મુકુલ રોય કોલ લીક કેસ : અમિત શાહે કહ્યું- કોણે અને કોની મંજૂરીથી ફોન રેકોર્ડિંગ કરવામાં આવ્યા

0
7

પશ્ચિમ બંગાળ અને આસામમાં શનિવારે પ્રથમ તબક્કાના મતદાન બાદ રવિવારે ગૃહ મંત્રી અમિત શાહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન શાહે ભાજપ સાંસદ મુકુલ રોયનો ઓડિયો લીક થવા બાબતે નામ લીધા વગર મમતા સરકાર પર નિશાન સાધ્યું હતું.

શાહનો દાવો- બંગાળમાં પ્રથમ તબક્કાની 26 બેઠકો જીતીશું

અમિત શાહે કહ્યું કે આસામ અને બંગાળ આ ચૂંટણી પહેલા ચૂંટણી હિંસા માટે જાણીતા રાજ્યો હતા. બંને સ્થળોએ પ્રથમ તબક્કામાં શાંતિપૂર્ણ મતદાન થયું હતું. આવનારા સમય માટે આ શુભ સંકેત છે. શાહે દાવો કર્યો હતો કે ભાજપ બંગાળની પ્રથમ તબક્કાની30 બેઠકોમાંથી 26 બેઠકો જીતશે. શાહે કહ્યું કે બંગાળમાં અમારા મત પણ વધશે અને આપણી બેઠકો પર જીતનો તફાવત પણ વધશે. જ્યારે, આસામમાં 47માંથી ભાજપ 37 બેઠકો પર વિજય મેળવશે.

શાહે કહ્યું કે તેઓ બંગાળમાં વધુ 200 અને આસામમાં પહેલા કરતાં વધુ બેઠકો મેળવીને સરકાર બનાવશે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આસામમાં જે વિકાસ થયો છે, જે રીતે ત્યાની અમારી સરકારે અભૂતપૂર્વ વિકાસ કર્યો છે, તેને લોકોનું મોટું સમર્થન મળી રહ્યું છે. ડબલ એન્જિન સરકારનો કોન્સેપ્ટ આસામની જનતાએ ભાજપના આચરણ દ્વારા સમજી લીધી છે.

ગૃહ મંત્રીએ કહ્યું – દીદીએ બંગાળના લોકોને નિરાશ કર્યા

મમતા બેનર્જી પર નિશાન સાધતાં શાહે કહ્યું કે બંગાળમાં તુષ્ટિકરણ, ઘૂસણખોરી, ભ્રષ્ટાચારની બોલબાલા હતી. કોરોના સામે લડત, અંફાનમાં બેદરકારી, મહિલા સુરક્ષા જેવા મુદ્દાઓ પર જનતા મમતા સરકારથી નિરાશ થઈ છે. 27 વર્ષના લેફ્ટના શાસન બાદ જનતાને દીદી પાસેથી ઘણી આશાઓ હતી, પરંતુ જનતાને નિરાશા જ મળી. મોદીજીના નેતૃત્વમાં અમે જે સોનાર બાંગ્લાનો સંદેશો આપ્યો છે, તેનાથી જનતાની અંદર આશા જાગી છે.

ગૃહમંત્રીએ વધુમાં કહ્યું, ‘હું નંદિગ્રામની જનતાને કહેવા માંગુ છું કે બંગાળમાં પરિવર્તન તેમના હાથમાં જ છે. આમ તો સમગ્ર રાજ્યમાં પરિવર્તનની આવશ્યકતા છે, પરંતુ જો નંદીગ્રામની જનતા સ્વયં નિર્ણય લે તો પરિવર્તન જાતે જ થઈ જશે.’ TMC તરફથી ગેરરીતિના આરોપો અંગે શાહે કહ્યું કે આ બધુ તેમની હારના સંકેત છે. તેમની ફરિયાદ તે નથી કે ગોટાળા થયા છે. તેઓ ફરિયાદ કરે છે કે તેઓ ગોટાળા કરી શકતા નથી.

બંગાળમાં 79.79% અને આસામમાં 72.14% મતદાન

શનિવારે પ્રથમ તબક્કા માટે પશ્ચિમ બંગાળ અને આસામની કુલ 77 બેઠકો પર મતદાન થયું હતું. જેમાં બંગાળની 30 બેઠકો અને આસામની 47 બેઠકો સામેલ છે. ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર બંગાળમાં 79.79% અને આસામમાં72.14% મતદાન નોંધાયું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here