વડોદરા : મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજનાની લોન લેવા લાઇનો લાગી : સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા.

0
6

રાજ્યમાં પ્રથમવાર મુખ્યમંત્રી મહિલા ઉત્કર્ષ યોજના શરૂ કરીને 10 લાખથી વધુ માતાઓ-બહેનોને 0 ટકા વ્યાજે લોન ધિરાણ આપવાની જાહેરાત કરવામાં આવી હતી. જેને પગલે વડોદરા શહેરના નાગરવાડા વિસ્તારમાં આવેલી વોર્ડ નં-8ની વહિવટી ઓફિસ ખાતે લોન લેવા માટે આવેલા લોકોએ સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડાવ્યા હતા.

 

લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો
(લોકોમાં સોશિયલ ડિસ્ટન્સિંગનો અભાવ જોવા મળ્યો)
અધિકારીઓ અને કર્મચારીઓ પણ પોતાની ફરજ પણ ભૂલ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન નિમિત્તે ગરીબ અને મધ્યમ વર્ગને વ્યવસાય કરવા માટે લોન યોજના બહાર પાડી હોવાની વાતો લોકો સુધી પહોંચતા વોર્ડ ઓફિસો ખાતે વહેલી સવારથી લોકો લાઇનમાં ઉભા રહી ગયા હતા, પરંતુ, નાગરવાડા સ્થિત વોર્ડ ઓફિસ ખાતે લાંબી લાંબી કતારો જામી હતી અને લોન લેવાના ચક્કરમાં લોકો કોરોના મહામારી અને સોશિયલ ડિસ્ટન્સિંગને ભૂલ્યા હતા. વડોદરામાં જે રીતે કોરોના કેસો વધી રહ્યા છે, તે જોતા લોકડાઉનને કારણે આર્થિક ભીંસમાં મૂકાયેલા લોકો લોન લેવા આવ્યા ત્યારે કોરોનાની ગાઇડલાઇન ભૂલ્યા હતા, પરંતુ, ઉપસ્થિત અધિકારીઓ અને કર્મચારીઓ પણ પોતાની ફરજ પણ ભૂલ્યા હતા.

 

સ્ટાફ ઓછો હોવાથી સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાયુ નહીં

કોંગ્રેસના સ્થાનિક કોર્પોરેટર ફરીદ કટપીસવાલાએ જણાવ્યું હતું કે, 10 હજાર રૂપિયાની લોન માટે લાઇનો લાગી છે. આ લાઇનો જોઇને પુરવાર થાય છે કે, સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાતુ નથી. ગરીબ લોકો લોન લેવા માટે આવ્યા છે, તેમને રૂપિયા મળવા જોઇએ. પરંતુ સ્ટાફની અછતને કારણે લોકોનું કામ જલદી થતુ નથી અને સોસિયલ ડિસ્ટન્સિંગનું પાલન થતુ નથી. સ્ટાફ વધારીને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવુ જોઇએ.

લોન લેવા માટે મહિલાઓ સહિત લોકોની ભીડ લાગી હતી
(લોન લેવા માટે મહિલાઓ સહિત લોકોની ભીડ લાગી હતી)

 

લોન લેવા માટે આવ્યા છીએ, કલાકોથી ઉભા છીએ

લોન લેવા માટે આવેલી એક મહિલાએ જણાવ્યું હતું કે, લોન લેવા માટે આવ્યા છીએ, કલાકોથી ઉભા છીએ, પણ હજી સુધી કંઇ પ્રક્રિયા થઇ શકી નથી. ઘણા લોકો જતા પણ રહ્યા છે. અમે લાઇન કરીને ઉભા છીએ.