રાજકોટ: શહેરમાં શનિવારની મોડી રાત્રે હત્યાનો એક બનાવ બન્યો હતો. ભાવનગર રોડ પર મનહરપરામાં રહેતો સતિષ હમીરભાઇ ટોળીયા (ઉ.26) નામનો ભરવાડ યુવાન રાત્રીના ભાવનગર રોડ આરએમસી ઓફિસ પાછળ બેડીપરા શ્રમજીવી સોસાયટી-9માં રહેતાં પોતાના મામી જીતુબેન પ્રતાપભાઇ કારેન્ધાના ઘરે જમવા ગયો હતો. ત્યારે મનહરપરા રામનાથ મંદિર પાસે રહેતાં રાજેશ કિશોરભાઇ ચાવડાએ આવી છરીથી હુમલો કરી ડાબા પડખા તથા જમણા હાથ, કાન પાસે ઘા મારી દેતાં સતિષનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મામી જીતુબેન બચાવવા વચ્ચે પડતાં તેને પણ ડાબા સાથળમાં રાજેશે છરીનો ઘા ઝીંકી દીધો હતો. તેઓને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાયા હતા. પોલીસ તપાસમાં 35 હજારની ઉઘરાણીમાં હત્યાનું જાણવા મળ્યું છે.
સતિષ જીવ બચાવવા ભાગ્યો હતો
પોલીસે જીતુબેન પ્રતાપભાઇ કારેન્ધાની ફરિયાદ પરથી રાજેશ ચાવડા સામે આઇપીસી 302, 324, 452, 504, 135 (1) મુજબ ઘરમાં ગેરકાયદે પ્રવેશ કરી હુમલો કરી હત્યા નિપજાવવાનો અને જીતુબેનને ઇજા કર્યાનો ગુનો નોંધ્યો છે. તપાસમાં ખુલ્યા મુજબ આરોપી રાજેશ હત્યાનો ભોગ બનનાર સતિષ પાસે રૂ. 35 હજાર માંગતો હતો. આ પૈસાની તેણે ઉઘરાણી કરતાં માથાકુટ થઇ હોય અને રાત્રે સતિષ તેના મામી જીતુબેનના ઘરે જમવા આવ્યો હોવાની જાણ થતાં રાજેશ ખુલ્લી છરી સાથે ઘરમાં ઘૂસી ગયો હતો અને તૂટી પડ્યો હતો. હુમલો થતાં સતિષ જીવ બચાવવા ભાગ્યો હતો. પરંતુ પાછળ રાજેશ પણ દોડ્યો હતો. એ પછી જીતુબેનને તેના પતિએ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પાછળથી તેમને ખબર પડી હતી કે સતિષ દોડતો દોડતો બેડીપરા શ્રમજીવી સોસાયટી-1ના ખૂણે બેભાન થઇ પડી ગયો હતો અને મોતને ભેટ્યો હતો.