મહેસાણા : પાલિકાની રવિવારે બજેટ બેઠક, ગત વર્ષે લીધેલા સાત કામો હજુય લટકેલા

0
45

મહેસાણાઃ મહેસાણામાં વિવિધ વિકાસ કામો પાછળ ખર્ચ જોગવાઇનું બજેટ પ્રતિવર્ષ શેર બજારના સેન્સેક્સની ગતિએ ઊંચકાઇ રહ્યુ છે પણ મહત્વના પ્રોજેક્ટ બજેટ જોગવાઇ મુજબ અમલમાં મૂકવામાં પાલિકા કાચબાગતિએ રહ્યુ છે.વર્ષ 2018-19માં વિવિધ કામો પાછળ કુલ રૂ. 191.60 કરોડ, વર્ષ 2019-20માં રૂ. 215.02 કરોડ અને વર્ષ 2020-21 માટે કારોબારીમાં રૂ. 259.03 કરોડ ખર્ચવાનો અંદાજ લગાવાયો છે.સાતેક મહત્વના કામો એવા છે કે હજુ સુધી ન થવાના કારણે રીપીટમાં સતત ત્રીજા વર્ષના બજેટમાં પૂર્ણ કરવા લેવાયા છે.બજેટને કારોબારી પછી હવે રવિવારે સામાન્ય સભામાં પરામર્શ,સુધારા-વધારા સાથે આખરી ઓપ મળશે.

શહેરમાં શુ ડેવલપ થયુ, થઇ રહ્યુ છે :
(1) 4 કરોડની જોગવાઇમાં બિલાડી બાગ સામે હેલ્થકલબ, સ્વિમીગપુલ બની રહ્યો છે
(2) મ્યુનિસીપલ ગ્રાઉન્ડમાં 12 કરોડની જોગવાઇમાં ક્રિકેટ સહિતની રમતોના ગ્રાઉન્ડ બની રહ્યા છે
(3) કસ્બા-શોભાસણ રોડ ટાઉનપ્લાનિગ વિસ્તાર 3,4,5 વર્ષો પછી ખુલ્લો, નવા રોડ 5કરોડની જોગવાઇમાં ડેવલપ થતા વિસ્તાર વિકાસના દ્વાર ખુલશે
(4) પરા તળાવ રમતગમતના સાધનો સાથે ડેવલપ થયુ
(5) હયાત બગીચામાં સુવિધાઓ વધી, નાગલપુર, રાધનપુર રોડ નવા બગીચા થયા
(6) શહેરમાં નવી ટી.પી 6 થી 11 સુધી બનાવા માટે રૂ.30 લાખની ફરી જોગવાઇ, એક વર્ષમાં ટી.પી 6 અને 7માં માપણી સર્વે શરૂ થતા સાયકલ ગતિએ આગળ વધી,બાકીની 8 થી 11માં હજુ એકડોય ઘૂંટાયો નથી.
વર્ષ 2020-21ના બજેટમાં આ પહેલીવાર :
(1) નાળા ફ્રન્ટ રોડ તથા રીવર ફ્રન્ટ બનાવા 5 કરોડની જોગવાઇ, રાધનપુર નાળાથી રામોસણા સુધી રીવરફ્રન્ટની સંભાવના
(2) સીટી -માં પ્રથમ નાગલપુર વિસ્તારમાં આરટીઓ નજીક મુક્તીધામ, કબ્રસ્તાન બનાવા 3 કરોડની જોગવાઇ
(3) ટી.પી 1 થી માંડી 5 સુધીના સ્કીમ વિસ્તારના રીઝર્વ પ્લોટ ડેવલપ કરવા, બગીચા બનાવા રૂ. 1.5 કરોડની જોગવાઇ

સતત ત્રીજા વર્ષે બજેટમાં આ કામો પાલિકાએ રિપિટ કર્યા પણ હજુ થયા નથી

1.સીટી બસ : 3 વર્ષ ટેન્ડરોમાં આવીને રીવર્સ ફરી
વર્ષ 2018-19માં સીટી બસ માટે રૂ. 2.77 કરોડ ફાળવાયા પણ સુવિધા ન થઇ, વર્ષ 2019-20ના બજેટમાં રૂ. 3.72 કરોડની જોગવાઇ થઇ છતાં શહેરીજનોને સીટી બસ ન મળી,હવે વર્ષ 2020-21ના બજેટમાં સીટીબસ માટે રૂ. 2.15 કરોડ થયા.સીટીબસ પાછળ ખર્ચ જોગવાઇના આંકડા ત્રણ વર્ષમાં બદલાયા પણ સુવિધા થઇ નથી.છેલ્લે ટેન્ડર મંજૂરીકક્ષાએ વિવાદોમાં હવે સીટીબસ પ્રક્રિયામાં રીવર્સ ફરી છે.
2.કચરાના પ્રોસેસિંગ પ્લાન્ટ જ કચરામાં
સોલીડ વેસ્ટ મેનેજમેન્ટમાં કચરાનો નિકાલ કરવાની લેન્ડફીલ સાઇડ ડેવલપમેન્ટ, કમ્પાઉન્ડવોલ, ફેન્સીગ તારની વાડ વગેરે પ્રોજેક્ટ માટે વર્ષ 2018-19માં 50 લાખની જોગવાઇમાં કામ ન થયુ, વર્ષ 2019-20માં ખર્ચ જોગવાઇ વધીને 7.50 કરોડ થઇ પણ વ્યવસ્થા ન થઇ,હવે વર્ષ 2020-21ના બજેટમાં 13 કરોડ ફાળવાઇ રહ્યા છે.છેલ્લે ડોર ટુ ડોર કચરા કલેકશન થી માંડી વૈજ્ઞાનિકઢબે કચરાના પ્રોસેસીગ પ્લાન્ટ વગેરેનું ટેન્ડર શરતોના વિવાદોમાં ફરી પ્રક્રિયાના સૂરમાં આવીને પડ્યુ છે.
3.નાગલપુર: 3 વર્ષે ટી.પી.નો એકડોય ન ઘૂંટાયો
મહેસાણા શહેરમાં ભળેલા નવિન ઓજી વિસ્તાર તેમજ નાગલપુરમાં ટાઉનપ્લાનિંગ સ્કીમ બનાવા વર્ષ 2018-19માં 30 લાખ ખર્ચની જોગવાઇ વર્ષ 2019-20ના બજેટમાં પણ દેખાઇ અને હવે આગામી વર્ષ 2020-21ના બજેટમાં તો આ જોગવાઇ બમણી થઇને 60 લાખ થઇ છે પણ હજુ નાગલપુર વિસ્તારમાં ટાઉનપ્લાનિગ સ્કીમનો એકડો પણ ઘૂંટાયો નથી.
4.આરટીઓથી પરા સુધી રીંગરોડ બજેટમાં 2 થી 4 કરોડે પહોચ્યો પણ રીંગરોડ આ વખતે મળશે ખરો
મહેસાણા શહેરમાં ખારીનદી કિનારે નાગલપુર આરટીઓ ઓફીસથી પરા સુધી રીંગ રોડ બનાવા વર્ષ 2019-20ના બજેટમાં 2 કરોડની જોગવાઇ પછી આખુ વર્ષ કોરુ ધારોક નિકળી ગયુ, ફરી આગામી વર્ષ 2020-21માં આ રોડ માટે બમણી રૂ. 4 કરોડની જોગવાઇ કરાઇ છે.વાસ્તવમાં હજુ ડી.પી મંજૂરીની રાહમાં રીંગ રોડ બજેટ આયોજનમાં જ રહ્યો છે.આ વખતે નાગલપુરની પ્રજાને રીંગરોડ મળશે ખરો.
5.નાગલપુર તળાવનો વિકાસ બાકી
નાગલપુર તળાવ ડેવપમેન્ટ પાછળ વર્ષ 2019-20ના બજેટમાં એક કરોડની જોગવાઇ આગામી વર્ષ 2020-21માં વધારીને 3 કરોડની કરાઇ છે.જીયુડીસી દ્વારા સુવરેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ન થતાં ગટરના ગંદા પાણી આ તળાવમાં આવતા હોઇ હજુ સુધી તળાવ નયનરમ્ય બની શક્યુ નથી.
6.હેલ્થ સેન્ટર હજુ વિચારણા હેઠળ
વર્ષ 2019-20ના બજેટમાં અર્બન હેલ્થ સેન્ટર બનાવા બજેટમાં રૂ. 40 લાખ પછી આટલી રકમની જોગવાઇ આગામી વર્ષના બજેટમાં કરાઇ છે.ટી.બી રોડ વિસ્તારમાં હેલ્થ સેન્ટર બનાવાનું આયોજન વિચારાધીન છે પણ હજુ થયુ નથી.
7.ગરીબો માટે આશ્રય સ્થાન કાગળ પર
છત વિહોણાને આશ્રય માટે અર્બન સેલ્ટર હાઉસ બનાવવા વર્ષ 2019-20માં રૂ. 2.75 કરોડની જોગવાઇ કરાઇ હતી પણ ન થયુ, વર્ષ 2020-21ના બજેટમાં રૂ.3 કરોડની જોગવાઇ કરાઇ છે.સુચિત જગ્યા સભામાં અટવાયા પછી હજુ આશ્રય સ્થાન માટે જગ્યા જ નક્કી ન થઈ શકી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here