મુંબઇ તા.16 જાન્યુઆરી 2020, ગુરૂવાર
વીર સાવરકર વિશે કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ કરેલા વિધાનની ટીકા કરનારા એક અધ્યાપકને ફરજિયાત રજા પર ઊતારી દેવાના મુદ્દે હોબાળો થયો હતો.
મુંબઇ યુનિવર્સિટીની એકેડેમી ઑફ થિયેટર આર્ટસ્ વિભાગના વડા પ્રોફેસર યોગેશ સોમનને યુનિવર્સિટીએ ફરજિયાત રજા પર ઊતારી દીધા હતા. અત્યારે મહારાષ્ટ્રમાં શિવસેના, એનસીપી અને કોંગ્રેસની સરકાર છે ત્યારે પ્રોફેસર સોમને કરેલી ટીકા શાસક પક્ષથી સહન થઇ નહોતી.
રાહુલ ગાંધીએ વીર સાવરકર વિશે કરેલા વિધાનના સંદર્ભમાં પ્રોફેસર સોમને ફેસબુક પર લખ્યું હતું કે તમે સાવરકર તો નથીજ પરંતુ સાચા ગાંધી પણ નથી રહ્યા…તમારી કોઇ નોંધનીય વેલ્યુજ નથી..
પ્રોફેસર સોમનના ફેસબુક પરના આ નિવેદન પછી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ અને ડાબેરી વિદ્યાર્થી યુનિયન ઓલ ઇન્ડિયા સ્ટુડન્ટ્સ ફેડરેશને પ્રોફેસર સોમન વિરોધી પ્રચાર શરૂ કર્યો હતો. તેમણે પ્રોફેસર સોમનને આરએસએસના સમર્થક અને પોલિટિકલ પ્રવૃત્તિ કરનારા તરીકે વર્ણવ્યા હતા અને તેમની સામે આંદોલન છેડવાની ધમકી ઉચ્ચારી હતી.
મુંબઇ યુનિવર્સિટીએ પ્રોફેસર સોમનને ફરજિયાત રજા પર ઊતારી દીધા હતા.