રાફેલ નડાલે ચોથી વખત જીત્યો US OPEN નો ખિતાબ, 19મો ગ્રાન્ડ સ્લેમ પોતાના નામે કર્યો

0
13

સ્પેનિશ ટેનિસ ખેલાડી રાફેલ નડાલે સોમવારે પોતાનો 19 મો ગ્રાન્ડ સ્લેમ અને ચોથી વખત યુએસ ઓપન ટાઇટલ જીત્યું હતું. આર્થર એશ સ્ટેડિયમ ખાતે યુએસ ઓપનનાં પુરૂષ સિંગલ્સ ફાઇનલમાં નડાલે રશિયાનાં ડેનિલ મેદવેદેવને હરાવ્યો. સ્પેનિશ ખેલાડીએ સાડા ચાર કલાકની જહેમત બાદ રશિયન ખેલાડીને 7-5, 6-3, 5-7, 4-6, 6-4થી હરાવ્યો. નડાલ હવે રોજર ફેડરરનાં તમામ સૌથી વધારે 20 ગ્રાન્ડ સ્લેમ ટાઇટલથી માત્ર એક પગથિયુ પાછળ છે.

નડાલે ફ્રેન્ચ ઓપનમાં 12 ટાઇટલ જીત્યા છે. વિમ્બલ્ડનમાં પણ બે જ્યારે ઓસ્ટ્રેલિયન ઓપનમાં એક જીત્યો હતો. યુએસ ઓપનમાં તેનું આ ચોથું ટાઇટલ હતું. ડાબા હાથથી ટેનિસનું રેકેટ પકડનાર નડાલે શરૂઆતમાં રશિયન યુવક પર ઘણું દબાણ કર્યું હતું અને સતત બે સેટ જીત્યા હતા. એવું લાગી રહ્યું હતું કે નડાલ સરળતાથી ફાઈનલ જીતી જશે. જો કે, રશિયન યુવાનનો ઇરાદો કઇક અલગ જ હતો. તેણે ત્રીજા સેટમાં પોતાનો કમાલ બતાવ્યો અને નડાલને 7-5થી હરાવીને પ્રેક્ષકોને ચોંકાવી દીધા. આ પછી, મેદવેદેવે ચોથો સેટ સરળતાથી જીતી લીધો અને મેચને નિર્ણાયક સેટ પર પહોંચાવ્યો.

નિર્ણાયક સેટમાં, નડાલે તેના અનુભવનો પૂરો લાભ લીધો અને આ વર્ષે બીજો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ જીત્યો. મેચમાં બંને ખેલાડીઓની સર્વિસ ઘણી મજબૂત રહી. નડાલે તેની સર્વિસથી 14 પોઇન્ટ મેળવ્યા હતા. મેદવેદેવે મેચ બાદ જાહેર કર્યું કે, નડાલે તેને નેટ પર મળ્યા બાદ શું કહ્યું. રશિયન ખેલાડીએ કહ્યું, ‘જ્યારે હું તેમને જીતની શુભેચ્છા માટે નેટ પર પહોંચ્યો ત્યારે નડાલે કહ્યું કે તમારુ આ અઠવાડિયુ સારુ ગયુ.’ તમે ખૂબ સારા ખેલાડી છો. મેચ બાદ નડાલે કહ્યું કે મેદવેદેવ પર જીત સૌથી ભાવનાત્મક જીતમાંથી એક છે.

નડાલે કહ્યું, ‘મને લાગ્યું કે મેચ પર મારો નિયંત્રણ છે. પછી મેદવેદેવ જે રીતે પાછો ફર્યો અને આખી મેચની લય બદલી તે લાજવાબ હતી. આ મારી કારકિર્દીની સૌથી ભાવનાત્મક ક્ષણો છે. આ સ્ટેડિયમથી વધુ ઉર્જા ઉપલબ્ધ કોઇ અન્ય જગ્યા ન મળી શકે.’ 33 વર્ષીય નડાલ જાણે છે કે તેની પાસે ગ્રાન્ડ સ્લેમનો ખિતાબ જીતવાની હવે વધુ તક નહીં હોય. તેણે કહ્યું, ‘આ મેચ એટલી અઘરી હતી કે તે ખૂબ ખાસ બની ગઈ. ક્ષણોનું દબાણ વધુ ને વધુ ચિંતાજનક બની રહ્યું હતું, અને તે પછી વિજય મળ્યો જેનાથી હુ ઘણો ખુશ છુ.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here