રહસ્યમય મોત : કાનાબાર પરિવારને કુદરતની બીજી થપાટ, દીકરી નિધી બાદ ખુશ્બુનું પણ વિવાદસ્પદ મોત, 4.5 વર્ષમાં બન્ને દિકરી ગુમાવી

0
36

રાજકોટ: રાજકોટમાં મહિલા એએસઆઇ ખુશ્બુ કાનાબાર અને કોન્સ્ટેબલ રવિરાજસિંહ જાડેજાની રહસ્યમય મોતને આજે પાંચમો દિવસ છે. પરંતુ હજુ સુધી આ કેસ પરથી પોલીસ પડદો ઉંચકી શકી નથી. કાનાબાર પરિવારે રાજકોટ પોલીસ પર અનેક આક્ષેપો કર્યા છે. પરંતુ આ પરિવારને કુદરતની એવી થપાટ લાગી છે કે, સાડા ચાર વર્ષમાં તેને બંને દીકરીઓને ભરજુવાનીમાં ગુમાવી દીધી છે. ખુશ્બુએ આત્મહત્યા કરી છે કે હત્યા છે તે એક તપાસનો વિષય છે. પરંતુ ખુશ્બુની બહેન નિધીએ નવેમ્બર 2014માં જામજોધપુરમાં આત્મહત્યા કરી લીધી હતી. આ આત્મહત્યાની પોલીસ ચોપડે અગમ્ય કારણોસર પગલું ભર્યાની નોંધ થઇ હતી.

નિધીએ ઘઉંમાં નાખવાના ટીકડા ખાઈ લીધા હતા

23 નવેમ્બર 2014ના રોજ સાંજે સાડા આઠ વાગ્યે કોઇ કારણોસર જામજોધપુરમાં આવેલા પોતાના ઘરે ઘઉંમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. ત્યારબાદ તેને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર કારગત ન નીવડતા 24-11-2014ના રોજ બપોરના સવા એક વાગ્યે તેનું મૃત્યુ નીપજ્યું હતું. જો કે, પોલીસ આ બનાવમાં કોઇ ચોક્કસ કારણ શોધી શકી નહોતી અને અગમ્ય કારણોસર આપઘાત કરી લીધાની નોંધ કરવામાં આવી હતી.

કાનાબાર પરિવાર આવાસમાં રહે છે, ખુશ્બુએ પણ આવાસમાં જીવ ગુમાવ્યો

રાજેશભાઇ કાનાબાર જામજોધપુરમાં ભજીયાનો ધંધો કરે છે. એક સામાન્ય પરિવાર છે. તે ત્યાં જલારામ આવાસમાં રહે છે. કરૂણતા એ છે કે, દીકરી ખુશ્બુ પણ રાજકોટના આવાસમાં રહેતી હતી. આ પરિવારે રાજકોટ પોલીસ પર પણ આક્ષેપો કર્યા છે. કાનાબાર પરિવારે પોતાને વળતર નહીં પરંતુ ન્યાય જોઇએ છે તેવી હૈયા વરાળ ઠાલવી હતી. રાજકોટ તાલુકા પોલીસ હજુ સુધી કોઇ તારણ પર આવી નથી. એફએસએલ અને પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવાઇ રહી છે ત્યારે કાનાબાર પરિવારે કરેલા આક્ષેપો અત્યંત ચોંકાવનારા છે અને હકીકતે જો આવું થયું હોય તો બેજવાબદાર પોલીસ અધિકારી સામે પગલાં લેવાવા જોઇએ તેવું પરિવારે જણાવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here