નડિયાદ: 4 વર્ષ પહેલા બુટલેગર માસુમ મહીડાએ પુત્રીની ઉંમરની હિન્દુ યુવતીને ભગાડીને નિકાહ પઢી ધર્માંતરણ પણ કરી નાંખ્યું હતું. આ સમયે માસુમે પોતાને નિર્દોષ સાબિત કરવા બોગસ નિકાહનામુ રજુ કર્યું હતું. આ કેસમાં ચાર વરસ હાઈકોર્ટનો સ્ટે રહ્યા બાદ હજુ ગયા મહિને તે સ્ટે વેકેટ થતાં પોલીસે નિકાહનામામાં મદદગારી કરનારા મહુધાના વકીલ સહિત બેની ધરપકડ કરી છે.
નડિયાદના માસુમ મહિડાએ હિન્દુ યુવતીને પ્રેમજાળમાં ફસાવી ભગાડી હતી. આ પ્રકરણે લવજેહાદનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ચોમેરથી વિરોધ ઉઠ્યો હતો. આ વિરોધ બાદ પોલીસે માસુમ સામે પગલાં ભર્યાં હતાં અને તેની સામે યુવતીના અપહરણનો ગુનો 12મી જૂન, 2015 નોંધી તપાસ હાથ ધરી હતી. દરમિયાનમાં એટીએસએ 7મી જુલાઇ, 2015ના રોજ માસુમ કાલુભાઈ મહિડાની ધરપકડ કરી પશ્ચિમ પોલીસને સોંપ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન માસુમે હિન્દુ યુવતી સાથે નિકાહ કર્યાં હોવાનું કથિત બોગસ નિકાહનામુ રજુ કર્યું હતું.
આ નિકાહ નામામાં એવો ઉલ્લેખ કરાયો હતો કે, 23મી ઓગષ્ટ, 2013ના રોજ ઉદેપુરના માવલી ગામે નિકાહ કરવામાં આવ્યાં હતાં. પરંતુ પોલીસ તપાસ દરમિયાન 23મી ઓગષ્ટ,2013ના રોજ યુવતી તેની કોલેજમાં હાજર હતી. આથી, આ નિકાહ નામું બોગસ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતાં ખોટા દસ્તાવેજો તૈયાર કરવા તથા આરોપીઓએ ગુનાહિત કાવતરૂ રચ્યા અંગેની કલમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. જોકે, મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને કોર્ટે સ્ટે આપી દીધો હતો. કેસમાં સંડોવાયેલા સુલતાનમીયાં બાબુમીયાં શેખ અને મહંમદઅસ્ફાક ગુલામઅહેમદ મલેક (વકિલ)ની ધરપકડ કરી છે.