Saturday, September 18, 2021
Homeગુજરાતનડિયાદ : અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસી ગુજરાતી મહિલા, આપ્યા સવાલોના...

નડિયાદ : અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસી ગુજરાતી મહિલા, આપ્યા સવાલોના જવાબ

ખેડા જિલ્લાની સાક્ષરભૂમિ નડિયાદની મહિલા KBC (કૌન બનેગા કરોડપતિ) પ્રોગ્રામમાં ઝળકી છે. આ પ્રોગ્રામની હોટશીટ પર નડિયાદની મહિલા અમિતાભ બચ્ચનના સવાલોના જવાબ આપતી જોવા મળશે. ભારે મહેનત બાદ આ મહિલાએ હોટશીટ પર પહોંચતાં નડિયાદ સહિત સમગ્ર રાજ્યની છાતી ગર્વથી ગદગદ ફૂલી છે. આ એપિસોડ આગામી સમયમાં રજૂ થવાનો છે, જેનો નડિયાદવાસીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ટીવીના નાનકડા પડદા પર આવેલા નડિયાદની મહિલાએ આ શોમાં કેટલી રકમ જીતી છે એ હાલ જાહેર કરાયું નથી.

ખેડા જિલ્લાના નડિયાદમાં સંતરામ મંદિર પાછળ આવેલી વકીલ સોસાયટીમાં રહેતાં 59 વર્ષીય નમ્રતાબેન અજયભાઈ શાહ પોતે કથ્થક નૃત્યના ક્ષેત્ર સાથે છેલ્લાં 40 વર્ષથી સંકળાયેલાં છે. તપસા એકેડમી ઓફ ડાન્સ દ્વારા આણંદ, વિદ્યાનગર, નડિયાદમાં તેઓ તાલીમ આપી રહ્યાં છે. તેમનો અભ્યાસ બીએસસી ફિઝિક્સ સુધીનો છે. નમ્રતાબેનને સંતાનમાં એક દીકરો છે, જે તબીબ ક્ષેત્રમાં જોડાયેલા છે. તાજેતરમાં નમ્રતાબેને KBC સીઝન 13માં ભાગ લીધો છે. ઓડિશન આપતાં તેમનું સિલેક્શન થયું હતું. એ બાદ તેઓ હોટશીટ સુધી પહોંચી ચૂક્યાં છે.

પ્રથમવારના પ્રયાસમાં જ સફળતા મળી
હોટશીટ સુધી પહોંચવા માટે નમ્રતાબેને KBCના 4 જેટલા રાઉન્ડ પાર કર્યા છે. પૂરા ભારતમાંથી લગભગ 80 હજાર લોકોનું સિલેક્શન થાય છે. જે 4 રાઉન્ડ પૂરા થતાં થતાં ઓછા થતા જાય છે. તેમાંનાં એક નમ્રતાબેને છેક હોટશીટ સુધી પહોંચ્યાં છે. જે ગર્વ લેવા જેવી બાબત કહી શકાય છે. અગાઉ કોઈ વખત ટ્રાય નહી કરતાં સૌપ્રથમ વખત જ લક અને મહેનતથી આગળ આવી ગયાં હોવાનું નમ્રતાબેને જણાવ્યું છે.

જનરેશન ગેપનો અનુભવ શેર કર્યો
KBCમાં પહોંચેલા નમ્રતાબેને પોતાના અનુભવ આપતાં જણાવે છે કે મારી હાલ ઉંમર 59માં રનિંગ અને આવતા મહિને 60માં હું પ્રવેશવાની છું. આ વચ્ચે અહીં પહોંચવું ઘણું મુશ્કેલ હતું. એમાં પણ ખાસ જે ચાર તબક્કા ક્લિયર કરવાના હોય એમાં મારાથી નાના એટલે કે યુવાન લોકો મારી સાથે કન્ટેસ્ટન્ટ હતા. તે લોકોને થાપ આપવી મારા માટે મોટો પડકાર હતો. તેમ છતાં સંતરામ મહારાજના આશીર્વાદથી મારી મહેનત રંગ લાવી છે.

અગાઉ ભાઈને પણ KBCમાં સાથ આપ્યો છે
અગાઉ વર્ષ 2000ની સાલમાં નમ્રતાબેનના નાના ભાઈ કૃશાંગ શાહ જ્યારે બેંગલુરુમાં હતો ત્યારે કૃશાંગની KBCમાં પસંદગી થઈ હતી. આ સમયે નમ્રતાબેન કમ્પેનિયન તરીકે તેમની સાથે જોડાયાં હતાં. આ દરમિયાન કૃશાંગે 3 લાખ 20 હજારની રકમ જીતી હતી. હાલ તો કૃશાંગ કેનેડા સ્થાઈ થયો છે.

સફળતા પાછળ મહિલાએ પરિવારને શ્રેય આપ્યું
નમ્રતાબેને પોતાનું સંપૂર્ણ શ્રેય તેમના પરિવારને આપે છે, કારણ કે તેમના પરિવારના સભ્યોએ તેમને ઘણો સપોર્ટ આપ્યો છે. ખાસ કરીને અજયભાઈ નમ્રતાબેન અવારનવાર તણાવમાં ન આવે એ બાબતે ઘણી કાળજી રાખતા હતા. મોરલ તૂટે નહિ અને નિરાશા ન આવે એ બાબતે પુત્ર ડો. કૃતાર્થ શાહ અને પુત્રવધૂ ડો. શર્મિલા શાહ પણ ઘણી રીતે ચીવટ રાખતાં, અંતે સફળતા મળી હોવાથી તમામ શ્રેય પરિવારને આપે છે.

મહિલાને બર્થ ડેના એક માસ પહેલાં મળી સફળતાની ગિફ્ટ
KBCમાં પહોંચેલાં નમ્રતાબેનનો આવતા મહિને એટલે કે 4 ઓક્ટોબરે જન્મ દિવસ છે અને એક માસ અગાઉ જ એટલે કે સપ્ટેમ્બરમાં તેમને સફળતાની મોટી ગિફ્ટ મળતાં શાહ પરિવારમાં આનંદ છવાયો છે. KBCમાં સિલેક્ટ થતાં KBCની ટીમ જન્માષ્ટમીના દિવસે નડિયાદમાં આવી ઘરની વીડિયોગ્રાફી પણ કરી ગઈ હતી.

એક સિક્કાની બે બાજુની ફરજો અદા કરી વાંચનનો સમય ફાળવતા હતા
નમ્રતાબેન આમ તો કથ્થક નૃત્યના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓ હાલ 200 જેટલા વિદ્યાર્થિનીઓને નૃત્ય શીખવાડી રહ્યા છે. એમાંથી તો 4 શિષ્યાએ રાષ્ટ્રીય બાલશ્રી અવૉર્ડ મેળવ્યા છે. તો આ તમામ કામોની સાથે સાથે એક આદર્શ ગૃહિણીની પણ ફરજો બજાવી આ વચ્ચે તેમણે થોડો સમય મળે એટલે વાંચન કરી લેતાં હતાં. દિવસના બે-ત્રણ કલાક વાંચન પાછળ ફાળવતાં હતાં. વાંચનમાં જેટલું વાંચીએ તેટલું ઓછું પડે, કારણ કે આમાં તમામ વિષયોને આવરી લેવાના હોય છે અને તેથી તૈયારીઓ ઘણી કઠિન હોવાનું જણાવ્યું છે.

નમ્રતાબેનની 78 વર્ષીય માતા રમાબેને પણ આ તબક્કે જણાવ્યું હતું કે તેમણે પોતાનાં સંતાનોને ભણતર સાથે ગણતર આપી જીવનનું ઘડતર કર્યું છે. અને તેથી જ તેમનો દીકરો અને દીકરી આજે અહીં સફળતાની સીડી પર છે, જે સમાજ તથા નડિયાદ અને રાજ્યનું ગૌરવ કહી શકાય છે.

વાતચીતમાં નમ્રતાબેને જણાવ્યું હતું કે આ એપિસોડ આગામી 20, 21 અને 22 સપ્ટેમ્બરના રોજ રાત્રે 9થી 10:30 સુધી સોની ચેનલ પર આવવાનો છે, જેથી જોવાનું ચૂકશો નહિ. ટીવીના નાનકડા પડદા પર આવેલા નડિયાદની મહિલાએ કેટલી બાઝી મારી છે એ તો પ્રસારિત થનારા એપિસોડમાં જ માલૂમ પડશે. આ એપિસોડની નગરજનો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments