મહેસાણા : બાલાજી હાઇટ્સ ફ્લેટમાં ભેદી આગ, ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરતા પરિવારના દસ્તાવેજ સહિત 2 લાખ રૂપિયા બળી ગયા.

0
3

મહેસાણાના મોઢેરા રોડ પર સ્વામિનારાયણ મંદિરની પાછળ આવેલા બાલાજી હાઇટ્સ ફ્લેટમાં બીજા માળે આવેલા એક મકાનમાં મંગળવારે સવારે ભેદી રીતે લાગેલી આગમાં તિજોરીમાં મૂકેલી રૂ.2 લાખની રોકડ પણ બળીને ખાખ થઇ ગયું હતું. આગની ઘટનાને પગલે ફ્લેટ તેમજ આસપાસના રહીશોમાં ગભરાટ સાથે ભાગદોડ મચી ગઇ હતી. પાલિકાની ફાયર ટીમે આગ ઓલવી હતી. હતી. આ મામલે બી ડિવિજન પોલીસે જાણવા જોગ નોંધ કરી છે. પ્રાથમિક તપાસમાં મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જણાય છે.

મોઢેરા રોડ પર સ્વામિનારાયણ મંદિરની પાછળ બાલાજી હાઇટ્સમાં મકાન નં.203(એ)માં રહેતા ચેતનાબેન નવિનચંદ્ર દવે મંગળવારે સવારે ઘરના બેઠક રૂમમાં બેસીને શાક સમારી રહ્યાં હતાં, ત્યારે બેડરૂમમાંથી ધુમાડો આવતો જોઇ કંઇક સળગ્યું હોવાની આશંકા સાથે તે રૂમમાં ગયા હતા. રૂમમાં તિજોરી સહિતનો સામાન સળગતો જોઇ તાત્કાલિક પાલિકાની ફાયર ટીમ બોલાવી હતી. જ્યારે મકાનમાં લાગેલી આગને કારણે બહાર નીકળતા ધુમાડા જોઇ આસપાસ રહીશો નીચે દોડી ગયા હતા અને લોકો ભેગા થઇ ગયા હતા. ઓસ્ટ્રેલિયા જવાની તૈયારી કરી રહેલાં ચેતનાબેન દવેએ તિજોરીમાં મૂકેલી રૂ.2 લાખ તેમજ અન્ય દસ્તાવેજો આગમાં બળી ગયા હતા. જે અંગે તેમણે બી ડિવિજન પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું જણાઇ રહ્યું છે.

આગનું કારણ હાલ નક્કી ના કરી શકાય

મકાનના એક જ રૂમમાં આગ લાગી છે તે જોતાં શોર્ટ સર્કિટ કારણ છે કે નહીં તે ચોક્કસ કહી શકાય નહીં. રૂમમાં મંદિર પણ હતું અને તેમાં દીવો કરતાં આગ લાગી હોઇ શકે. અહીં વાયરિંગ અંડર ગ્રાઉન્ડ છે માટે શોર્ટ સર્કિટ થવું અશક્ય છે તેમજ રૂમમાં ઇલેકટ્રીક ઉપકરણ પણ નથી. જોકે, પ્લગ ભરાવતાં શોર્ટ સર્કિટ થઇ શકે છે. : હરેશ પટેલ, ફાયર અધિકારી,નગરપાલિકા

તિજોરી પર પડેલા ફટાકડા ફૂટતાં આગની ચર્ચા

આગ લાગી ત્યારે ઘટના સ્થળે હાજર લોકો વચ્ચે ચાલતી ચર્ચા મુજબ, તિજોરી ઉપર ફટાકડા પડ્યા હતા અને તે ફૂટતાં આગ લાગી હોઇ શકે છે.