Sunday, November 28, 2021
Homeમુકેશ અંબાણીએ 2021માં 5G શરૂ કરવાનો સંકેત આપ્યો, 2G વાપરતા 30 કરોડ...
Array

મુકેશ અંબાણીએ 2021માં 5G શરૂ કરવાનો સંકેત આપ્યો, 2G વાપરતા 30 કરોડ લોકોને ઝડપી અને સસ્તુ ઈન્ટરનેટ આપવાનું લક્ષ્ય

મુકેશ અંબાણીએ ભારતમાં વર્ષ 2021ના ઉત્તરાર્ધ એટલે કે બીજા ભાગમાં 5G ટેલિકોમ સેવાઓ શરૂ કરવાના સંકેત આપ્યા છે. તેમણે કહ્યું હતું કે, દરેકને પોસાય તેવી અને બધે જ ઉપલબ્ધ હોય તેવી અલ્ટ્રા-હાઇ-સ્પીડ 5G સેવાઓ ઝડપથી શરૂ કરવા માટે નીતિ વિષયક પગલાં લેવા જરૂરી છે. 2G વાપરતા 30 કરોડ લોકોને ઝડપી અને સસ્તુ ઈન્ટરનેટ આપવાનું જિયોનું લક્ષ્ય છે.

નિઃશુલ્ક વોઇસ કોલિંગ અને અત્યંત ઓછા ભાવે ડેટા પૂરો પાડતા નંબર વનનું સ્થાન પ્રાપ્ત કરનાર ચાર વર્ષ જૂના ટેલિકોમ સાહસ જિયોના પ્રણેતા અંબાણીએ ભારતમાં હાર્ડવેર મેન્યુફેક્ચરિંગ વિકસાવવાની પણ હિમાયત કરતાં કહ્યું કે, આટલા વ્યુહાત્મક ક્ષેત્રમાં દેશ માત્ર આયાત પર નિર્ભર રહી ન શકે. 5G પાંચમી પેઢીનું એવું મોબાઇલ નેટવર્ક છે કે જે મશીન, વસ્તુઓ અને ડિવાઇસિઝ સહિતની તમામ વસ્તુઓને સાંકળીને ઉપયોગકર્તાને કનેક્ટ કરે છે.

તેમણે એમ પણ કહ્યું કે, ભારત આજે વિશ્વના શ્રેષ્ઠ ડિજિટલી કનેક્ટેડ દેશોમાં સ્થાન ધરાવે છે. આગળ પડતી આ ભૂમિકાને બરકરાર રાખવા માટે, દરેકને પોસાય તેવી અને સર્વત્ર ઉપલબ્ધ હોય તેવી 5G સેવાઓ ઝડપથી શરૂ કરવા માટે નીતિ વિષયક પગલાં ઝડપથી લેવા જરૂરી છે, તેમ જણાવી તેમણે ઉમેર્યું હતું કે, હું આશ્વાસ્ત કરું છું કે વર્ષ 2021ના ઉત્તરાર્ધમાં ભારતમાં 5Gની ક્રાંતિમાં જિયો અગ્રેસર રહેશે.

જિયોની 5G સેવાઓ સ્વદેશમાં વિકસિત નેટવર્ક, હાર્ડવેર અને ટેક્નોલોજી ઉપકરણોથી સશક્ત બનશે. જિયોની 5G સેવા આત્મનિર્ભર ભારતની તમારી પ્રેરણાદાયક દૃષ્ટિની સાક્ષી હશે. જિયો અને ભારતી એરટેલ તથા વોડાફોન આઇડિયા જેવા સર્વિસ પ્રોવાઇડરો હાલ 4G સેવાઓ પૂરી પાડી રહ્યા છે. એ ઉપરાંત ભારતમાં હજી પણ માત્ર વોઇસ કોલિંગ અને ટેક્સ્ટ મેસેજ પૂરતી મર્યાદિત 2G સેવાઓ પણ ચાલુ છે.

30 કરોડ જેટલા મોબાઇલ ગ્રાહકો હજી પણ 2G યુગમાં અટવાયેલા છે. આ વંચિત લોકો પોસાય તેવો સ્માર્ટફોન મેળવી શકે તે માટે તાત્કાલિક નીતિ વિષયક પગલાં લેવા જરૂરી બન્યા છે, જેનાથી આ લોકોને વિવિધ સરકારી સહાય સીધી તેમના બેન્ક એકાઉન્ટમાં મળે તથા ડિજિટલ ઇકોનોમીમાં તેઓ સક્રિય રીતે હિસ્સો લઈ શકે. ભારતમાં આજે એક અબજથી વધુ ફોન યુઝર્સ છે. અંબાણીની કંપની ન્યુનતમ કિંમતમાં સ્માર્ટફોન ઓફર કરે છે જેમાં ઇન્ટરનેટનો ઉપયોગ પણ કરી શકાય છે.

તેમણે વધુમાં જણાવ્યુ હતું કે હું તમને અત્યંત આત્મવિશ્વાસ સાથે કહી શકું છું કે 5G ભારતને માત્ર ચોથી ઔદ્યોગિક ક્રાંતિમાં ભાગ લેવા માટે જ સક્ષમ નહીં બનાવે, પરંતુ સાથે સાથે તેનું નેતૃત્વ કરવા પણ સક્ષમ બનાવશે. ભારતીય અર્થતંત્ર અને ભારતીય સમાજનું ડિજિટલાઇઝેશન ઝડપ પકડશે તે સાથે ડિજિટલ હાર્ડવેરની માંગમાં પણ પ્રચંડ વધારો થશે. દેશના આવા વ્યુહાત્મક ક્ષેત્રમાં આપણે મોટાપાયે આયાત પર આધાર રાખી શકીએ નહીં, તેમ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર અંબાણીએ જણાવ્યું હતું.

વિશ્વની અનેક અગ્રણી કંપનીઓ ભારતમાં તેમની મેન્યુફેક્ચરિંગ ફેસિલિટીઝ સ્થાપવા માટે આવી રહી હોવાનું જણાવી તેમણે કહ્યું કે, સસ્તી ડિઝાઇન તૈયાર કરવામાં ભારતે વિશ્વ સ્તરની ક્ષમતા હાંસલ કરી લીધી છે. ભારતને અદ્યતન સેમિકન્ડક્ટર ઉદ્યોગમાં અગ્રણી દેશ બનતાં હું જોઈ શકું છું, તેમ જણાવી ઉમેર્યું હતું કે, આ ક્ષેત્રના તમામ હિસ્સેદારો જ્યારે ભેગા મળશે ત્યારે ચોક્કસપણે જેમ સોફ્ટવેરમાં ભારત સફળ છે તેમ હાર્ડવેરમાં પણ સફળતા સુનિશ્ચિત કરી શકાશે.

જિયો પ્લેટફોર્મ્સે તેના 20 સ્ટાર્ટ-અપ પાર્ટનરના પરિવાર સાથે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ક્લાઉડ કમ્પ્યુટિંગ, બિગ ડેટા, મશીન લર્નિંગ, ધ ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને બ્લોકચેઇન જેવા ક્ષેત્રે વિશ્વ સ્તરની ક્ષમતાઓ હાંસલ કરી છે. અમે શિક્ષણ, સ્વાસ્થ્ય, કૃષિ, માળખાગત સુવિધાઓ, નાણાકીય સેવા ક્ષેત્ર અને ન્યૂ કોમર્સ ક્ષેત્રે ઘરઆંગણે સુવિધાજનક ઉકેલો તૈયાર કરી રહ્યા છીએ. આ તમામ સુવિધાજનક ઉકેલો ભારતમાં તેમની કાર્યક્ષમતા સાબિત કરી લેશે એટલે વૈશ્વિક પડકારો હલ કરવા માટે સમગ્ર દુનિયાને પૂરા પાડવામાં આવશે.

અંબાણીએ કહ્યું હતું કે, જીવન નિર્વાહની સરળતા ઊભી કરી વિશ્વનો સૌથી આધુનિક ડિજિટલ સમાજ બનવા માટે ભારત પાસે ઐતિહાસિક તક છે. મને દૃઢ નિશ્ચય ડિજિટલ ટેક્નોલોજીની પ્રચંડ અને પરિવર્તનશીલ ક્ષમતામાંથી મળ્યો છે.

તેમણે એમ પણ જણાવ્યું કે, ભારત પાસે બે અનોખી ક્ષમતાઓ છે, પહેલી વાઇબ્રન્ટ ડેમોક્રસી, યંગ ડેમોગ્રાફી અને ડિજિટલ ટ્રાન્સફોર્મેશન એમ થ્રી-ડી તથા બીજી વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું દૂરદર્શી અને ગતિશીલ નેતૃત્વ. જ્યારે કોવિડ-19 મહામારીએ જીવના જોખમ સહિતના પડકારો ઊભા કર્યા ત્યારે 4G હાઇ-સ્પીડ કનેક્ટિવિટીએ તે ભારતની ડિજિટલ લાઇફ-લાઇન છે તે સાબિત કરી આપ્યું છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments