે થઈ જાય. વકીલ પણ મદદ માટે તૈયાર છે. તો આ બાજુ બાંકે પણ શુક્લા તથા પ્રોપર્ટી ડીલર સાથે મળીને એક ષડયંત્ર રચતો હોય છે. તમામ પાત્રો એકબીજા સામે લડવામાં વ્યસ્ત છે. આથી જ ફિલ્મનું ટાઈટલ ‘ગુલાબો સિતાબો’ રૂપક તરીકે લેવામાં આવ્યું છે. અહીંયા બધા જ એકબીજાથી વધારે ચાલાક બનવાનો પ્રયાસ કરે છે પરંતુ અંતે તો બધાની ચતુરાઈ ખુલ્લી પડી જાય છે અને કોઈ બીજું જ જીતી જાય છે, જેમ બે વાંદરાની લડાઈમાં બિલાડી ફાવી જાય તેવું જ કંઈક અહીંયા છે. કુંદન શાહની ‘જાને ભી દો યારો’માં નસીરુદ્દીન શાહ તથા રવિ વાસવાણીના પાત્રો સાથે જેવું બને છે, તેવી થોડીક સમાનતા ‘ગુલાબો સિતાબો’ના પાત્રોમાં પણ જોવા મળે છે.

આખી ફિલ્મમાં મિર્ઝા તથા બાંકેની લડાઈ જોવા મળે છે. ટોમ એન્ડ જેરી જેવા સંબંધો આ બંને વચ્ચે છે. અમિતાભ તથા આયુષ્માને પોતાનો રોલ આત્મસાત કર્યો છે. બંને પોત-પોતાના પાત્રોમાં ડૂબી ગયા છે. મિર્ઝા વાંકો વળીને ચાલે છે, અવાજ બદલીને વાત કરે છે અને ગુસ્સામાં રહે છે, અમિતાભે આ ફિલ્મમાં જે રીતે પાત્ર ભજવ્યુ છે, તે બતાવે છે કે તે સદીના મહાનાયક કેમ છે. બાંકે તથા મિર્ઝાની આર્થિક પરિસ્થિતિને કોસ્ચ્યુમ ડિઝાઈનરે પ્રોસ્થેટિક મેકઅપથી અસરકારક બતાવી છે. બાંકેની બહેન ગુડ્ડુના રોલમાં સૃષ્ટિ શ્રીવાસ્તવ, બેગમ બનેલા ફારુખ ઝફર, વકીલના રોલમાં બૃજેન્દ્ર, પુરાતત્વ વિભાગના અધિકારી વિજય રાજ તથા અન્ય તમામ કલાકારોએ સારું કામ કર્યું છે. બાંકેની પ્રેમિકા ફોજિયા છે. આ રોલ ન્યૂ કમર પૂર્ણિમા શર્માએ પ્લે કર્યો છે.

રાઈટર જૂહી ચતુર્વેદી તથા ડિરેક્ટર શૂજીત સરકાર પોતાના પાત્રો પ્રત્યે અનાસક્ત છે. તેમણે પાત્રો પ્રત્યે નરમાઈ દાખવી નથી. પાત્રોના જે પણ એજન્ડા છે, તે પૂરા કરવા દીધા છે. ગીતો ‘સંજૂ’ ફૅમ પુનીત શર્મા, વિનોદ દુબેએ લખ્યાં છે. સાત વર્ષ પહેલાં ડેબ્યૂ કરનાર કમ્પોઝર અભિષેક અરોરાને તક આપવામાં આવી છે.

જૂહી ચતુર્વેદીએ ફિલ્મમાં બહુ બધા ટ્વિસ્ટ તથા ટર્ન આપ્યા નથી. ફિલ્મ ક્યાંક ક્યાંક કંટાળાજનક બને છે. કેટલાંક પાત્રો તથા પ્રસંગ રિપીટ થતાં હોય એમ લાગે છે. મિર્ઝા, બાંકે, બેગમ, ગુડ્ડુ તથા અન્ય પાત્રો વચ્ચેની જુગલબંદી રસપ્રદ છે. આ તમામને કઠપૂતળીની જેમ નચાવનારનો ફિલ્મના અંતે ખુલાસો થાય છે અને તે દર્શકો માટે સરપ્રાઈઝ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here